સોમાલી સરકારની ટીકા કરવા બદલ યુવતીને ત્રણ વર્ષની જેલની સજા

Wednesday 01st July 2026 06:58 EDT
 
 

મોગાડિશુઃ સોશિયલ મીડિયા પર સોમાલી સરકારની ટીકા કરવા બદલ બાનાડીર રીજિયોનલ કોર્ટે 27 વર્ષીય સાદીઆ મોઆલીન અલીને 25 જૂને ત્રણ વર્ષની જેલની સજા ફરમાવી છે. આ સજા સામે દેશભરમાં વિરોધ પ્રગટ થયો છે તેમજ પૂર્વ પ્રેસિડેન્ટ શરીફ શેખ અહેમદ, પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર હસન અલી ખેરે તેમજ માનવાધિકાર સંસ્થાઓ દ્વારા આ સજાને અન્યાયી, રાજકીય હેતુપ્રેરિત, વળતો રાજકીય પ્રહાર અને સરકારની સત્તાના દુરુપયોગ ગણાવી વખોડી કઢાઈ હતી.

નર્સિંગ સ્ટુડન્ટ અને રીક્ષા ડ્રાઈવર સાદીઆ મોઆલીન અલી સામે સરકારી સંસ્થાઓનાં અપમાન અને ગુનો આચરવા ઉશ્કેરણીના આરોપો લગાવાયા હતા. સાદીઆએ ફેસબુક અને ટિકટોક પર સોમાલીઆની ફેડરલ સરકાર વિરુદ્ધ ગંભીર ટીકાઓ કરી હતી તેમજ યુવા બેરોજગારી અને દેશમાં ફ્યૂલની ઊંચી કિંમતો, કથિત ભ્રષ્ટાચાર, સગાંવાદ અને બળજબરીથી હકાલપટ્ટીના મુદ્દાઓ પણ ઉઠાવ્યાં હતાં.

કોએલિશન ઓફ સોમાલી હ્યુમન રાઈટ્સ ડિફેન્ડર્સ સહિતની સંસ્થાઓએ સજાને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર ગંભીર હુમલો ગણાવવા સાથે સાદીઆને તત્કાળ મુક્ત કરવાની માગણી કરી હતી. એક બાળકીની માતા અને 12 એપ્રિલથી કસ્ટડીમાં રખાયેલી સાદીઆના વકીલોએ ચુકાદાને ફગાવી તેના વિરુદ્ધ અપીલ કરાશે તેમ સ્પષ્ટ કર્યું હતું. જેલમાંથી ઈન્ટરવ્યૂ આપતાં સાદીઆએ તેના પર અત્યાચાર કરાયાનો તેમજ પોલીસ ઓફિસર્સ દ્વારા બળાત્કારની ધમકીઓ અપાયાનો આક્ષેપ પણ લગાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter