બ્યૂએનોસ એરિસ: વડાપ્રધાન મોદી તેમનાં પાંચ દેશોનાં સત્તાવાર પ્રવાસનાં ત્રીજા તબક્કામાં આર્જેન્ટિના પહોંચ્યા હતા. જ્યાં શનિવારે આર્જેન્ટિનાની રાજધાની બ્યૂએનોસ એરિસમાં તેમનું ‘કી ટૂ ધ સિટી’ દ્વારા સન્માન કરાયું હતું. આ સન્માન તેમને ભારત અને આર્જેન્ટિના વચ્ચેનાં સંબંધોને વધારે મજબૂત કરવા મહત્વનાં યોગદાન માટે આપવામાં આવ્યું છે. જેઓ શહેર સાથે વિશેષ સંબંધો બનાવે છે અને આ શહેરમાં સાંસ્કૃતિક, રાજકીય તેમજ આર્થિક સંબંધો વધારે છે તેવા વિશ્વનાં પ્રતિષ્ઠિત લોકોને આ સન્માનથી નવાજવામાં આવે છે. મોદીએ આ સન્માન પછી X પર લખ્યું હતું કે, બ્યૂએનોસ એરિસનાં સિટી પ્રમુખ જ્યોર્જ મેકરી દ્વારા કી ટૂ ધ સિટી એવોર્ડથી મને સન્માનવામાં આવે તે મારા માટે ગૌરવની વાત છે. આ સન્માન ભારત અને આર્જેન્ટિના વચ્ચે સંબંધોને વધારે મજબૂત કરવાનાં યોગદાનને માન્યતા આપે છે. ભારતનાં કોઈ પીએમ દ્વારા આર્જેન્ટિનાની 57 વર્ષ પછી સત્તાવાર મુલાકાત લેવામાં આવી છે. મોદીનું હોટલની બહાર ભારતીય સમુદાય દ્વારા મોદી... મોદીનાં નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલાક લોકો ભારતીય સંગીતની સુરાવલીઓ સાથે નાચતા જોવા મળ્યા હતા.