નવી દિલ્હીઃ ભારતીય સેનાએ આતંકીઓને પાઠ ભણાવવા હાથ ધરેલા ‘ઓપરેશન સિંદૂર’ને સપ્તાહ વીતી ગયું છે અને ભારત સાથે યુદ્ધવિરામ થયાને ત્રણ દિવસ થઇ ગયા છે, પણ પાકિસ્તાનના દિલોદિમાગ પરથી ભયનો ઓથાર હટ્યો નથી. પહેલા ભારતીય સેનાના કલ્પનાતીત આક્રમક અભિગમે દેશના લશ્કરી મથકોમાં ભારે વિનાશ વેર્યો અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોઇ ઝાટકીને કહ્યું છે કે પાકિસ્તાને આતંકના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સફાયો કરવો જ પડશે. પાણી અને લોહી એક સાથે વહી શકે નહીં. ટેરર - ટ્રેડ અને ટોક સાથે ચાલી શકે નહીં એમ કહેતા વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે હવે પાકિસ્તાન સાથે આતંક અને પાક. કબજાગ્રસ્ત કાશ્મીર મુદ્દે જ વાત થશે.
વડાપ્રધાન મોદીએ સોમવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં જ્યારે મંગળવારે પંજાબના આદમપુર એરબેઝ પર એરફોર્સના જવાનોને સંબોધતાં ભારતીય સેનાના શૌર્ય-સજ્જતા-ક્ષમતાની ભરપૂર પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે સમગ્ર દેશ તમને સલામ કરે છે. તો દેશવાસીઓને કહ્યું હતું કે પાક. સાથેનું યુદ્ધ માત્ર સ્થગિત કર્યું છે, પાકિસ્તાન કેવા પગલાં લે છે તેને ધ્યાને લઇને આગળનો નિર્ણય લેવાશે. આતંકીઓના સફાયા માટે સેનાને છૂટો દોર અપાયો છે. તેમણે કહ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર’ એ આતંક સામે ભારતની નીતિ છે. અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતનો આ જ અભિગમ રહેશે. (વિશેષ અહેવાલ - પાન 16 અને 17)