૧૮૯૬માં ગાંધીજીને પણ આફ્રિકામાં ક્વોરેન્ટીન કરાયા હતા

Wednesday 06th May 2020 06:24 EDT
 
 

અમદાવાદઃ કોરોના વાઇરસે દેખા દીધા બાદ ‘ક્વોરેન્ટીન’ શબ્દ ઘરેઘરે પ્રચલિત થયો છે. રસપ્રદ વાત એ છે કે એક તબક્કે મહાત્મા ગાંધીને પણ ક્વોરેન્ટીન થવાની ફરજ પડી હતી. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં આ અંગે ઉલ્લેખ છે.

ડરબનમાં અટકાવાયા

આત્મકથામાં ગાંધીજીએ નોંધ્યું છે કે ૧૮૯૬ની ૧૮ કે ૧૯ ડિસેમ્બરે જહાજ ડરબનના બારામાં પહોંચે છે. ગાંધીજીએ લખ્યું છે કે, ‘જો રસ્તામાં કોઈને ચેપી રોગ લાગુ પડ્યો હોય તો સ્ટીમરને સૂતકમાં - ક્વોરેન્ટીનમાં - રાખે છે.’ તેઓ મુંબઈથી રવાના થયા ત્યારે મુંબઈમાં મરકી (પ્લેગ) હતો. તેથી ડરબન પહોંચેલા જહાજને બંદરમાં અટકાવાયું હતું.

૨૩ દિવસ ક્વોરેન્ટીન

પ્લેગમાં ૨૩ દિવસ ક્વોરેન્ટીન રહેવું પડે એવો નિયમ છે. આમ જહાજ મુંબઈથી ઉપડ્યું એ પછીના ૨૩ દિવસ પૂરા થાય ત્યાં સુધી તમામ પ્રવાસીને ક્વોરેન્ટીન થવાની ફરજ પાડવામાં આવે છે. જોકે ગાંધીજીએ નોંધ્યું છે કે માત્ર રોગચાળાને લીધે નહીં, પણ દક્ષિણ આફ્રિકામાં તેઓ રાજકીય સક્રિય થયા હોવાથી યેનકેન પ્રકારે તેમને ભારત પરત મોકલી દેવા દક્ષિણ આફ્રિકાની સરકારનો ઈરાદો હતો. આ સામે ગાંધીજી તથા પ્રવાસીઓએ મક્કમતા દાખવતા અંતે ૧૮૯૭ની ૨૩મી જાન્યુઆરીએ ક્વોરેન્ટીનનો અંત આવે છે ને પ્રવાસીને જહાજમાંથી ઉતરવા મંજૂરી મળે છે.

ક્વોરેન્ટીન માટે બાપુનો શબ્દ ‘સૂતક’

ગાંધીજીએ આત્મકથામાં ક્વોરેન્ટીન માટે સૂતક શબ્દનો ઉલ્લેખ કર્યો છે. જોકે તેમણે અંગ્રેજી શબ્દ ‘ક્વોરેન્ટીન’નો ઉલ્લેખ પણ કર્યો છે. ગાંધીજીએ લખ્યું હતું કે, મુંબઈથી નીકળ્યા ત્યારે મરકીનો રોગચાળો હતો જ્યારે ગાંધીજીનું જહાજ ડરબન પહોંચે છે ત્યારે જહાજ પર પીળો વાવટો ફરકાવવામાં આવે છે, જે ક્વોરેન્ટીઇન કરાયાનો સંકેત હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter