વિદેશોમાં વસતા એનઆરઆઇ સમુદાયને નિર્મલાના બજેટમાં કોઇ રાહત ન મળી

એનઆરઆઇ સમુદાયને સંપત્તિ, મ્યુચ્યુઅઅલ ફંડ, સ્ટોક માર્કેટ ઇત્યાદિમાં કરાતા મૂડીરોકાણ પરની આવક પર વસૂલાતા તોતિંગ કરવેરા ઘટે તેવી એનઆરઆઇ સમુદાયની ઇચ્છા હતી

Thursday 03rd February 2022 04:58 EST
 
 

લંડન: મોદી સરકાર 2.0ના પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ થયેલા કેન્દ્રિય બજેટ પર વિદેશમાં વસતા એનઆરઆઇને ઘણી આશાઓ હતી. વિદેશમાં વસતા એનઆરઆઇ ભારતમાં મૂડીરોકાણના નિયમોમાં વધુ છૂટછાટો ઇચ્છી રહ્યાં હતાં પરંતુ નિર્મલા સીતારામનના બજેટમાં એનઆરઆઇ સમુદાયની આશાઓ પરીપૂર્ણ થઇ નથી.
સાથે સાથે ભારતના નાગરિકો અને મુખ્યત્વે પગારદાર અને મધ્યમવર્ગીય સમુદાયે રાખેલી ઇન્કમટેક્સમાં રાહતની આશાઓ પર પણ પાણી ફરી વળ્યું છે. નિર્મલા સીતારામને એનઆરઆઇ અને ભારતના આ વર્ગોની લાંબાગાળાની માગણીઓ પ્રત્યે આંખ આડા કાન કર્યાં છે. એનઆરઆઇ સમુદાયને આશા હતી કે ભારતમાં થતી આવક પર કપાતા ટીડીએસમાં સરકાર દ્વારા ઘટાડો કરાય. બિનજરૂરી ઊંચા ટીડીએસનું રિફંડ મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરાય. ભાડે ચડાવેલી સંપત્તિના વેચાણ દરમિયાન ટેક્સની અસંગતતાઓ દૂર કરાય. કોરોના મહામારીના કારણે ઘણા મહિનાઓથી ભારતમાં ફસાઇ ગયેલા એનઆરઆઇને ટેક્સમાં રાહત અપાય. એનઆરઆઇને ભારતીય સ્ટોક બજારમાં રોકાણ માટે પ્રોત્સાહન આપવા ટેક્સ નીતિની સમીક્ષા કરાય. ભારતથી વિદેશમાં મોકલાતા નાણાની મર્યાદા 1 મિલિયન ડોલરથી વધારીને વ્યાજબી કરવામાં આવે. એનઆરઆઇ માટેની ડેબ્ટ સ્કીમ પરનો ટીડીએસ 30 ટકાથી ઘટાડીને 15 ટકા કરાય. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર ઇન્ડેક્સેશનના લાભ અપાય. પરંતુ આ પૈકીની એકપણ આશા પૂરી થઇ નથી.
એનઆરઆઇસીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ, પીપીએફમાં રોકાણની છૂટ ઇચ્છતા હતા
ભારતના કોઇપણ કરદાતાની જેમ એનઆરઆઇને પણ સેક્શન 80 સી અંતર્ગત રૂપિયા દોઢ લાખ અને સેક્શન 80સીસીડી(બી) અંતર્ગત એનપીએસમાં રોકાણ માટે રૂપિયા 50 હજારનું ડિડક્શન મળે છે પરંતુ એનઆરઆઇ સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમમાં મૂડીરોકાણ કરી શક્તાં નથી, પોતાનું પીપીએફ એકાઉન્ટ ખોલાવી શક્તાં નથી અથવા તો એનએસસી ખરીદી શક્તાં નથી કે પોસ્ટ ઓફિસમાં ડિપોઝિટ કરાવી શક્તા નથી. તમામ એનઆરઆઇની ઇચ્છા હતી કે નિર્મલા સીતારામન આગામી બજેટમાં આ નિયંત્રણો દૂર કરે.
દેશમાં વસતા નાગરિકો જેવા જ ટેકસ ડિડક્શનના લાભની આશા ન ફળી
વિદેશમાં વસતા એનઆરઆઇના પરિવાર અને સગાં ભારતમાં રહેતા હોય છે. તેમ છતાં એનઆરઆઇને ચોક્કસ ટેક્સ ડિડક્શનના લાભ અપાતા નથી. એનઆરઆઇને ભારતમાં રહેતા વિકલાંગ આશ્રિતની સારવારમાં થયેલા ખર્ચ, ચોક્કસ રોગથી પીડાતા પરિવારજનની સારવાર પર થતા ખર્ચને સેક્શન 80ડીડી, સેક્શન 80ડીડીબી અઁતર્ગત ટેક્સ ડિડક્શનના લાભ અપાતા નથી. એનઆરઆઇ વિદેશમાં રહીને પણ દેશમાં આશ્રિતોની કાળજી લેતાં હોય છે તેથી તેમને પણ દેશમાં વસતા નાગરિકોની જેમ ટેક્સ ડિડક્શનના લાભ અપાય, પરંતુ માગણી સ્વીકારાઇ નથી.
સીતારામનનું બજેટ એનઆરઆઇને કેવી રીતે ઉપયોગી
• ડિજિટલ રૂપિયાનો પ્રારંભ થતાં એનઆરઆઇ દ્વારા સ્વદેશ મોકલાતા નાણાની ફીમાં ઘટાડો થશે • ઇ-પાસપોર્ટ અમલી બનતાં એરાઇવલ અને ડિપાર્ચરની પ્રક્રિયા સરળ બની રહેશે • બે વર્ષ સુધી આઇટી રિટર્ન અપડેટ કરી શકાશે જેના કારણે વિદેશમાં વસતા ભારતીય કરદાતાને મદદ મળી રહેશે
મોદી સરકારના બજેટથી અર્થતંત્રને ઘણો લાભ થશે – ભરત ભાટિયા
યુએઇમાં સ્ટીલનું ઉત્પાદન કરતી બીજા ક્રમની સૌથી મોટી પ્રાઇવેટ કંપની કોનારેસના સ્થાપક અને સીઇઓ ભરત ભાટિયાએ બજેટને આવકારતાં જણાવ્યું હતું કે, વિકાસ અને મૂડીરોકાણ માટે અપાર તકો ઉપલબ્ધ કરાવતું બજેટ રજૂ થયું છે જેનાથી અર્થતંત્રને ઘણો લાભ થશે. સ્ટેનલેસ સ્ટીલ, ફ્લેટ પ્રડક્ટ અને હાઇ સ્ટીલ બાર પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાને ભાટિયાએ આવકારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter