નાઈરોબીઃ વિદેશથી આવેલા નાના પાયા પરના વેપારીઓ પર તૂટી પડવામાં આવશે તેવા ભય મધ્યે સેંકડો બુરુન્ડીવાસીઓ પ્રવાસ દસ્તાવેજો મેળવવા તેમની નાઈરોબીસ્થિત એમ્બેસી પર ઉમટ્યા હતા તેવી પરિસ્થિતિમાં કેન્યાની સરકારે વણનોંધાયેલા ઈસ્ટ આફ્રિકન નાગરિકોને હંગામી માફી આપવાની જાહેરાત કરી છે.
કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ ટેક્સ સુધારાઓ સામે વિરોધ કરી રહેલા કેન્યાના વેપારીઓ સાથે બેઠક પછી વિદેશી વેપારીઓ દ્વારા સંચાલિત લઘુ વેપાર એકમો બંધ કરાવવા સત્તાવાળાઓને જણાવ્યું હતું. સરકારે જણાવ્યું હતું કે આદેશ વર્ક પરમિટ વિના કામ કરતા વિદેશીઓને લાગુ પડે છે. આ પછી, બુરુન્ડીના દૂતાવાસ બહાર અરાજકતા સર્જાઈ હતી અને પડોશીઓ દ્વારા ધમકીઓ અપાતી હોવાનું બુરુન્ડીના નાગરિકોએ જણાવ્યું હતું.
આ પછી, સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકાર કોઈ પણ કનડગત, ધાકધમકી અથવા માઈગ્રન્ટવિરોધ મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. સરકારે બુરુન્ડી સહિત અન્ય દેશોના વણનોંધાયેલા નાગરિકોને તેમના દૂતાવાસોમાં સત્તાવાર રજિસ્ટ્રેશન કરાવવાની અપીલ કરી હતી. રજિસ્ટ્રેશનના સમયગાળામાં જે લોકો નોંધણી કરાવી રહ્યા છે તેમને કેન્યા રિપબ્લિકમાં કાયદેસર હાજર હોવાનું ગમવામાં આવશે તેમ પણ જણાવાયું હતું. યુએન રેફ્યુજી એજન્સીના જણાવ્યા અનુસાર કેન્યામાં અંદાજે 16,000 બુરુન્ડી નિર્વાસિતો અને એસાઈલમ સીકર્સ છે, જેઓ નાઈરોબીમાં નાના પાયે ધંધાઓ કરે છે.

