ઓટાવાઃ કેનેડાએ ભારતમાં એક નવા રાજદ્વારીની વરણી કરી છે. પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકાર વખતે નવી દિલ્હી અને ઓટાવા વચ્ચે સર્જાયેલા રાજદ્વારી વિવાદ પછી કેનેડા દ્વારા ભારતમાં થયેલી આ પ્રથમ રાજદ્વારી વરણી છે. કેનેડાના વિદેશપ્રધાન અનિતા આનંદે જાહેરાત કરી હતી કે રાજદ્વારી જેફ ડેવિડ મુંબઈમાં મહાવાણિજય દૂત ડિડ્રાહ કેલીનું સ્થાન લેશે. બંને દેશો ટૂંક સમયમાં પોતાના રાજદૂતોને પુનઃ નિયુક્ત કરવાની યોજના ઘડી રહ્યા છે.
એક અહેવાલ મુજબ બંને દેશોએ નવા રાજદૂતના નામનું આદાનપ્રદાન પહેલા જ કરી લીધું છે. ઘટનાક્રમ આ વર્ષના આરંભે બંને દેશો વચ્ચે સધાયેલી સમજૂતીને અનુરૂપ છે. ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો સપ્ટેમ્બર 2023માં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા હતા. તે સમયે ટ્રુડો સરકારે ભારતીય રાજદ્વારીઓ કેનેડાની ધરતી પર વસી રહેલા ખાલિસ્તાની ભાગલાવાદીઓ વિરુદ્ધ થયેલી હિંસાના સમર્થન હોવાના આક્ષેપ કર્યા હતા. વિવાદ એટલો વકર્યો હતો કે બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને પોતાના દેશમાંથી હાંકી કાઢ્યા હતા.
બે વર્ષના ગતિરોધ પછી વડાપ્રધાન માર્ક કાર્નીએ કેનેડાનું સુકાન સંભાળ્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો આવ્યો છે. વડાપ્રધાન કાર્નીએ જૂન મહિનાના મધ્યભાગમાં અલ્બર્ટા ખાતે આયોજિત ગ્રૂપ ઓફ સેવન શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીને નિમંત્રણ પાઠવ્યું હતું. બંને દેશો વચ્ચે ત્યાં મુલાકાત પણ થઈ હતી. તે મુલાકાત વખતે બંને દેશો વચ્ચે નવા રાજદૂતની વરણી કરવા અને નિયમિત કામકાજ બહાલ કરવાને મુદ્દે સહમતી સધાઈ હતી.