વૈશ્વિક મીડિયામાં અયોધ્યા ચુકાદો

Tuesday 12th November 2019 15:01 EST
 
 

• ધ ગાર્ડિયન (બ્રિટન)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનો મોટો વિજય થયો છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણ તેમના રાજકીય એજન્ડાનો ભાગ હતો. આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે દેશના ૨૦ કરોડ મુસ્લિમો ભારત સરકારથી ડરનો અહેસાસ કરી રહ્યા છે. ૧૯૯૨માં મસ્જિદ તોડવામાં આવી તે ભારતની ધર્મનિરપેક્ષતાની નિષ્ફળતા સમાન હતું.
• વોલ સ્ટ્રીટ જર્નલ (અમેરિકા)
સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળનું નિયંત્રણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને આપી દીધું, જે બાદમાં હિન્દુ રાષ્ટ્રવાદી સમૂહોના ટ્રસ્ટને સોંપી દેવાશે. ચુકાદો ભારતની રાજકીય અને સામાજિક સંરચનાને આકાર આપવાનું કામ કરશે. દેશના રાજકીય પક્ષોએ દાયકાઓ સુધી આ મુદ્દા સાથે જોડાયેલી ભાવનાઓનો રાજકીય લાભ લેવાના પ્રયત્નો કર્યા છે, પરંતુ ભાજપે આ મુદ્દાનો સૌથી અસરકારક ઉપયોગ કર્યો છે. કોર્ટનો ચુકાદો એવા સમયે આવ્યો છે કે જ્યારે મોદી સરકારે મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીરમાં તેની સ્વાયતતાને છીનવી લીધી છે અને ભારતમાં લાંબા સમયથી વસવાટ કરી રહેલા કેટલાક મુસ્લિમ અપ્રવાસીઓને નાગરિકતા આપવાનો ઈન્કાર કરી દીધો છે.
વિવાદિત સ્થળ પર નિયંત્રણ મેળવવું તે હિન્દુ રાષ્ટ્રીયવાદીઓનો દાયકાઓ જૂનો એજન્ડો રહ્યો છે. વડા પ્રધાન મોદી પોતે યુવાવસ્થામાં રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા હતા. વર્ષ ૨૦૦૨માં ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા બાદ તે આ મુદ્દાની ઉંડાઈમાં ઉતરી ગયા હતા.
• ન્યૂ યોર્ક ટાઈમ્સ (અમેરિકા)
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી હિન્દુઓને તે જગ્યા પર મંદિર નિર્માણ કરવા મંજૂરી મળી ગઈ છે, જ્યાં અગાઉ મસ્જિદ હતી. હિન્દુઓએ તેની યોજના વર્ષ ૧૯૯૨ બાદ તૈયાર કરી લીધી હતી, જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનો પક્ષ ભાજપ હિન્દુ રાષ્ટ્રવાદ તથા અયોધ્યામાં મંદિરની લહેરમાં જ સત્તા પર આવ્યો હતો. આ મુદ્દો તેના એજન્ડાના મુખ્ય મુદ્દામાં સામેલ હતો.
• વોશિંગ્ટન પોસ્ટ (અમેરિકા)
દાયકાઓ જૂના વિવાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મોટી જીત છે. ભગવાન રામ માટે વિવાદિત સ્થળ પર મંદિર બનાવવાનો ભાજપનો ઉદ્દેશ હતો. ભારતની સર્વોચ્ચ અદાલતે દેશના સૌથી વિવાદિત ધાર્મિક સ્થળને ટ્રસ્ટને આપી દેવા આદેશ કર્યો છે અને જે જગ્યા પર એક સમયે મસ્જિદ હતી તે જ જગ્યાએ હવે હિન્દુ મંદિરનું નિર્માણ કરવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.
• ધ ડોન (પાકિસ્તાન)
ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વિવાદિત સ્થળે જ્યાં હિંદુઓ દ્વારા ૧૯૯૨માં મસ્જિદ તોડી પાડવામાં આવી હતી ત્યાં હિન્દુઓની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો. કોર્ટે જણાવ્યું કે અયોધ્યાની જમીન ઉપર જ મંદિર બનશે. કોર્ટે માન્યું કે ૪૬૦ વર્ષ જૂની મસ્જિદ તોડી પાડવી પણ ગેરકાયદે હતું. તેનાથી ભારતમાં હિંદુ અને મુસ્લિમોના સંબંધો ઉપર પ્રતિકૂળ અસર પડશે.
• ધ ટ્રિબ્યુન (પાકિસ્તાન)
પાકિસ્તાનના ધ ટ્રિબ્યુને તેના અહેવાલોમાં ભારત સરકાર અને વિદેશ મંત્રાલયના નિવેદનોનો ઉલ્લેખ કર્યો છે. અહેવાલમાં વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરેશીને ટાંકી કહેવામાં આવ્યું છે કે ભારતના મુસ્લિમ પહેલાથી જ દબાણમાં છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી તેમના પર દબાણ વધશે. વિદેશ મંત્રાલય વતી અહેવાલમાં જણાવાયું હતું કે ભારત સરકારે મુસ્લિમોની જાનમાલના રક્ષણને સુનિશ્ચિત કરવું જોઈએ.
• અલ જજીરા (મિડલ ઇસ્ટ)
ભાજપે અયોધ્યામાં મંદિરના નિર્માણ માટે વર્ષો સુધી અભિયાન ચલાવ્યું. હવે ચુકાદા મારફતે મંદિરનો માર્ગ મોકળો થવો તે ૬૯ વર્ષીય મોદીના બીજા કાર્યકાળના પ્રારંભના દિવસોની મોટી જીત છે. આશા છે કે આ ચુકાદો વર્ષોના ગુસ્સા અને મતભેદ ધરાવતી કાયદાકીય લડાઈનો અંત આણશે. અગાઉ આ પ્રશ્ન બ્રિટિશ સામંતવાદી શાસકો અને ત્યારબાદ દલાઈ લામાએ પણ ઉકેલવા પ્રયત્ન કર્યા હતા.
• ગલ્ફ ન્યૂઝ (યુએઇ)
૧૩૪ વર્ષ જૂનો વિવાદ ૩૦ મિનિટમાં ઉકેલી લેવામાં આવ્યો. હિન્દુઓને અયોધ્યાની જમીન મળશે. મુસ્લિમોને મસ્જિદ માટે વૈકલ્પિક જમીન આપવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter