નવી દિલ્હીઃ ભારત વૈશ્વિક નકશા પર ટોચના હથિયાર નિકાસકાર દેશ તરીકે ઉભરી આવ્યું છે. ટ્રેડ ડેટા મોનિટરના રિપોર્ટ અનુસાર, રશિયા-યૂક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતે યુરોપીય દેશોને રૂ. 8,271 કરોડના ગોળા-બારૂદ સપ્લાય કર્યા છે, જેમાં આર્ટિલરી અને મોર્ટાર શેલ સામેલ છે. રિપોર્ટ મુજબ, પૂર્વ અને મધ્ય યુરોપને ભારતની રક્ષા નિકાસ 1,600 ટકા વધી છે. ભારત હવે દક્ષિણ કોરિયા પછી આ ક્ષેત્રનો બીજો સૌથી મોટો ગોળા-બારૂદ સપ્લાયર છે. ભારત ચાર વર્ષ પહેલાં આ યાદીમાં 28મા સ્થાને હતું. વળી, માર્ચ 2026 સુધી ભારત ઇઝરાઇલને વિમાન, હેલિકોપ્ટર અને ડ્રોનના પાર્ટસ સપ્લાય કરનાર ત્રીજો સૌથી મોટો વિદેશી સપ્લાયર બની ગયો, જે 2023માં નવમા સ્થાને હતો.
ભારતની સજ્જતા, યુરોપની જરૂરિયાત
હથિયારોના વ્યાપાર પર રિસર્ચ કરતી સ્વીડનની સંસ્થા સિપરીના વરિષ્ઠ રિસર્ચ સિમોન વેજમેનનું કહેવું છે કે યૂક્રેનની જરૂરિયાત અને યુરોપની સંરક્ષણ માગોને પૂરી કરવા માટે ભારતથી હથિયાર આયાત કરાઈ રહ્યા છે. ભારત પાસે તેનો એક વિકસિત રક્ષાઉદ્યોગ છે. વળી, કિંગ્સ કોલેજ-લંડનમાં રાજનીતિના વિજ્ઞાની વોલ્ટર લાડવિગે કહ્યું કે ભારતીય કંપનીઓ સીધે-સીધા યૂક્રેનને હથિયાર આપવાના બદલે યુરોપીય દેશોને વેચી રહી છે.
6 વર્ષમાં જેટલા હથિયાર વેચ્યા
તેટલા એક વર્ષમાં વેચ્યા
ભારતનો રક્ષા ઉદ્યોગ એક તરફ યુરોપ અને યૂક્રેનના સહયોગીઓને ગોળા-બારૂદની સપ્લાય કરી રહ્યો છે, તો બીજી તરફ પશ્ચિમ એશિયામાં ઇઝરાઇલની સૈન્ય જરૂરિયાતને પણ મોટા પાયે પૂરી કરી રહ્યો છે. માર્ચ 2026 સુધી છેલ્લા બે વર્ષમાં ભારતે ઇઝરાઇલને લગભગ રૂ. 630 કરોડ મૂલ્યના આર્ટિલરી શેલ, મોર્ટાર રાઉન્ડ અને વિસ્ફોટક મોકલ્યા છે, જે આના પહેલાના છ વર્ષોના કુલ નિકાસના બરાબર છે.


