નવી દિલ્હી: વડાપ્રધાન મોદી આવતા મહિને ઓગસ્ટમાં યુક્રેનનાં સત્તાવાર પ્રવાસે જશે. રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે તેઓ પહેલીવાર યૂક્રેન જઈ રહ્યા છે. તેઓ યૂક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળીને યુદ્ધ બંધ કરાવવા પ્રયાસો કરશે તેવું માનવામાં આવે છે. મોદી કિવ જશે. મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે ઈટાલીમાં G-7 શિખર સંમેલન વખતે મુલાકાત થઈ હતી. ઈટાલીની મુલાકાત વખતે બંને નેતાઓ એકબીજાને ભેટયા હતા અને હસ્તધૂનન કર્યું હતું હતા. મોદી સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યા તે પછી ઝેલેન્સ્કીએ તેમને અભિનંદન સંદેશો મોકલ્યો હતો અને યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે માર્ચમાં ફોન પર વાત થઈ હતી. તે વખતે બંને દેશો વચ્ચે ભાગીદારી વિકસાવવા અને મજબૂત કરવા ભાર મૂકાયો હતો. બંને દેશોએ અને ખાસ કરીને ભારતે રશિયા - યુક્રેનને યુદ્ધ બંધ કરીને સમાધાન માટે મંત્રણાના મેજ પર આવવા તેમજ શાંતિપૂર્ણ સમાધાન શોધવા કૂટનીતિ પર ભાર મૂક્યો હતો. પુતિન અને મોદીની મુલાકાત વખતે પણ મોદીએ પુતિનને આ સમય જંગનો નથી તેવી ટકોર કરી હતી.