જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના ડર્બન શહેરથી 30 કિલોમીટરના અંતરે દક્ષિણમાં ક્વામાખુથા ટાઉનશિપના ઝાઈકો વિસ્તારના એક ઘરમાં મંગળવાર, 22 સપ્ટેમ્બરની રાત્રે ચાલી રહેલી પાર્ટીમાં ત્રણ શસ્ત્ર હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં એક ગર્ભવતી મહિલા સહિત 11 લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી. પોલીસે હુમલાખોરોને શોધવા તપાસ આદરી છે, પરંતુ કોઈની ધરપકડ થઈ નથી.
પોલીસના જણાવ્યા અનુસાર રાત્રિના 11 કલાકે ઘરમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે કેટલાક અજાણ્યા લોકો ઘરમાં ઘૂસ્યા હતા અને ગોળીબાર શરૂ કરી દીધો હતો. સગર્ભા મહિલા સહિત 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયેલી એક વ્યક્તિનું પણ મોત થયું હતું. હુમલા પાછળનો હેતુ જાણી શકાયો નથી.
તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં માસ શૂટિંગની અનેક ઘટનાઓ જોવા મળી છે. જૂન મહિનામાં જોહનિસબર્ગનાં એક ગરીબ વિસ્તારમાં કેટલાક હુમલાખોરોએ ૧૨ લોકોની હત્યા કરી હતી. ડિસેમ્બરમાં બે સપ્તાહનાં અંતરે થયેલ માસ શૂટિંગની બે ઘટનામાં ૨૧ લોકોનાં મોત થયા હતાં. દક્ષિણ આફ્રિકામાં હિંસક ક્રાઇમનો દર ખૂબ જ વધારે છે. વિશ્વમાં સૌથી વધુ હત્યાદર ધરાવતા દેશોમાં એક સાઉથ આફ્રિકામાં સરેરાશ દરરોજ 60 હત્યા થાય છે.પોલીસનાં સત્તાવાર આંકડા અનુસાર એપ્રિલથી જૂનની વચ્ચે ૫૪૨૭ હત્યાઓ થઇ છે.
7 મહિલાની હત્યામાં તપાસ શરુઃ
ગત બે મહિનામાં જોહાનિસબર્ગ નજીક મળી આવેલા 7 મહિલા મૃતદેહ સબબે પોલીસ તપાસ શરૂ કરાયાની જાહેરાત થઈ છે. કેટલીક મહિલાનાં વસ્ત્રો દૂર કરાયેલાં હતાં અને જાતિય હુમલા અને હિંસાના નિશાન મળી આવ્યાં હતાં. મોટા ભાગની સ્ત્રીઓ 20-30 વયજૂથની હતી જ્યારે એક સ્ત્રી બપોરની દોડ માટે ઘર બહાર નીકળ્યાં પછી પરત નહિ આવેલી મહિલા તરીકે ઓળખાવાઈ હતી. હત્યાઓ પાછળનો હેતુ સ્થાપિત થયો નથી.

