અક્રાઃ વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય સાહસવીરો અને રાજનીતિના ક્ષેત્રે ઘાના ભારત માટે ઐતિહાસિક સ્થાન ધરાવે છે. વડા પ્રધાન મોદીની ઘાના મુલાકાતે આર્થિક અને વ્યૂહાત્મક સહિત દ્વિપક્ષી સંબંધોને નવો આયામ આપ્યો છે. વડા પ્રધાન મોદીએ ઘાનાની પાર્લામેન્ટને સંબોધન કરતા વિકાસમાં સહકાર, સ્થાનિક ક્ષમતામાં વૃદ્ધિ અને સ્થાનિક તકો વધારવાની વાત કરી હતી.
નવી દિલ્હી અને અક્રા વચ્ચે 1957માં સત્તાવાર રાજદ્વારી સંબંધો સ્થપાયા પછી ભારતે ઘાનામાં ઈન્ટેલિજન્સ એજન્સી સહિત સંસ્થાઓ સ્થાપવામાં મદદ કરી હતી તેમજ ભારતીય શિક્ષકો, ટેક્નિશિયન્સ અને વેપારીઓ તકની શોધમાં ઘાનાનો નિયમિત પ્રવાસ કરતા રહ્યા છે. આફ્રિકાની 26 ટકાથી વધુ જેનરિક દવાઓ ભારતથી આવે છે. ઘાનાની ફાર્માસ્યુટિકલ નિયંત્રક સંસ્થાની વિદેશી ફાર્માસ્યુટિકલ ઉત્પાદકોની યાદીમાં ભારતીય કંપનીઓ પ્રભુત્વ ધરાવે છે.
ડિફેન્સ ક્ષેત્રે સહકારનું પણ એજન્ડામાં મહત્ત્વનું સ્થાન હતું. તાલીમ, સાધનો તેમજ વ્યાપક સુરક્ષા માટે પણ ઘાનાએ ભારત તરફ નજર દોડાવી છે. ઘાનાના પ્રેસિડેન્ટ જ્હોન માહામાએ ત્રાસવાદવિરોધમાં ભારતને સાથ આપતા એપ્રિલ 2025ના પહેલગામ ત્રાસવાદી હુમલાઓને વખોડી કાઢ્યા હતા. હાલ બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપાર આશરે 3 બિલિયન ડોલરનો છે અને આગામી પાંચ વર્ષમાં તેને બમણો કરી 6 બિલિયન ડોલરનો કરાશે. ઘાનાથી ભારતમાં સોનાની 70 ટકા નિકાસ થાય છે, તદ્પરાંત કોકા, કાજુ અને લાકડાની નિકાસ પણ મુખ્ય છે. ભારતમાંથી ફાર્માસ્યુટિકલ્સ, મશિનરીઝ, વાહનો અને ઔદ્યોગિક માલસામાનની આયાત કરાય છે. ભારતે ઘાનામાં 2 બિલિયન ડોલરથી વધુ રોકાણો કરેલા છે.
ઘાનાએ વેસ્ટ આફ્રિકાના રિસોર્સ લેન્ડસ્કેપમાં ભારતને પ્રવેશની ઓફર કરી છે. સોનુ, બોક્સાઈટ, મેંગેનિઝ અને લિથિયમની વિશાળ અનામતો સાથે ઘાના મહત્ત્વની ખનિજોની ભારતીય જરૂરિયાતોને સંતોષી શકે છે. પ્રેસિડેન્ટ માહામાએ ખનિજોના ઉત્ખનન અને પ્રોસેસિંગ ક્ષેત્રે રોકાણો કરવા ભારતને આમંત્રણ પણ આપ્યું છે. ભારતીય માઈનિંગ કંપનીઓને આફ્રિકાના બજારોમાં વિસ્તરણ કરવાની તક સાંપડી છે.