નવીદિલ્હીઃ ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઇસીઆઇજે) દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે હાથ ધરવામાં તપાસમાં પનામા પછી હવે પેન્ડોરા પેપર્સનો રહસ્યસ્ફોટ કરવામાં આવ્યો છે.
આ ઇન્વેસ્ટિગેશન માટે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને તેમાં ૧૧૭ દેશનાં ૧૫૦ મીડિયા આઉટલેટ્સનાં ૬૦૦થી વધુ પત્રકારોને જોડવામાં આવ્યા હતા.
આર્થિક બાબતોના નિષ્ણાત એવા આ પત્રકારો દ્વારા જુદાજુદા ટેક્સ હેવન દેશોમાં ૧૨ કરોડથી વધુ દસ્તાવેજોની તપાસ કરીને કોણે ક્યાં કેટલું કાળું નાણું છુપાવ્યું છે અને દેશમાં કરચોરી કરીને વિદેશોમાં સંપત્તિ ખરીદી છે તેનાં રહસ્ય પરથી પડદો ઊંચકવામાં આવ્યો હતો.
આ અગાઉ પાંચ વર્ષ પહેલાં પનામા પેપર્સ લીક થયા હતા, જેમાં કાળાં કરતૂતો કરીને અબજોની સંપત્તિ એકઠી કરનાર અબજોપતિઓનાં નામ બહાર આવ્યા હતા.
૨૯,૦૦૦ વિદેશી કંપનીઓ તેમજ ટ્રસ્ટો રચીને કરોડોની બેનામી રકમ અને સંપત્તિ ઊભી કરાઈ હોવાનું દસ્તાવેજોમાં જણાઈ આવ્યું હતું. તપાસમાં વોશિંગ્ટન પોસ્ટ, બીબીસી, ગાર્ડિયન, રેડિયો ફ્રાન્સ અને ભારતમાંથી ઈન્ડિયન એક્સપ્રેસનાં પત્રકારો સામેલ થયા હતા.
પનામા અને પેરેડાઇઝ પેપર્સ કરતાં પેન્ડોરા પેપર્સ કેવી રીતે અલગ પડે છે?
પનામા પેપર્સમાં વ્યક્તિઓ દ્વારા સ્થાપવામાં આવેલી ઓફ્શોર કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જ્યારે પેરેડાઇઝ પેપર્સમાં કંપનીઓ દ્વારા ઉભી કરવામાં આવેલી ઓફ્શોર કંપનીઓની વિગતો જાહેર કરાઇ હતી. આ ઓફ્શોર કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગ, આતંકવાદને ભંડોળ પુરૂ પાડવું અને કરચોરી થતી હોવાનું ખૂલ્યા બાદ તેમની પર ગાળિયો કસવામાં આવ્યો હતો. એ પછી બિઝનેસ દ્વારા નવી સ્થિતિનો સામનો કેવી રીતે કરવામાં આવ્યો તે પેન્ડોરા પેપર્સમાં ઉઘાડું પાડવામાં આવ્યું છે. પેન્ડોરા પેપર્સમાં કોર્પોરેટ પર્દાફાશ કરીને ટ્રસ્ટોનો કેવી રીતે આ ઓફ્શોર કંપનીઓ સાથે બિઝનેસ ફેમિલીઓ તથા અતિ શ્રીમંત લોકોની સંપત્તિઓને સાચવવા માટે ઉપયોગ કરવામાં આવે છે તે દર્શાવ્યું છે.