સંક્ષિપ્ત સમાચાર (દેશ-વિદેશ)

Wednesday 28th October 2020 07:11 EDT
 

• નવેમ્બર સુધી અનલોક – ૫.૦ની ગાઈડલાઈનઃ મંગળવારના અહેવાલો પ્રમાણે ભારતમાં કોરોના કુલ કેસની સંખ્યા ૭૯૭૮૯૭૨, કુલ મૃતકાંક ૧૧૯૮૭૧ થઈ હતી જ્યારે કેન્દ્ર સરકારે મંગળવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ૩૦ સપ્ટેમ્બર એટલે કે અનલોક-૫.૦ માટે બહાર પડાયેલી ગાઈડલાઈન જ ૩૦ નવેમ્બર સુધી લાગુ રહેશે.
• કોલસા કૌભાંડમાં દિલીપ રે સહિત ૪ને ૩ વર્ષ કેદઃ પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રે, કોલસા મંત્રાલયના બે પૂર્વ વરિષ્ઠ અધિકારી અને એક અન્ય સહિત ૪ દોષિતોને ૩ વર્ષની સજા ૨૬મીએ સંભળાવી છે. ચારેયને રૂ. ૧૦ લાખનો દંડ ભરવા પણ ફરમાવાયું છે.
• હાથરસ કેસઃ હાથરસના બુલગઢી ગામમાં દલિત યુવતી પર થયેલા કથિત ગેંગરેપ અને હત્યાના મામલામાં દાખલ કરાયેલી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે ચુકાદો આપતાં કહ્યું કે આ મામલામાં સીબીઆઈ તપાસની દેખરેખ અલ્હાબાદ હાઈ કોર્ટ કરશે.
• વિજ્ય માલ્યા પાસેથી ૩૬૦૦ કરોડ વસૂલ્યાઃ એસબીઆઈના નેતૃત્વવાળા બેંક કોન્સોર્ટિયમે વિજય માલ્યા પાસેથી અત્યાર સુધી રૂ. ૩૬૦૦ કરોડની વસૂલાત કરી છે. જોકે, હજુ માલ્યા પાસેથી બેંકોની રૂ. ૧૧ હજાર કરોડની વસૂલાત બાકી છે.
• રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપનું જોડાણ ઘોંચમાંઃ સિંગાપોર સ્થિત સિંગલ જજ આર્બિટ્રેશન પેનલના વચગાળાના આદેશના પગલે રિલાયન્સ રિટેલનો ફ્યુચર ગ્રૂપ સાથેનો રૂ. ૨૪૭૩૧ કરોડનો સોદો ઘોંચમાં પડ્યો છે જ્યારે ફ્યુચર ગ્રૂપે આર્બિટ્રેશનમાં ખેંચી જનાર અમેઝોનને રાહત મળી છે.
• મની લોન્ડરિંગમાં એક જ પરિવારના ૪ની ધરપકડઃ નકલી દસ્તાવેજો રજૂ કરી છેતરપિંડી આચરીને એક મિલકતને વારંવાર મોર્ગેજ કરી લોન મેળવીને બેંકને રૂ. ૨૦ કરોડનું નુકસાન કરવા બદલ એક જ પરિવારના ચાર સભ્યો અશ્વિન અરોરા, વિજય અરોરા અને તેમની પત્નીઓનીની ધરપકડ કરાઈ છે.
• સ્માર્ટ એલઈડી દ્વારા દર વર્ષે ૬૦ બિલિયન યુનિટ્સની બચતઃ
ભારતીય ઊર્જાનું ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત છે તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઈન્ડિયા એનર્જી ફોરમમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ૨૦૨૨ સુધીમાં તેની ઇલેક્ટ્રિસિટી ગ્રીડમાં ૧૭૫ ગિગાવોટ અક્ષય ઊર્જાનો ઉમેરો કરવાનું ભારતનું લક્ષ્ય છે આ લક્ષ્યને પહોંચી વળવા માટે દેશ યોગ્ય માર્ગ પર છે.
• કાબુલમાં વિસ્ફોટમાં ૨૪થી વધુ મોતઃ અફઘાનની રાજધાની કાબુલમાં શૈક્ષણિક કેન્દ્ર પર થયેલા ભયંકર વિસ્ફોટમાં ૨૪થી વધુનાં મોત થયાં છે. હુમલાની જવાબદારી આઈએસે સ્વીકારી છે.
• સેમસંગના ચેરમેન લી કુન-હીનું અવસાનઃ દક્ષિણ કોરિયાની બહુરાષ્ટ્રીય કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના ચેરમેન લી કુન-હીનું રવિવારે અવસાન થયું હતું. તેઓ ૭૮ વર્ષના હતા.
• પરમાણુ શસ્ત્ર પ્રતિબંધક સમજૂતી પર ૫૦ દેશોના હસ્તાક્ષરઃ સંયુક્ત રાષ્ટ્રએ ૨૫મી ઓક્ટોબરે જાહેર કર્યું કે, પરમાણુ શસ્ત્ર પ્રતિબંધક સમજૂતી પર ૫૦ દેશો હસ્તાક્ષર કરીને તેને માન્યતા આપી ચૂક્યા છે અને આગામી ૯૦ દિવસમાં તે અમલી બની જશે.
• આર્મેનિયા-અઝરબૈજાનની લડાઈમાં ૫ હજાર લોકોનાં મોતઃ આર્મેનિયા અને અઝરબૈજાનની વચ્ચે ચાલતી લડાઇમાં અત્યાર સુધીમાં ૫ હજારથી વધુ લોકોનાં મોત થયાંનું રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ૨૩મીએ એક બેઠકમાં કહ્યું હતું.
• પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં જ રહેશેઃ પેરિસમાં યોજાયેલી ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ટફોર્સની ઓનલાઇન બેઠકમાં નિર્ણય લેવાયો કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter