કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 2050 સુધીમાં વાર્ષિક 5 મિલિયનથી વધુ પ્રવાસીઓને સેવા આપતું થઈ જશે અને પહેલા 20 વર્ષમાં આશરે 100,000 પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ પૂરી પાડશે.
અગ્રણી રીઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ગ્રોથપોઈન્ટ પ્રોપર્ટીઝ દ્વારા પ્રાથમિક તબક્કાના પ્રોજેક્ટ પાછળ2.2 મિલિયન પાઉન્ડના ખર્ચે રનવે તેમજ પેસેન્જર ટર્મિનલ, હોટેલ એકોમોડેશન અને ફ્યુઅલિંગ ફેસિલિટીઝ પાછળ 309 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરવામાં આવશે. ટેકનિકલ ડેવલપમેન્ટ અને એરપોર્ટના બાંધકામમાં વિલ્સન બેલી હોમ્સ-ઓવકોન (WBHO)ની પાર્ટનરશિપ છે.
મંત્રમુગ્ધ કરી દેનારા લેન્ડસ્કેપ્સ સાથે સાઉથ આફ્રિકન શહેર કેપ ટાઉન સંખ્યાબંધ એવોર્ડ્સ સાથે મોખરાના પ્રવાસન સ્થળોમાં એક છે. લંડનથી કેપ ટાઉનની ડાયરેક્ટ ફ્લાઈટ સામાન્ય રીતે 11.5 કલાક લે છે. પોસ્ટ ઓફિસના વાર્ષિક રિપોર્ટ અનુસાર કેપ ટાઉન યુકેના પ્રવાસીઓ માટે સૌથી વધુ પોસાય તેવું દર્શનીય સ્થળ છે.


