વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો રદ કરવાનો જે આંચકારૂપ નિર્ણય લીધો તેને માત્ર ભારતના અખબારોમાં જ પ્રાધાન્ય નથી મળ્યું, પરંતુ આ નિર્ણયે વિશ્વભરમાં પણ ચર્ચાઓ શરૂ કરી દીધી છે. વડા પ્રધાન તેમના સતત વિદેશ પ્રવાસોને કારણે ઈન્ટરનેશનલ મીડિયાના રડાર પર રહે છે અને હવે તેઓના આ નોટબંધીના નિર્ણયને પણ વિદેશી મીડિયામાં વ્યાપકપણે કવરેજ પ્રાપ્ત થઈ રહ્યું છે.
જોકે, મોદીના આ નિર્ણયને આવકારતાં પહેલાં કેટલાક મુદ્દે તેની ટીકા કરવાની તક પણ વિદેશી મીડિયાએ ઝડપી લીધી છે. વિશેષ કરીને નોટ બદલાવવા માટે સમગ્ર દેશમાં લાગતી લાંબીલાંબી લાઈનોને કારણે ફેલાયેલી અંધાધુંધી વિદેશી મીડિયાએ ચમકાવી છે.
મીડિયા જૂથ બીબીસીમાં પ્રકાશિત આર્ટિકલ ‘હાઉ ઈન્ડિયાઝ કરન્સી બાન ઈઝ હર્ટીંગ ધ પુઅર’માં મુખ્યત્વે એટીએમ અને બેન્કોની બહાર લાગતી કતારો અને નાના વેપારીઓની સમસ્યાઓ પર લક્ષ આપવામાં આવ્યું છે. બીજી તરફ, ‘ન્યૂ યોર્ક ટાઈમ્સે’ પણ એટીએમ બહાર ભારતીયોની કતારો વિશે લખ્યું છે. જોકે, આ અખબારે મોદીના નોટબંધીના નિર્ણયને ડહાપણભર્યો પણ ગણાવ્યો છે.
અન્ય અમેરિકન અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’માં પણ મુખ્યત્વે આ મામલે પ્રતિક્રિયા હકારાત્મક આવી છે. જે પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ કદમ ઘણું જ મહત્ત્વાકાંક્ષી છે અને કાળા નાણાં પર તેમણે મારેલી તરાપ હોવાનું કહ્યું છે. આ મુદ્દે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હોવાનું પણ તેણે લખ્યું છે.
‘ડેઈલી મેઈલ’માં લખાયું છે કે વડા પ્રધાન મોદીની ૫૬ ઈંચની છાતી છે તે વાત બરોબર છે, પણ તેમણે તેમના ૯૬ વર્ષનાં માતાને નોટ બદલાવવા માટે શું કરવા લાઈનમાં ઉભાં રાખવાની જરૂર પડી?
આ ઘટમાળમાં ‘ફોર્બ્સ’ મેગેઝિને મોદીના નોટબંધીના નિર્ણયના પાંચ દિવસ પછી એક આર્ટિકલ છાપ્યો છે. ‘ઈન્ડિયાઝ ગ્રેટ બેન્ક નોટ સ્વિચ અપીયર્સ ટુ બી વર્કિંગ - ૩૦ બિલિયન ઈન રૂપીઝ ડિપોઝીટેડ ઈન બેન્ક્સ’ નામના આ આર્ટીકલમાં લખાયું છે કે આ ઘટનાથી ચોક્કસપણે હોબાળો સર્જાશે, પરંતુ વાસ્તવમાં જોવાનું તો એ છે કે આ નિર્ણય ખરેખર કેટલો ફળદાયી અને સચોટ રહે છે. સમગ્રપણે જોકે, આ લેખમાં મોદીના નિર્ણયને ચતુરાઈપૂર્વકનો ગણાવાયો છે.
‘ઈન્ડિપેન્ડન્ટ’ નામના સિંગાપોરથી પ્રકાશિત થતા અખબારે ‘મોદી ડઝ અ લી કુઆન યુ ટુ સ્ટેમ્પ આઉટ કરપ્શન ઈન ઈન્ડિયા’ નામથી લેખ છાપ્યો છે. લી કુઆન યુ સિંગાપોરના વડા પ્રધાન રહી ચૂક્યા હતા. તેમને મોડર્ન સિંગાપોરના આર્કિટેક્ટ ગણવામાં આવે છે.