સંક્ષિપ્ત સમાચાર (દેશ-વિદેશ)

Saturday 05th December 2020 06:25 EST
 

ભારત સહિત વિશ્વના વિવિધ દેશોની મહત્ત્વની ઘટનાઓની ઝલક...

• કાશ્મીર મામલે ટિપ્પણી: ભારતે ઓઆઇસીને વખોડ્યુંઃ ભારતે જમ્મુ-કાશ્મીર મામલે ટિપ્પણી કરવા બદલ ઇસ્લામિક દેશોનાં સંગઠન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (ઓઆઇસી)ની આકરી ટીકા કરી છે. ભારતે આરોપ મૂક્યો હતો કે, નાઇઝરમાં યોજાયેલી એક બેઠકમાં આ સંગઠન દ્વારા અપનાવવામાં આવેલા પ્રસ્તાવો જમ્મુ-કાશ્મીરના સંબંધમાં હકીકતોની દૃષ્ટિએ અયોગ્ય અને અસ્વીકાર્ય છે. ભારતે મક્કમતાથી જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અવિભાજ્ય અને અભિન્ન અંગ છે. સાથોસાથ ભારતે આ સંગઠનને ભવિષ્યમાં આ પ્રકારે કોઈ ઉલ્લેખ ન કરવાની સલાહ આપતા જણાવ્યું હતું કે, આ સંગઠન કોઈ એક ચોક્કસ દેશને એનો પોતાનો ઉપયોગ સતત થવા દે છે, જે ખેદજનક છે. વળી, આ દેશનો ધાર્મિક અસહિષ્ણુતા, કટ્ટરતા અને લઘુમતી સમુદાયના લોકો પર અત્યાચારનો ઘૃણાસ્પદ રેકોર્ડ રહ્યો છે. ઓઆઇસીના સભ્ય દેશોના વિદેશ પ્રધાનોની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં જમ્મુ-કાશ્મીર વિશે ભારતની નીતિઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘ઓઆઇસી દ્વારા પસાર કરાયેલા ઠરાવોમાં ભારત વિશેના હકીકતોની દૃષ્ટિએ અયોગ્ય, વણમાગેલા અને અસ્વીકાર્ય ઉલ્લેખોને દૃઢતાથી ફગાવી દઇએ છીએ. અમે હંમેશાથી એ સુનિશ્ચિત કર્યું છે કે, ઓઆઇસીની પાસે જમ્મુ-કાશ્મીર સહિતના ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી.’
• ચીન બ્રહ્મપુત્રા પર બંધ બાંધવાની તૈયારીમાંઃ લદ્દાખમાં સરહદ પર ચીન સાથે તંગદિલી પ્રવર્તી રહી છે ત્યારે જ ચીનની નવી લુચ્ચાઈ સામે આવી છે. ભારત સાથે જોડાયેલી સરહદ પાસે જ ચીની સરકારની માલિકીની હાઇડ્રો પાવર કંપની પાવરચાઇના ચીનની યારલુંગ જાંગબો નદી જેને ભારતમાં બ્રહ્મપુત્રા નદી તરીકે ઓળખવામાં આવે છે તેના પર મહાકાય બંધ બાંધશે તેમ આ બંધ નિર્માણનો કોન્ટ્રેક્ટ મેળવનારી કંપનીના વડાને ચીનના માધ્યમોમાં જણાવાયું હતું. બીજી તરફ ભારતે ચીનને સંકેત આપતા કહ્યું હતું કે, બંધ બાંધવા દરમિયાન ટ્રાન્સ બોર્ડર નદી સમજૂતીનું પાલન કરે.
• બોકો હરામે ૧૧૦ ખેડૂતોને રહેંસી નાખ્યાઃ યુનાઇટેડ નેશન્સે જણાવ્યું છે કે વાયવ્ય નાઇજિરિયામાં કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન બોકો હરામના હથિયારધારી હુમલાખોરોએ ૧૧૦ લોકોની ક્રૂર હત્યા કરી છે. તે પૈકીના કેટલાકનો શિરોચ્છેદ થયો હતો તો કેટલાકના હાથપગ બાંધીને હત્યા કરાઇ હતી. બોકોહરામે જાણે કે ક્રૂરતાની તમામ સરહદો પાર કરી દીધી હતી. હુમલામાં સંખ્યાબંધ લોકો ઘવાયાં પણ હતાં. આરંભમાં આંકડો ૪૩ હતો તે પછી આંકડો વધીને ૭૦ થયો હતો અંતે ૧૧૦ લોકોની હત્યા થઈ હોવાની હકીકત સામે આવી છે. ખેતમજૂરો અને ખેડૂતો ખેતરમાં લણણી કરી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. ગાર્વિન વાશેબ સમૂહના લોકોની હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમુદાય ડાંગરની ખેતી માટે જાણીતો છે.
• લાહોર જગતનું સૌથી પ્રદુષિત શહેર, દિલ્હી બીજા ક્રમેઃ પાકિસ્તાની શહેર લાહોર જગતનું સૌથી વધુ પ્રદૂષિત શહેર જાહેર થયું છે. યુએસ એર ક્વોલિટી ઈન્ડેક્સના આંકડા સોમવારે જાહેર થયા છે, જે પ્રમાણે લાહોરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ૩૦૧ નોંધાયો હતો. કોઈ શહેરનો એક્યુઆઈ ૫૦થી વધારે હોય તો તેની હવા શુદ્ધ ન ગણાય. લાહોર તો અતિ ખતરનાક હવા ધરાવતા શહેરમાં આવી ગયું છે.
• નોબલ પીસ પ્રાઇસ વિજેતા વડા પ્રધાને યુદ્ધ છેડ્યુંઃ તિગરાઈના બળવાખોરોને ડામવા માટે ઇથોપિયન વડા પ્રધાન આબી અહેમદ અલીએ જંગ જાહેર કરી દીધો છે. આબી મહેમદ અલીને ૨૦૧૯માં જ શાંતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. તેમના આ નિર્ણયથી આશ્ચર્ય સર્જાયું છે. આફ્રિકન યુનિયને પણ વડા પ્રધાન આબી અહેમદ સાથેના મુદ્દે વાટાઘાટો આદરી છે. આબી અહેમદ અલી લોકશાહી, મહિલા ઉત્થાન, સર્વાંગ વિકાસ અને શાંતિ-સલામતીના નામે ઇથોપિયાની સત્તા સંભાળી હતી. એરિટ્રિયા-ઇથોપિયા વચ્ચે ૨૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી જે સંઘર્ષ ચાલતો હતો એનો ઉકેલ આબી અહેમદ લાવ્યા હતા. આ માટે તેમને ૨૦૧૯નો શાંતિ નોબેલ પણ એનાયત થયો હતો.
• હોંગકોંગ, પેરિસ રહેવા માટે દુનિયાનાં સૌથી મોંઘાં શહેરોઃ કોરોનાકાળમાં રહેવા માટે દુનિયાનાં સૌથી મોંઘાં શહેરોની યાદીમાં હોંગકોંગ, પેરિસ અને જ્યૂરિચ ટોચ પર છે. ઇકોનોમિસ્ટ ગ્રૂપના રિસર્ચ અને એનાલિસીસ વિભાગ ધ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં આ વાત બહાર આવી છે. આ સંશોધનમાં દુનિયાભરનાં ૧૩૩ શહેરોમાં જીવનજરૂરિયાતની ૧૩૮ વસ્તુઓની કિંમતોની સરખામણી કરવામાં આવી હતી. ટોપ ૧૦ દેશોમાં સિંગાપોર, ઓસાકા, તેલઅવીવ, જીનિવા, ન્યૂ યોર્ક, કોપેનહેગન અને લોસ એન્જેલસ સામેલ છે. સિડની ૧૫મા સ્થાને, લંડન ૨૦મા સ્થાને,
નૈરોબી ૭૭મા સ્થાને, મોસ્કો ૧૦૬મા સ્થાને જ્યારે દિલ્હી ૧૨૧મા સ્થાને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter