સ્વચ્છ ભારત અભિયાન ન.મો.ને ‘ગ્લોબલ ગોલકીપર’ સન્માન

Friday 04th October 2019 14:55 EDT
 
 

ન્યૂ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ ગોલકીપર’ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ‘ગ્લોબલ ગોલકીપર’ એવોર્ડ સ્વીકારતાં મોદીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઊજવણી સમયે આ એવોર્ડ મળવો મારા માટે વિશેષરૂપે મહત્વપૂર્ણ છે. અભિયાનની સફળતા દર્શાવે છે કે ૧૩૦ કરોડ લોકો કોઈ અભિયાન હાથમાં લે છે તો કોઈ પણ પડકારને દૂર કરવા સક્ષમ છે.
ફાઉન્ડેશને તેમના પ્રદાનને બિરદાવતા કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાને યુનાઇટેડ નેશન્સ (યુએન)ના લક્ષ્યાંકો હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
મોદીએ આ એવોર્ડ એવા ભારતીયોને સમર્પિત કર્યો હતો, જેમણે સ્વચ્છ ભારત અભિયાનને ‘લોકચળવળ’માં પરિવર્તિત કર્યું અને તેમના દૈનિક જીવનમાં સ્વચ્છતાને સૌથી વધુ અગ્રતા આપી. તેમણે કહ્યું કે આ અભિયાનના પરિણામે દેશમાં પાંચ વર્ષમાં ૧૧ કરોડથી વધુ શૌચાલયો બાંધવામાં આવ્યા, જે એક વિક્રમ છે. આ અભિયાને કરોડો ભારતીયોનું જીવનધોરણ માત્ર સુધાર્યું જ નથી, પરંતુ યુનાઇટેડ નેશન્સે નિશ્ચિત કરેલા લક્ષ્યાંકો હાંસલ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter