અબૂજાઃ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક (CAR)ની પશ્ચિમે બાબૌઆના ઝામ્બોયે ગામે સોનાની ખાણ ધસતા 107 સ્ત્રી-પુરુષના મોત થયાના અહેવાલ છે. પૂર્વ કેમેરુનથી થોડા કિલોમીટરના અંતરે આવેલા ગામે મંગળવાર 18 ઓગસ્ટે જમીનો ધસી પડતા 30 ખાણમજૂરોના મોતના અહેવાલ હતા, પરંતુ ખાણની અંદર દટાયેલા વધુ મૃતદેહો મળતા આંકડો 107નો થયો હતો અને હજુ મૃતાંક વધે તેવી આશંકા છે.
સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર જમીનો શાથી ધસી પડી તેનું ચોક્કસ કારણ નથી, પરંતુ ખાણિયાઓ કામ કરતા હતા તેની નીચેની ઘણી ટનેલો તૂટી પડવાથી આમ થયું હોવાનું જણાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ખાણમાં 500 જેયલા મજૂર કામ કરતા હતા. બચાવ અને રાહતની કામગીરી પૂર જોશમાં હાથ ધરાઈ છે. સંખ્યાબંધ ઈજાગ્રસ્ત મજૂરો સારવાર હેઠળ રખાયા છે.


