હેલિકોપ્ટર કૌભાંડઃ બ્રિટિશ વચેટિયો ક્રિશ્ચિયન મિશેલ ભારત હવાલે

Wednesday 05th December 2018 06:20 EST
 
 

દુબઇ, નવી દિલ્હીઃ કરોડો રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર કૌભાંડમાં ભારતની ટોચની ગુપ્તચર એજન્સી સીબીઆઇને મહત્ત્વપૂર્ણ સફળતા સાંપડી છે. હેલિકોપ્ટર કૌભાંડના ખૂબ જ મહત્ત્વના આરોપી અને લાંબા સમયથી નાસતાફરતા ૫૪ વર્ષના બ્રિટિશ નાગરિક ક્રિશ્ચિયન મિશેલ જેમ્સને દુબઇના સત્તાવાળાઓએ ભારત હવાલે કર્યો છે. સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓની ટીમે દુબઇ જઇને મિશેલનો કબ્જો મેળવ્યો હતો. અને મંગળવારે મોડી રાત્રે તેઓ મિશેલને લઇને ભારત પરત ફર્યા હતા. યુપીએના શાસનકાળ દરમિયાન થયેલા આ હેલિકોપ્ટર સોદામાં મિશેલે વચેટિયાની ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે. આમ તેની ધરપકડનું ખૂબ મહત્ત્વ છે. 

મિશેલની પૂછપરછથી આ કૌભાંડમાં કટકી ખાનાર લોકોના નામ બહાર આવવાની તપાસનીશ એજન્સીઓને આશા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આ કેસમાં જૂન ૨૦૧૬માં મિશેલ સામે રજૂ કરેલી ચાર્જશીટમાં આરોપ મૂક્યો હતો કે તેણે અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટ કંપની પાસેથી ૨૨૫ કરોડ રૂપિયા કમિશન પેટે મેળવ્યા હતા. આ નાણાં ૧૨ હેલિકોપ્ટના સોદા બદલ કમિશન પેટે ચૂકવવામાં આવ્યા હતા.
આ કેસમાં સીબીઆઇ અને ઇડી દ્વારા જે ત્રણ વચેટિયાઓની તપાસ કરાઇ હતી તેમાં ગુઇડો હાસ્કે અને કાર્લો ગેરોસા ઉપરાંત મિશેલનો પણ સમાવેશ થતો હતો. કોર્ટે મિશેલ સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઇસ્યુ કર્યું તે પછી ભારતે ઇન્ટરપોલનો સંપર્ક કરીને મિશેલ સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરાવી હતી.
ઇડીની તપાસમાં ખૂલ્યું હતું કે મિશેલને તેની દુબઇ સ્થિત કંપની ગ્લોબલ સર્વિસીસ, ઉપરાંત બે ભારતીયો સાથે દિલ્હીમાં શરૂ કરેલી મીડિયા ફર્મના માધ્યમથી કટકીના નાણાંની હેરાફેરી કરાઇ હતી. જોકે મિશેલ તમામ આરોપો નકારે છે.
પહેલી જાન્યુઆરી ૨૦૧૪ના રોજ ભારતે કોન્ટ્રેક્ટની શરતોના ભંગ તેમજ ૪૨૩ કરોડ રૂપિયા કમિશન પેટે ચૂકવ્યાના આરોપસર ઇટલીની ફિનમેકાનિકાની બ્રિટિશ પેટાકંપની અગસ્તા વેસ્ટલેન્ડ સાથેનો ૧૨ વીવીઆઇપી હેલિકોપ્ટર AW-101 માટે કરેલો સોદો કરી નાખ્યો હતો.

પ્રત્યાર્પણનો આદેશ

આ પૂર્વે ગયા સપ્ટેમ્બરમાં દુબઇ કોર્ટે બ્રિટિશ વચેટિયા મિશેલનું ભારતને પ્રત્યાર્પણ કરવા આદેશ આપ્યો હતો. મિશેલ સામે ૩૬૦૦ કરોડ રૂપિયાના હેલિકોપ્ટર કૌભાંડનો મહત્ત્વનો આરોપી છે. પૂછપરછ દરમિયાન મિશેલ પાસેથી આ કૌભાંડમાં કટકી મેળવનાર નેતાઓથી માંડીને અધિકારીઓના નામ જાણવા મળી શકે છે તેવી આશાથી સીબીઆઇએ તેના પ્રત્યાર્પણ માટે આકાશ-પાતાળ એક કર્યા હતા. કહેવાય છે કે ૨૦૦૫માં મિશેલે ૧૧ વખત ભારતની મુલાકાત લીધી હતી. આ સમયે હેલિકોપ્ટરની ખરીદી સંદર્ભે એરફોર્સ, નેશનલ સિક્યુરિટી એજન્સી, એસપીજી, સંરક્ષણ મંત્રાલય વચ્ચે ચર્ચા-વિચારણાનો દોર ચાલી રહ્યો હતો. ઉલ્લેખનીય છે ઇટલીની તપાસનીશ સંસ્થાઓનું સ્પષ્ટ માનવું છે કે આ સોદામાં મિશેલ જ મુખ્ય વચેટિયો છે.

શું છે હેલિકોપ્ટર કૌભાંડ?

યુપીએ સરકારે તેના કાર્યકાળ દરમિયાન ટોચના મહાનુભાવોની ખાતરબરદાસ્ત માટે ઇટલીની અગસ્તા વેસ્ટલેન્ડ કંપની સાથે ૧૨ હેલિકોપ્ટરની ખરીદીનો સોદો કર્યો હતો. આ સોદો ૩૬૦૦ કરોડ રૂપિયાનો હતો. સમયાંતરે બહાર આવ્યું હતું કે સોદામાં કેટલાક વચેટિયાઓને કમિશન ચૂકવાયું છે. આ વાત બહાર આવતાં જ યુપીએ સરકારે સોદો રદ કર્યો હતો. કેસમાં આચરાયેલા ભ્રષ્ટાચાર મામલે ઇટલીની અદાલતે ફિનમેકાનિકા કંપનીના ભૂતપૂર્વ પ્રમુખ ગુસેપ ઓર્સીને સાડા ચાર વર્ષ કેદની સજા ફરમાવી હતી. ઇટલી કોર્ટના ચુકાદામાં ઇંડિયન એરફોર્સના ભૂતપૂર્વ વડા એસ. પી. ત્યાગીનું નામ પણ બહાર આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter