વિનાશ વેરી ‘ફેની’ વાવાઝોડું કમજોર બની બાંગ્લાદેશ તરફ વળ્યું

Wednesday 08th May 2019 07:02 EDT
 
 

પુરી, ભુવનેશ્વર, કોલકત્તાઃ બંગાળનાં ઉપસાગરમાં હળવા દબાણને કારણે સર્જાયેલા વાવાઝોડા ફેનીએ ૩જી મેએ ભયંકર સ્વરૂપ પકડીને ઓડિશામાં તબાહી મચાવી હતી. બીજા દિવસે ચોથીમે, શનિવારે વાવાઝોડું પશ્ચિમ બંગાળ પહોંચ્યું હતું અને કમજોર પડી ગયું હતું. એ પછી તે ૬૦થી થી ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે બાંગ્લાદેશ તરફ આગળ વધ્યું હતું. જોકે ફેનીએ ઓડિશામાં વ્યાપક વિનાશ વેર્યો છે. માત્ર ઓડિશામાં જ વાવાઝોડાથી ૧૨નાં મોત થયાં હતાં અને ૧૬૦ લોકોને ઈજા થઈ હતી. ફેનીથી પીડિત વિસ્તારોનું ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને પૂરગ્રસ્ત ક્ષેત્રો માટે કેન્દ્ર સરકારે રૂ. ૧,૦૦૦ કરોડની મદદની જાહેરાત પણ કરી હતી.

ચાર જિલ્લામાં તબાહી મચાવી

તોફાની પવન અને ભારે વરસાદ સાથે ફેની ૩જી મેએ સવારે ઓડિશામાં ત્રાટક્યું હતું. કલાકનાં ૨૨૫ કિમીની ઝડપે પવન ફુંકાતા અનેક સ્થળે વૃક્ષો અને કાચા મકાનો પડી ગયાં હતાં. ઓડિશામાં આ આફતથી ૧૨ લોકોનાં મૃત્યુ અને ૧૬૦થી વધુને ઈજા થઈ હતી. ઓડિશામાં વીજળીનાં અને ટેલિફોનના થાંભલા પડી જતાં લાખો લોકો અંધારપટમાં ફસાયા હતા તથા સંપર્કવિહોણા થયા હતા. ફેની ત્રાટકતાં જ પીડિતોની મદદ માટે ઓડિશા તંત્ર, ગૃહ મંત્રાલય અને સિક્યોરિટી માટેના ઇમરજન્સી નંબર જારી કરી દેવાયા હતાં. ગૃહમંત્રાલયને મોકલાયેલા રિપોર્ટ અનુસાર, ઓડિશાના ચાર જિલ્લા - કટક, ખુર્દા, ભુવનેશ્વર અને પુરીમાં સૌથી વધુ નુકસાન નોંધાયું હતું. ઓડિશામાં રેલવે, માર્ગ અને એર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. ભુવનેશ્વર અને પુરીનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. અનેક કાર પાણીમાં કે રસ્તા પર જ પલટી ગઈ હતી. પુરીમાં જમીન ધસી પડવાની ઘટનાઓ પણ બની હતી. વાવાઝોડાને કારણે ભુવનેશ્વરનાં એઈમ્સને ભારે નુકસાન થયું હતું.

કોલકત્તામાં પૂરની સ્થિતિમાં જળબંબાકાર

ચોથીએ ફેની પશ્ચિમ બંગાળના ખડગપુર વિસ્તારોને પાર કરીને ઉત્તર-પૂર્વ દિશામાં ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું હતું. ફેનીના કારણે કોલકત્તા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ હતી. ભારતીય હવામાન વિભાગે ચક્રવાતની સ્થિતિમાં વારંવાર માછીમારોને સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપી હતી.
ફેનીની અસરના કારણે ઓડિશા બાદ બંગાળ અને ઝારખંડના અનેક શહેરોમાં વાવાઝોડાં સહિત ભારે વરસાદ થયો હતો. વાવાઝોડાની મહત્તમ અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ, પુડુચેરીમાં થઈ હતી.

મમતા બેનરજીની રેલીઓ રદ કરાઈ

પશ્ચિમ બંગાળમાં ફેની ત્રાટકે તે પહેલાં જ કોલકત્તામાં ભારે વરસાદ થઇ રહ્યો હતો. જેથી હવાઇ યાત્રાઓ રદ કરી દેવાઈ હતી. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાવડા-ચેન્નઇ માર્ગ પર અંદાજિત ૨૨૦ ટ્રેન રદ કરી દેવામાં આવી હતી. વાવાઝોડું પશ્ચિમ બંગાળ તરફ વધી રહ્યું હતું, તેને ધ્યાનમાં રાખીને પ. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની પૂર્વનિયોજિત તમામ ચૂંટણી રેલીઓ રદ કરી દેવામાં આવી હતી.

હવામાન વિભાગની સજ્જતાથી હજારોનો બચાવઃ યુએન

ઓડિશામાં ફેની ત્રાટક્યું ત્યારે તેના તોફાનની તીવ્રતાને કારણે તેને કેટેગરી-૪ હરિકેન શ્રેણીમાં રખાયું હતું. આ પ્રકારનાં તોફાનમાં પ્રતિ કલાક ૧૭૦થી ૨૫૦ની ઝડપે ફુંકાય છે જે ખૂબ ખતરનાક ગણાય છે. જોકે, ઓડિશા સરકાર તેમજ અન્ય એજન્સીઓનું ઉત્તમ આયોજન, હવામાન વિભાગની સતર્કતા અને સ્વૈચ્છિક સંસ્થાઓની આગોતરી સક્રિયતાને પગલે ફેનીનું જાનહાનિથી થનારું નુકસાન ઓછું થયું હતું. ફેનીના કારણે ૧૨ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. જોકે, આ વાવાઝોડાને પગલે ભારે આર્થિક નુકસાન થયું. ફેનીનો પડકાર ઝીલી લેવાના ભારતના પ્રયાસના વિશ્વના અનેક દેશ અને યુએનએ પણ વખાણ કર્યાં હતાં. દુનિયાભરમાં કુદરતી દુર્ઘટનાઓ પર નજર રાખતી યુએનની યુએનઆઇએસડીઆરના વડા મામી મિજુતોરીએ કહ્યું હતું કે ભારતીય હવામાન વિભાગે ફેનીની ચોક્કસ માહિતી આપી હતી. જેના કારણે સરાકર ૧૨ લાખ લોકોને સલામત સ્થળે ખસેડી શકાય. ભારતની ઝીરો કેઝ્યુઆલિટી પોલીસીના કારણે વધુ જાનહાનિ ના થઈ. ભારતે બહુ સારું કામ કર્યું છે.
ફેની ચોથીએ પશ્ચિમ બંગાળ પહોંચીને કમજોર પડી ગયું હતું. ૬૦થી ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તે બાંગ્લાદેશ તરફ આગળ વળી ગયું હતું. આપત્તિના જોખમો સાથે જોડાયેલી યુએનની એજન્સી (ઓડીઆરઆર)ના પ્રવક્તા ડેનિસ મેક્લિને કહ્યું હતું કે, સરકારની ઝીરો કેઝ્યુઆલિટી પોલીસી અને ભારતીય હવામાન વિભાગની સટીક ભવિષ્ય વાણીના કારણે સમય રહેતાં લાખો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા તેથી જ વાવાઝોડામાં મૃત્યુઆંક નહીંવત રહ્યો છે અને વધુ જાનહાનિ ટાળી શકાઈ જે સરાહનીય છે. ઉલ્લેખનીય છે કે ભારતે ૨૦૧૩માં આવેલા વાવાઝોડા બાદ પોલીસી પર કામ શરૂ કર્યું હતું.

બાંગ્લાદેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું

ફેની ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ તરફ વળતાં બાંગ્લાદેશમાં એલર્ટ જાહેર કરાયું હતું. બાંગ્લાદેશમાં ૨૫ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જ્યારે નિચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે મોકલી દેવાયા હતા.

મોદીની રૂ. ૧,૦૦૦ કરોડની મદદની જાહેરાત

વડા પ્રધાન અને ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે એક સાથે અસરગ્રસ્ત ઓડિશાના ક્ષેત્રોનું સોમવારે હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. આ પહેલાં બંનેએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મોદીએ મુખ્ય પ્રધાનને કેન્દ્ર તરફથી દરેક સંભવ મદદનો ભરોસો અપાવ્યો હતો. મોદીએ કુદરતી આપત્તિનો સામનો કરવાના પ્રયાસો બદલ નવીન પટનાયકની પ્રશંસા કરી હતી. તેમણે વાવાઝોડાથી થયેલા આર્થિક નુકસાનમાંથી બહાર આવવા ઓડિશાને રૂ. ૧૦૦૦ કરોડની મદદની જાહેરાત કરી હતી. આ પહેલાં કેન્દ્ર સરકારે ઓડિશાને રાહત માટે રૂ. ૩૮૧ કરોડની પણ મદદ કરી હતી. મોદીએ સરકારી અધિકારીઓની સાથે તંત્રની સૂચનાઓનું પાલન કરવા બદલ ઓડિશાના નાગરિકો ખાસ કરીને માછીમારોની પણ પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, નાગરિકોના સાથ સહકારને પગલે ફેની વાવાઝોડું અત્યંત વિનાશક હોવા છતાં જાનહાનિ ઓછી થઈ હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter