સંક્ષિપ્ત સમાચાર (દેશ-વિદેશ)

Friday 23rd July 2021 03:50 EDT
 

ભારત સહિત આંતરરાષ્ટ્રીય તખતે બનેલી મહત્ત્વની ઘટનાઓ ઉડતી નજરે...

• અંગ્રેજોના દેશદ્રોહના કાયદાની શું જરૂર?ઃ દેશદ્રોહના કાયદાને પડકારતી નવી અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી બ્રિટિશ રાજમાં ઘડાયેલા આ આકરા કાયદાની જરૂરિયાત પર સણસણતા સવાલ પૂછ્યા છે. ચીફ જસ્ટિસ રામન્નાના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે દેશદ્રોહના કાયદાને બેફામ દુરુયયોગ પર ચિંતા વ્યક્ત કરતાં કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે સ્વતંત્રતાની ચળવળને દબાવી દેવા મહાત્મા ગાંધી, બાલ ગંગાધર ટિળક, ગોખલે સહિતના નેતાને ચૂપ કરાવવા બ્રિટિશરો દ્વારા ઉપયોગમાં લેવાયેલા કાયદાને નાબૂદ કેમ કરી દેતા નથી?
• મોદી-પવાર વચ્ચે એક કલાક મંત્રણાઃ રાજ્યસભાના સભ્ય અને એનસીપી સુપ્રીમો શરદ પવારે ગયા શનિવારે પાટનગર દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક ચાલી હતી. કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ખટરાગના સમાચારો વચ્ચે રાજકીય વર્તુળોમાં અટકાળોનો નવો દોર શરૂ થયો છે. જોકે બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તે હજુ સ્પષ્ટ નથી. નોંધનીય છે કે બે દિવસ અગાઉ પ્રધાન પિયુષ ગોયલે શરદ પવાર સાથે તેના ઘરે જઈને મુલાકાત કરી હતી. તે પછી ૧૬ જુલાઈએ પવાર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળ્યા હતા. મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારમાં ચાલતી રાજકીય ઊથલપાથલ વચ્ચે વડા પ્રધાન સાથે પવારની બેઠકે રાજકીય પંડિતોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પવારને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાના સમાચારો પણ બહાર આવી રહ્યા છે.
• ઓક્સિજનના અભાવે કોઈ મોત નથી!: કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન ઓક્સિજનની તીવ્ર અછતના કારણે મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓના સડક પર અને હોસ્પિટલોમાં મોત થયા હોવા અંગેના સવાલનો રાજ્યસભામાં જવાબ આપતાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યપ્રધાન ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે, કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન ઓક્સિજનની અછતના કારણે દેશમાં કોઇ મોત થયાં નથી. પવારે જણાવ્યું હતું કે, આરોગ્ય સેવાઓ રાજ્યો હસ્તક છે અને તેઓ દરરોજ કોરોનાના નોંધાતા કેસ અને મોત અંગે કેન્દ્રને માહિતી આપે છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કેન્દ્રને આવી કોઇ માહિતી અપાઇ નથી.
• ભારતમાં ૪૦ કરોડથી વધુને કોરોના રસીઃ ભારતમાં એક જ દિવસમાં કોરોના વાઇરસના નવા ૪૧,૧૫૭ કેસો આવ્યા છે. આમ કુલ કેસોની સંખ્યા વધીને ૩.૧૧ કરોડે પહોંચી ગઇ છે. બીજી તરફ રસીકરણ અભિયાન પણ ઝડપી બનાવી દેવાયું છે. અગાઉ ભારતે ઓછા સમયમાં રસી આપવા મુદ્દે અમેરિકાને પાછળ રાખી દીધું હતું જ્યારે સૌથી વધુ લોકોને રસી આપવા મુદ્દે ચીન બાદ બીજો દેશ બન્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના ૪૦ કરોડથી વધુ ડોઝ અપાયા છે. જે સાથે જ ચીન બાદ સૌથી વધુ લોકોને રસી આપવા મુદ્દે ભારત બીજા ક્રમે પહોંચી ગયો છે, જ્યારે પ્રથમ ક્રમે ચીન છે.
• કોંગ્રેસ છોડનારા સંઘના માણસઃ કોંગ્રેસ છોડી જનારા વિરુદ્વ રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે આવા લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના માણસો છે. તેમણે આ ટિપ્પણી પાર્ટીના સોશિયલ મીડિયા એકમ સાથેની બેઠક દરમિયાન કહી હતી. તેમણે કહ્યું કે એવા ઘણા લોકો છે. જે નીડર છે પણ કોંગ્રેસમાં નથી. અમને એવા લોકોની જરૂર નથી જે સંઘની વિચારધારામાં વિશ્વાસ ધરાવે છે. અમને નીડર લોકોની જરૂર છે, આ અમારી વિચારધારા છે. રાહુલ ગાંધીએ આવા નિવેદનથી જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ જેવા નેતાઓને નિશાન બનાવ્યા હતા.
• ક્વીન એલિઝાબેથ હિન્દ મહાસાગરમાંઃ ભારતીય નૌકાદળ સાથે મળીને સામૂહિક યુદ્ધ અભ્યાસ કરવા માટે બ્રિટનનું યુદ્ધજહાજ એચએમએસ ક્વીન એલિઝાબેથ પોતાના સ્ટ્રાઇક ગ્રૂપ સાથે હિન્દ મહાાગર આવી પહોચ્યું છે. બ્રિટનના વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે ભારત અને ઇન્ડોપેસિફિક દેશો સાથે સંરક્ષણ-સહકારનો એક નવો યુગ આરંભ થઈ રહ્યો છે. બન્ને દેશો દ્વારા ૨૬ જુલાઈથી સંયુક્ત યુદ્ધ અભ્યાસની શરૂઆત થશે
• ભારતને બે મેરિટાઈમ હેલિકોપ્ટર્સ મળ્યાંઃ અમેરિકાના સાન ડિએગોમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતીય નેવીને અમેરિકાએ બે એમએચ-૬૦આર મેરિટાઈમ હેલિકોપ્ટર્સની સોંપણી કરી હતી. આ હેલિકોપ્ટર્સ ભારતને મળી જતાં ઈન્ડિયન નેવીની શક્તિમાં વધારો થશે. ભારતે આ પ્રકારના કુલ ૨૪ હેલિકોપ્ટર્સ માટે કરાર કર્યો છે. લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત એમએચ-૬૦આર મેરિટાઈમ હેલિકોપ્ટર્સનો પહેલો જથ્થો ભારતને મળ્યો છે. અમેરિકાસ્થિત ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધુ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
• સિદ્ધુ પંજાબ કોંગ્રેસના નવા ‘કેપ્ટન’ઃ પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્ય કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ વચ્ચે હાઈકમાન્ડે નવજોતસિંહ સિદ્ધુને પંજાબ એકમના પ્રમુખ બનાવવાનો નિર્ણય લઈ લીધો છે. આ સાથે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાર કાર્યકારી પ્રમુખોની પણ નિમણૂક કરાઈ છે. આ સંદર્ભમાં પક્ષે એક પત્ર જાહેર કરીને આ માહિતી આપી છે. પત્રમાં લખાયું છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ નિર્ણય લીધો છે. જોકે, આ નિર્ણયથી પંજાબ કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ વધુ વકરવાની આશંકા છે. સિદ્ધુને પ્રમુખ બનાવવાની સાથે સંગત સિંહ, સુખવિંદર સિંહ ડૈની, પવન ગોયલ અને કુલજીત સિંહ નાગરાને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. આ સાથે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે અમરિન્દર સિંહ પંજાબના મુખ્ય પ્રધાન રહેશે.
• આવતા વર્ષે રિપબ્લિક ડે પરેડ નવા રાજપથ પરઃ આવતા વર્ષની ગણતંત્ર દિવસની પરેડ નવા સજાવેલા રાજપથ ઉપર યોજાશે જેને સંપૂર્ણ નવીનીકરણ દ્વારા સેન્ટ્રલ વિસ્તા એવન્યૂનું સ્વરૂપ અપાયું છે. ત્રણ કિલોમીટરનો આ માર્ગ રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ટિયા ગેટ સુધી વિસ્તરે છે. આ વિસ્તારને નવેમ્બર સુધીમાં આખરી ઓપ અપાઈ જશે. રાજપથના નવીનીકરણમાં ખૂબ મોટા પાયે પથ્થરનું આકર્ષક કામ કરાયું છે. અન્ડરપાસ બનાવવામાં આવ્યા છે અને પાર્કિંગ તથા વિશેષ સવલતો માટે અન્ડરગ્રાઉન્ડ બાંધકામ કરી સગવડ ઊભી કરાઇ છે. કૃત્રિમ તળાવો બનાવીને તેની ઉપર ૧૨ પુલ બનાવાયા છે. ત્રિકોણ સંસદભવન અને તેની વચ્ચે કોમન સચિવાલય ધરાવતો આ વિસ્તાર દેશનો નવોનકોર પાવર કોરિડોર બની રહેશે.
• લશ્કર એ તોયબાનો ટોપ કમાન્ડર ઠારઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળોને આતંકીઓના એન્કાઉન્ટરમાં મોટી સફળતા મળી છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર ૨૦૧૭થી સક્રિય લશ્કર-એ-તોયબાના ટોચના કમાન્ડર ઇશ્કાફ ડારને ઠાર કરાયો છે. આ સિવાય એક અન્ય આતંકી માજિદ ઇકબાલને પણ સુરક્ષા દળોએ ઠાર માર્યો છે.
• મુંબઇ પાણી-પાણી, કુલ ૩૨નાં મોતઃ મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ગયા શનિવાર રાત્રે ભૂસ્ખલનની અને ઇમારત તૂટી પડવાની અલગ અલગ ૪ દુર્ઘટના બની હતી, જેમા ૩૨ લોકોના મોત થયા હતા. પ્રથમ ઘટના ચેંબુરમાં બની હતી જેમાં ૧૯ લોકોના મોત થયા હતા. બીજી દુર્ઘટના વિક્રોલીમાં બની હતી જેમાં ૧૦ લોકોના મોત થયા હતા. ત્રીજી દુર્ઘટનામાં ભાંડુપ ખાતે દીવાલ પડી જતા ૧૬ વર્ષના છોકરાનું મોત નીપજ્યું હતું. અંધેરીમાં ઇલેકટ્રીક કરંટના કારણે એકનું મોત નીપજ્યું હતું.
• રિલાયન્સે જસ્ટ ડાયલમાં શેરહિસ્સો ખરીદ્યોઃ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટા કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે દેશમાં નાના મોટા બિઝનેસ અંગે માહિતી આપતી ૨૫ વર્ષ કરતાં જૂની કંપની જસ્ટ ડાયલમાં રૂ. ૩૪૯૭ કરોડના ખર્ચે બોર્ડ પર નિયંત્રણ મેળવતી હિસ્સેદારી ખરીદી છે. હાલ રિલાયન્સ રિટેલ જસ્ટ ડાયલના ૪૦.૯૫ ટકા શેર પર કબજો રાખશે. ત્યારબાદ કંપની ટેકઓવર કરવાના રેગ્યુલેશન પ્રમાણે વધુ ૨૬ ટકા હિસ્સો ખરીદવા ઓપન ઓફર આપશે. જસ્ટ ડાયલ સાથેની ડીલના કારણે રિલાયન્સ રિટેલ ૨૫ વર્ષ જૂની કંપનીના ડેટાબેઝનો ઉપયોગ પોતાના વિસ્તરણ માટે કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter