રિલાયન્સ-ડિઝનીનું મર્જર: રૂ. 70,000 કરોડના નવા સાહસના ચેરપર્સન નીતા અંબાણી

Wednesday 06th March 2024 08:35 EST
 
 

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝનીએ સંયુક્ત સાહસ રચવા માટેના બાઈન્ડિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ સંયુક્ત સાહસ હેઠળ વાયકોમ18 અને સ્ટાર ઈન્ડિયાના બિઝનેસ જોડાશે. સંયુક્ત સાહસ અંતર્ગત ભારતમાં બન્ને કંપનીઓના મીડિયા ઓપરેશન્સનું મર્જર થશે જેની કુલ વેલ્યૂ રૂ. 70,352 (અંદાજે 8.5 બિલિયન ડોલર) થશે. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 11,500 કરોડનું રોકાણ કરશે. ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે વાયકોમ18ને સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે મર્જ કરી દેવાશે. આ તમામ પગલાં બાદ સંયુક્ત સાહસનું નિયંત્રણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા થશે અને તેમાં રિલાયન્સનો હિસ્સો 16.34 ટકા રહેશે. વાયકોમ18નો હિસ્સો 46.82 ટકા રહેશે અને 36.84 ટકા હિસ્સો ડિઝનીનો રહેશે.

આ ડીલ સફળતાપૂર્વક પાર પડશે ત્યારે તે દેશમાં મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરમાં સૌથી મોટી કંપની બનશે. જેની વિવિધ ભાષામાં 100થી વધુ ચેનલો હશે, બે અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ રહેશે અને 75 કરોડ દર્શકોનો વ્યૂઅર બેઝ બનશે. આ સંયુક્ત સાહસની ટ્રાન્ઝેક્શન વેલ્યૂ 70,352 કરોડ થશે. સુચિત સંયુક્ત સાહસના ચેરપર્સન નીતા અંબાણી બનશે જ્યારે ઉદય શંકર વાઈસ ચેરપર્સન રહેશે જેઓ સ્ટ્રેટજિક ગાઈડન્સ પૂરું પાડશે.

રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘આ એક સીમાચિહ્નરૂપ કરાર છે જે ભારતીય એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં નવા યુગનો આરંભ કરશે. ડિઝની વૈશ્વિક સ્તર પર શ્રેષ્ઠ મીડિયા ગ્રૂપ તરીકે આદરપૂર્વકનું સ્થાન ધરાવે છે અને તેની સાથે વ્યૂહાત્મક સંયુક્ત સાહસ રચવાથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. તેને કારણે અમારા સંસાધનો, ક્રિએટિવ ક્ષમતા, અને માર્કેટ વિશેની સમજ વધુ આગળ ધપાવવામાં મદદરૂપ બનશે જેના દ્વારા અમે લોકોને પરવડે તેવી કિંમત સાથે અદભુત કન્ટેન્ટ પ્રોવાઈડ કરી શકીશું. અમે રિલાયન્સ ગ્રૂપના મહત્વના પાર્ટનર તરીકે ડિઝનીને આવકારીએ છીએ.’

સંયુક્ત સાહસ અંતર્ગત ડિઝનીની ફિલ્મોનું ભારતમાં ડિસ્ટ્રિબ્યુશન અને પ્રોડક્શન કરવાના એક્સક્લુઝિવ અધિકાર રહેશે. 30,000થી વધુ ડિઝની કન્ટેન્ટ એસેટ્સનું લાઈસન્સ મળશે. તેના દ્વારા ભારતીય કન્ઝ્યુમરને એન્ટરટેઈનમેન્ટના વ્યાપક વિકલ્પો મળશે. રેગ્યૂલેટરી, શેરધારકો અને અન્ય જરૂરી મંજૂરીને આધીન આ સંયુક્ત સાહસ રહેશે અને આ ડીલ 2024ના અંતિમ ક્વાર્ટરમાં અથવા 2025ના પ્રથમ ક્વાર્ટરમાં પૂરું કરી લેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter