અમેરિકાએ શનિવારે ભારત સાથેના ટ્રેડ ડીલ માટેની શરતોની સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બદલ ભારત પર લદાયેલી 25 ટકા પેનલ્ટી ડ્યુટી રદ કરાઇ છે. સાથે જ જણાવાયું હતું કે ભારતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદવાની ખાતરી આપી હોવાથી આ પેનલ્ટી રદ કરાઇ છે. બીજી તરફ, ભારત સરકારે આ મુદ્દે સત્તાવાર રીતે એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી. પ્રેસ કોન્ફરન્સમાં વેપાર અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલને જ્યારે પૂછાયું કે ભારત હવે રશિયા પાસેથી ક્રૂડની ખરીદશે કે નહીં ત્યારે તેમણે કહ્યું હતું કે આ અંગે વિદેશ મંત્રાલય દ્વારા માહિતી અપાશે. ઉલ્લેખનીય છે કે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરીને યુએસમાંથી ઊર્જા ઉત્પાદનોની આયાત વધારવી એ ભારત-યુએસ ટ્રેડ ડીલનો મહત્ત્વનો હિસ્સો છે.
એક રિપોર્ટ અનુસાર, ભારત દ્વારા ક્રૂડની જે આયાત થાય છે તેના સ્રોતની પેટર્ન છેલ્લા કેટલાક મહિનાથી બદલાઈ રહી છે. રશિયામાંથી ક્રૂડની ખરીદી બંધ થતાં ભારત પર વર્ષે 2.7 બિલિયન ડોલરનો વધારાનો બોજો પડશે.


