વર્લ્ડ મીડિયાની નજરે ટ્રમ્પનો ભારત પ્રવાસ

Wednesday 26th February 2020 04:21 EST
 
 

ધ ન્યૂ યોર્ક ટાઇમ્સઃ ટ્રમ્પને ભીડ પસંદ તેથી મોદીએ...
જગવિખ્યાત અમેરિકી અખબાર ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’એ એક વિશેષ અહેવાલમાં લખ્યું છે કે બ્રિટનની પાસે મહારાણી છે, એટલે તેઓ ટ્રમ્પ માટે બકિંગહામ પેલેસમાં ડિનરનું આયોજન કરે છે. ફ્રાન્સમાં બાસ્તિલ ડે ઉજવવામાં આવે છે, આ કારણે તેઓ રાષ્ટ્રપતિને મિલિટરી પરેડમાં બોલાવે છે. જાપાનમાં રાજાશાહી છે એટલા માટે તેઓ ટ્રમ્પને બોલાવે છે. આ જ રીતે ભારતીય વડા પ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા માટે તેમનો પ્રેમ એટલે કે ભીડની સાઇઝને પસંદ કરી.

ધ ડોનઃ યુએસ ફર્સ્ટ વિરુદ્ધ મેક ઇન ઇન્ડિયાની લડાઇ
પાકિસ્તાનના મોખરાના પ્રકાશન ગૃહ ‘ધ ડોને’ પ્રમુખ ટ્રમ્પના ભારત પ્રવાસ સંદર્ભે લખ્યું છે કે અમેરિકા અને ભારતની વચ્ચેના વેપાર સંબંધો લાંબા સમયથી ખરાબ ચાલી રહ્યા હતા. જોકે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકા ફર્સ્ટ અને વડા પ્રધાન મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ના નારાના કારણે આ સંબંધો વધુ બગડી રહ્યા છે. ચીનની સાથે ટ્રેડ વોર છતાં ટ્રમ્પે ભારતને લઇને નિવેદન અને તેની પર ભારતની પ્રતિક્રિયાના કારણે ભારત-અમેરિકાની વચ્ચે મોટી ડીલ ન થઇ શકી.

ગ્લોબલ ટાઇમ્સઃ યુએસ ઇચ્છે છે કે ભારતનું મહત્ત્વ વધે
ચીનની સરકારનું મુખપત્ર ગણાતા દૈનિક અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સે’ લખ્યું કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ દર્શાવે છે કે અમેરિકા કેવી રીતે ભારતનું જિયો પોલિટિકલ મહત્ત્વ વધારવા માટે પ્રયત્નશીલ છે. અમેરિકા હિન્દ-પેસિફિક ક્ષેત્રમાં પણ પોતાના ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે ચીનના પાડોશીને આકર્ષી રહ્યું છે. કેટલાક ચીની લોકો અમેરિકાની હિન્દ-પેસિફિક રણનીતિની અવગણના કરી રહ્યાં છે, પણ અમેરિકાએ ચીનને રોકવામાં કોઇ કસર બાકી રાખી નથી.

અલ ઝઝીરાઃ ટ્રમ્પ પાસે તે નૈતિક અધિકાર નથી
‘અલ ઝઝીરા’એ એનાલિસ્ટોના હવાલાથી લખ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પર્સનલ કેમેસ્ટ્રી દ્વારા બંને દેશોની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ ડિફરન્સને ખત્મ કરવા ઇચ્છશે. ટ્રમ્પે ઘણા પ્રસંગે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા રસ દર્શાવ્યો હતો. પૂર્વ ડિપ્લોમેટ કંવલ સિબ્બલ કહે છે કે ટ્રમ્પની પાસે ધાર્મિક આઝાદી કે માઇનોરિટી રાઇટ્સ પર ભારતને સવાલ કરવાનો કોઇ નૈતિક અધિકાર નથી. જો ટ્રમ્પ સીએએનો મુદ્દો ઉઠાવે છે તો ભારત તેનો વિરોધ જરૂર કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter