જોહાનિસબર્ગઃ યુએસ માટે નવનિયુક્ત સાઉથ આફ્રિકન એમ્બેસેડર રોલ્ફ મેયેરે બીબીસી સાથેની મુલાકાતમાં સ્પષ્ટ કર્યું છે કે સાઉથ આફ્રિકામાં શ્વેત નરસંહાર અથવા શ્વેત આફ્રિકન લઘુમતી પર સામૂહિક હુમલાઓનું કોઈ જ અસ્તિત્વ નથી. તેમણે કહ્યું હતું કે હું ખુદ જન્મે આફ્રિકન છું. સાઉથ આફ્રિકામાં હિંસા સંબંધિત હકીકતોનું ખોટું અર્થઘટન કરાયેલું છે.
શ્વેત નરસંહાર મુદ્દે યુએસ અને સાઉથ આફ્રિકા વચ્ચે રાજદ્વારી તણાવ સર્જાયા પછી એપ્રિલમાં રોલ્ફ મેયેરને યુએસમાં નવા એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાયા હતા. સાઉથ આફ્રિકામાં 1990ના દાયકામાં રંગભેદી શ્વેત લઘુમતી શાસનનો અંત લાવવાની વાટાઘાટોમાં મુખ્ય મંત્રણાકારોમાં મેયેર પણ એક હતા. ગયા વર્ષે પ્રેસિડેન્ટ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ સીરિલ રામફોસા સાથે મુલાકાતમાં શ્વેત નરસંહારનો આક્ષેપ સાઉથ આફ્રિકા પર લગાવ્યો હતો. આ પછી, અમેરિકાએ આફ્રિકનો માટે શરણાર્થી યોજના શરૂ કરી હતી. અત્યાર સુધી લગભગ 13,000 લોકોને આશ્રય અપાયો છે જેમાંથી માત્ર ત્રણ સાઉથ આફ્રિકન છે.


