૧૯૬૨ના યુદ્ધમાં ગુમાવેલી કૈલાશ પર્વત શ્રેણી પર ભારતનો કબજો

Thursday 17th September 2020 05:41 EDT
 
 

નવી દિલ્હી: ભારતીય સૈન્યની પેંગોંગ ત્સો સરોવરની દક્ષિણમાં ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે આગોતરી કાર્યવાહીથી ભારતને ચીન સામે વ્યૂહાત્મક લીડ મળી ગઈ છે. આ સાથે પહેલી વખત ૧૯૬૨ના યુદ્ધ પછી ભારતે કૈલાસ પર્વત શ્રેણીના મોટા ભાગ પર કબજો જમાવી દીધો છે. હિન્દુઓના પવિત્ર સ્થળ કૈલાશ માનસરોવર જવા માટે નજીકનો રસ્તો લદ્દાખથી પસાર થાય છે.
ભારતીય સૈન્યે લદ્દાખ સરહદે મે મહિનાથી ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ચાર મહિનામાં પહેલી વખત ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે કાર્યવાહી કરતાં પેંગોંગ ત્સો સરોવરની દક્ષિણે અંદાજે ૬૦-૭૦ કિમી વિસ્તાર પર પોતાનો કબજો જમાવી દીધો છે. ચુશુલ સેક્ટર હેઠળ આવતાં આ ક્ષેત્રની ગુરંગ હિલ, મગર હિલ, મુખપરી અને રેચિન-લા પાસ બધા જ કૈલાસ રેન્જનો ભાગ છે.
ચીન સાથે ૧૯૬૨ના યુદ્ધ પહેલાં આ સંપૂર્ણ વિસ્તાર ભારતના અધિકાર ક્ષેત્રમાં હતો પરંતુ ૧૯૬૨ના યુદ્ધમાં રેઝાંગ લા અને ચુશુલની લડાઈ પછી બંને દેશોના સૈન્ય આ વિસ્તારમાંથી પાછા હટી ગયા હતા. ત્યાર પછી આ વિસ્તારને સંપૂર્ણપણે ખાલી કરી દેવાયો હતો.
૧૯૬૨ના યુદ્ધ પહેલાં તીર્થયાત્રીઓ લદ્દાખના ડેમચોકથી જ કૈલાસ માનવસરોવરનો પ્રવાસ કરતા હતા. ચુશુલથી ડેમચોકનું અંતર ૧૫૦ કિમી છે. તેની આગળ ડેમચોકથી કૈલાસ માનસરોવરનું અંતર ૩૫૦ કિમી છે. એટલે કે પેંગોંગ ત્સોની દક્ષિણથી કૈલાસ માનસરોવર સુધી ૪૫૦ કિમી વિસ્તારમાં કૈલાસ માનસરોવર પર્વત શ્રેણી છે. ૧૯૬૨ના યુદ્ધ પછી આ માર્ગ બંધ કરી દેવાયો હતો. જોકે, ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે ભારતની કાર્યવાહીથી ચીની સૈન્યમાં દોડધામ મચી ગઈ છે.

ચીની સેટેલાઇટમાં ભારતીય સેનાનું પરાક્રમ

ચીની સોશિયલ મીડિયામાં જારી તાજેતરની સેટેલાઇટ તસવીરો કહે છે કે ભારતીય સૈનિકો વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ગણાતા બ્લેક ટોપથી માત્ર દોઢ કિમી દૂર છે. ચીની સેટેલાઇટ તસવીરો કહે છે કે ભારતીય સૈન્ય એવી સ્થિતિમાં આવી ગયું છે કે ચીની મોલ્દો કેમ્પને પણ નિશાન બનાવી શકે છે. ચીની ગાઓફેન-૨ સેટેલાઇટે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય સૈનિકો હવે બ્લોક ટોપથી માત્ર દોઢ કિમી જ દૂર છે.

ચીન ઓપ્ટિકલ ફાઇબર બિછાવે છે

ભારતના સિનિયર અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો કરાયો હતો કે પેંગોંગ તળાવ નજીક ચીન તેની સરહદે ઓપ્ટિકલ ફાયબર બિછાવી રહ્યું છે. સરહદે કોમ્યુનિકેશનની ટેકનિક આધુનિક બનાવવાના ભાગરૂપે ચીની સૈન્યએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આમ ભારત સાથે સરહદી વિવાદો ઉકેલવા માટે કટિબદ્ધ હોવાના દાવા વચ્ચે ચીને નવેસરથી વિવાદ સર્જ્યો છે. આર્મી અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા દાવા પ્રમાણે ચીની સૈન્ય સરહદે ઓપ્ટિકલ ફાયબર બિછાવવાનું શરૂ કર્યું છે. સરહદે કોમ્યુનિકેશન સિસ્ટમ ખૂબ જ મજબૂત બનાવવાના ઈરાદા સાથે ચીની સૈન્યે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
અધિકારીઓએ એ તરફ ઈશારો કર્યો હતો કે ઓપ્ટિકલ ફાયબર બિછાવીને સરહદે કોમ્યુનિકેશન સિસ્ટમ વિક્સાવવાનો એક અર્થ એ થાય કે ચીની સૈન્ય લાંબો વખત સરહદે ધામા નાખવા ધારે છે. સરહદેથી પીછેહઠ કરવાનો ઈરાદો ન હોય એવા કિસ્સામાં જ ઓપ્ટિકલ ફાયબર બિછાવાતો હોય એ શક્ય છે.

ભારત ભૂલ દોહરાવે છેઃ ગ્લોબલ ટાઇમ્સ

ભારત અને ચીનના વિદેશ પ્રધાનો વચ્ચે પાંચ મુદ્દે સહમતી સધાઇ હોવા છતાં ચીની મીડિયા ભારતને ધમકી આપીને માનસિક દબાણભરી સ્થિતિમાં મૂકવા પ્રયાસ કરી રહ્યું છે. ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સે ચીની સમીક્ષક ઝાંગ શેંગને ટાંકતા દાવો કર્યો છે કે ભારત પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા થયેલી ભૂલ દોહરાવવા જઇ રહ્યો છે. ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે ભારતનું વર્તમાન વહીવટી તંત્ર સરહદે આક્રમક વ્યવહાર દાખવી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter