જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકા સરકારે એન્ટિ માઈગ્રેશન વિરોધોના પરિણામોને સુધારવા અન્ય આફ્રિકી દેશો સાથે માઈગ્રેશન મુદ્દે વ્યાપક ચર્ચા હાથ ધરવા તૈયારી દર્શાવી છે. દેશમાં ગેરકાયદે રહેતા માઈગ્રન્ટની હકાલપટ્ટીની માગણી સાથેના વિરોધો સાથે વ્યાપેલી હિંસા તેમજ કેટલાક આફ્રિકી દેશો સાથે રાજદ્વારી તણાવના પગલે આવી ચર્ચાથી માઈગ્રેશન કટોકટીનો ઉકેલ લાવી શકાશે તેમ સાઉથ આફ્રિકા માને છે.
55 સભ્ય દેશ સાથેના આફ્રિકન યુનિયને ગત સપ્તાહે ઓક્ટોબરમાં મળનારી બેઠકના એજન્ડામાં સાઉથ આફ્રિકાના માઈગ્રેશન તણાવનો મુદ્દો સમાવવા ઘાનાએ રજૂ કરેલા પ્રસ્તાવને ફગાવી દીધો હતો. સાઉથ આફ્રિકાએ પણ વ્યાપક કટોકટીના નિરાકરણના બદલે માત્ર તેને જ અલગ પાડવા સામે વિરોધ દર્શાવ્યો હતો. ઓગસ્ટ મહિનાના ઉત્તરાર્ધમાં સાઉથ આફ્રિકામાં સધર્ન આફ્રિકન ડેવલપમેન્ટ કોમ્યુનિટી સમિટ યોજાવાની છે તેમાં સાઉથ આફ્રિકાની વિભાજક માઈગ્રેશન પરિસ્થિતિની ચર્ચા થઈ શકે તે માટે સાઉથ આફ્રિકા પ્રયાસ કરી રહ્યું છે.
માઈગ્રન્ટ્સની હિજરતથી મજૂરોની અછત
ગેરકાયદે માઈગ્રન્ટ્સ સામે વિરોધના પરિણામે ગત બે મહિનામાં 160,000થી વધુ લોકોએ સાઉથ આફ્રિકા છોડી દીધું છે. માઈગ્રન્ટ્સની હિજરતથી સાઉથ આફ્રિકાના ફળ ઉત્પાદક વિસ્તારો, ફેક્ટરીઓ, બાંધકામોની સાઈટ્સ અને ફાર્મ્સમાં મજૂરોની ભારે અછત સર્જાઈ છે. હવે માલિકો સામે નવા અનુભવી વર્ક્સ શોધવાની મુશ્કેલી આવી પડી છે. હિજરત કરી જનારા લોકોમાં ઝિમ્બાબ્વે (108,366), માલાવી (46,890), નાઈજિરિયા (1,490), મોઝામ્બિક (2,000), ઘાના (926), કેન્યા, લીસોથો અને યુગાન્ડાના નાગરિકોનો સમાવેશ થાય છે.


