સોનું-ચાંદી સર્વોચ્ચ સપાટીએ...

Wednesday 14th January 2026 08:53 EST
 
 

મુંબઇઃ સોના-ચાંદીના કિંમત દિનપ્રતિદિન ઐતિહાસિક ઉછાળા સાથે નવી ઊંચાઇ સ્પર્શી રહ્યા છે. આજે 13 જાન્યુઆરીએ આ લખાઇ રહ્યું છે ત્યારે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(આઇબીજેએ)ના રિપોર્ટ અનુસાર, ચાંદીની કિંમતમાં એક જ દિવસમાં રૂ. 6566નો તોતિંગ વધારો થતાં તે રૂ. 2,62,742 પ્રતિ કિલોના ઓલટાઇમ હાઇ લેવલ પર પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ચાંદીમાં માત્ર બે જ દિવસમાં રૂ. 20,000નો ઉછાળો નોંધાયો છે.
સોનું ઐતિહાસિક સપાટીએ
બીજી તરફ, 24 કેરેટ સોનાનો ભાવ પણ રૂ. 1,40,482 પ્રતિ 10 ગ્રામની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. વર્ષ 2025માં સોનામાં 75 ટકા અને ચાંદીમાં 167 ટકાનો જંગી વધારો નોંધાયા બાદ પણ કિંમતો અટકવાનું નામ લેતી નથી. નિષ્ણાતોના મતે આગામી સમયમાં ચાંદી રૂ. 2.75 લાખ અને સોનું રૂ. 1.50 લાખને પાર કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોને કારણે ઉછાળો
સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહેલી આ અસાધારણ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ડોલરના મૂલ્યમાં ઘટાડો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તંગદિલી અને ચીન જેવી મધ્યસ્થ બેન્કો દ્વારા કરાઇ રહેલી સોનાની જંગી ખરીદીને કારણે સોનું સતત મોંઘું થઈ રહ્યું છે.
બીજી તરફ ચાંદીના કિસ્સામાં, સોલાર પેનલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (ઇવી)માં વધતી જતી ઔદ્યોગિક માંગને કારણે તે હવે માત્ર ઘરેણુ મટીને એક અનિવાર્ય રો મટિરિયલ બની ગઈ છે. આ ઉપરાંત, અમેરિકામાં ટ્રમ્પની ટેરિફ પોલિસીના ડરથી અનેક કંપનીઓ મોટા પાયે ચાંદીનો સંગ્રહ કરી રહી છે, જેના કારણે વૈશ્વિક પુરવઠામાં અછત સર્જાઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter