સેંકડો ઈથિયોપિયન્સ આંતરયુદ્ધથી બચવા માટે કેન્યામાં ઘૂસી આવ્યા

Tuesday 03rd November 2026 12:51 EST
 
 

નાઈરોબીઃ ઈથિયોપિયાના સરહદી શહેર મોયાલેમાં આંતરયુદ્ધથી નાસીને સેંકડો ઈથિયોપિયાવાસીઓ કેન્યામાં આવી પહોંચ્યા હતા. વફાદારોએ પડોશી બહુમતી સોમાલી રાજ્યનો ઝંડો જાહેરમાં ફરકાવ્યા પછી સંઘર્ષ શરૂ થયો હતો. કેન્યાની પોલીસે મોયાલેમાં ગોળીબારોના અવાજો અને અરાજકતાના દૃશ્યો સર્જાયા હોવાનું જણાવ્યું હતું.

કેન્યાની પોલીસે જણાવ્યું હતું કે મુખ્યત્વે બાળકો અને મહિલાઓ સહિત સેંકડો ઈથિયોપિયન્સ મોયાલેના સેસ્સી, કોરે, બિઆશારા, ફાઉન્ડેશન અને મિતિ વિસ્તારો સહિત સંખ્યાબંધ એન્ટ્રી પોઈન્ટ્સ મારફત કેન્યામાં આવી ગયા હતા. સરહદ પાર કરનારા લોકો ઈથિયોપિયાના ઓરોમીઆ અને સોમાલી પ્રાદેશિક રાજ્યોના નેતાઓ વચ્ચે સર્જાયેલી તંગદિલીથી બચવા નાસી છૂટ્યા હતા. તંગદિલીના લીધે આ બંને રાજ્યોના દળો વચ્ચે લડાઈ શરૂ થઈ હતી.

કેન્યાના રેડ ક્રોસે જણાવ્યું હતું કે તેઓ કામચલાઉ આશ્રયો ઉભા કરી સીરીઅલ્સ અને પોરિજનો લોટ સહિત આવશ્યક ચીજવસ્તુઓ વહેંચી રહ્યા છે. શરૂઆતમાં 1000 પરિવારોને આ સામાન વહેંચાશે. વાસ્તવમાં કેટલા લોકોને અસર પહોંચી છે અને તેમની શું જરૂરિયાતો છે તેનો ક્યાસ કઢાઈ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter