નવી દિલ્હી: પહલગામ આતંકી હુમલાનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા ઓપરેશન સિંદૂર હેઠળ સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાનમાં નવ આતંકી સ્થળોનો સફાયો કર્યા પછી હવે વિશ્વતખ્તે ડિપ્લોમેટિક મિશન હાથ ધર્યું છે. ભારત સરકાર 58 જેટલા સાંસદોની સર્વપક્ષીય 7 ટીમને યુએનના ચાર કાયમી સભ્ય દેશો સહિત દુનિયાના વિવિધ દેશોમાં મોકલી પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરશે. કેન્દ્ર સરકારે આ સાત ટીમોમાં ચાર ટીમનું નેતૃત્વ એનડીએ જ્યારે ત્રણ ટીમનું નેતૃત્વ વિપક્ષ ‘ઈન્ડિયા’ ગઠબંધનના નેતાઓને સોંપ્યું છે. એક ટીમનું નેતૃત્વ શશી થરૂરને સોંપાતા વિવાદ થયો છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, એનડીએમાંથી ભાજપના સાંસદો રવિશંકર પ્રસાદ અને બૈજયંત પાંડા, જનતા દળ-યુના સંજય ઝા, શિવસેનાના શ્રીકાંત શિંદે, વિપક્ષ ‘ઈન્ડિયા’ ગઠબંધનમાંથી કોંગ્રેસના શશી થરૂર, એનસીપી (શરદ પવાર)ના સુપ્રીયા સુળે, દ્રમુકના કનીમોઝીના નેતૃત્વમાં સાત ટીમો યુનાઇટેડ નેશન્સના ચાર સભ્ય દેશો અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ ઉપરાંત આફ્રિકા, યુરોપ, દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયા, મધ્ય-પૂર્વ એશિયામાં જશે અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની પોલ ખોલશે. જોકે, યુનાઇટેડ નેશન્સના પાંચમા કાયમી સભ્ય ચીનમાં કોઈ ટીમ જશે નહીં.
સરકારે જણાવ્યું કે દુનિયા સમક્ષ ભારતના રાષ્ટ્રીય હિતોને રજૂ કરવા માટે અંદાજે 58 સાંસદો અને વરિષ્ઠ નેતાઓને સર્વપક્ષીય સાત ટીમમાં વિભાજિત કરાયા છે. પ્રત્યેક ટીમમાં પાંચથી સાત સાંસદો હશે. આ ટીમ 22 મેના રોજ રવાના થશે અને 10 દિવસમાં પાંચથી સાત દેશોની મુલાકાત લેશે. ઓપરેશન સિંદૂરના પગલે આતંકવાદ મુદ્દે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ સહિતના મુદ્દાઓ પર ભારતનું વલણ સ્પષ્ટ કરશે.
કોંગ્રેસ સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં ટીમ અમેરિકા જશે જ્યારે જયંત પાંડાના નેતૃત્વમાં ટીમ બ્રિટન અને ફ્રાન્સ સહિત પશ્ચિમ યુરોપના દેશોમાં જશે. આ ટીમમાં ઓવૈસી અને નિશિકાંત દુબેનો પણ સમાવેશ કરાયો છે. દ્રમુક સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં ટીમ રશિયાનો પ્રવાસ કરશે. ભાજપ સાંસદ રવિ પ્રસાદના નેતૃત્વમાં ટીમ સાઉદી અરબ, કુવૈત, બહેરિન અને અલ્જેરિયા જશે જ્યારે સુપ્રિયા સુળેની ટીમ ઓમાન, કેન્યા, દક્ષિણ આફ્રિકા અને ઈજિપ્ત જશે. શિવસેનાના સાંસદ શ્રીકાંત શિદેની ટીમ અખાતના દેશો અને આફ્રિકન દેશોમાં જશે. એનડીએના સાથી જનતા દળ-યુના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં ટીમ જાપાન, સિંગાપોર, સાઉથ કોરિયા, મલેશિયા જશે. ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુરશીદ અને મનિષ તિવારી પણ ટીમમાં છે.