૪૦થી વધુ દેશ ભારત સાથેઃ ‘તમે કાર્યવાહી કરો...’

Wednesday 20th February 2019 05:50 EST
 
 

નવી દિલ્હીઃ પુલવામા હુમલા બાદ દુનિયાના ૪૦થી વધુ દેશોએ ભારત પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું છે. અનેક રાષ્ટ્રાધ્યક્ષોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે તમે ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરો, અમે તમારી સાથે છીએ.
અમેરિકા, રશિયા અને ફ્રાંસ સહિત વિશ્વના અનેક દેશોએ આતંકી હુમલાને વખોડી કાઢ્યો છે. તેમણે આતંકવાદના દૂષણને નાથવા માટે ભારતની પડખે રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગટર્રેસે પણ આ હુમલાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેને અંજામ આપનાર આકાઓને ન્યાયના કઠેડામાં લવાશે. ભારતમાં અમેરિકાના રાજદૂત કેનીથ જસ્ટરે કહ્યું હતું કે ‘ભારતમાં અમેરિકી મિશન આજના આતંકી હુમલાને વખોડે છે. અમે પીડિતોના પરિવારોને હૃદયપૂર્વક દિલસોજી પાઠવીએ છીએ.’ આતંકી હુમલાની ટીકા કરતાં રશિયાએ આવા ‘અમાનવીય કૃત્ય’ને નાથવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. આ મામલે કોઇ બેવડા ધોરણો નહિ રાખવાનું કહી રશિયાએ કહ્યું હતું કે ‘અમે કોઇ પણ સ્વરૂપમાં આતંકવાદને વખોડીએ છીએ અને તેની સામે એક થઇને લડવાની જરૂર છે.’
ફ્રાંસના ભારતસ્થિત રાજદૂત એલેક્ઝાંડર ઝિગલરે જણાવ્યું હતું કે ફ્રાન્સ જમ્મુ-કાશ્મીરમાં થયેલા આવા જઘન્ય હુમલાને વખોડે છે. તમામ સ્વરૂપમાં આતંકવાદને નાથવા ભારતની પડખે છે. બીજી બાજુ જર્મનીએ પણ આ હુમલાને વખોડતાં કહ્યું કે તે કાયમ તેના વ્યૂહાત્મક ભાગીદારની પડખે છે. ઓસ્ટ્રેલિયા, તુર્કી અને ચેક રિપબ્લિકે પણ આ હુમલાની ટીકા કરી છે. ભારતના પાડોશી દેશો બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા અને માલ્દીવ્સે પણ ભારત સાથે એકતા દર્શાવી છે અને આતંકવાદના દૂષણ સામે સંયુક્ત રીતે લડવાનું આહ્વાન કર્યું છે.

ભારતને આત્મરક્ષાનો અધિકારઃયુએસ

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને સાફ સાફ કહ્યું હતું કે, ભારતને તેની આત્મરક્ષા કરવાનો અધિકાર છે અને આ મામલે ભારત કોઈ પણ પગલાં ભરે તો અમે તેની સાથે છીએ. આમ અમેરિકાએ આંતકવાદ વિરુદ્ધ ભારતનાં કોઈપણ આક્રમક પગલાંને ટેકો આપ્યો છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ અને બોલ્ટને પ્રતિબદ્ધતા દર્શાવી હતી કે તેઓ સાથે મળીને પાક.ની જમીન પર ધમધમતા આતંકીઓના અડ્ડાઓનો નાશ કરશે. બોલ્ટને દોવલ સાથે ફોન પર વાત કરીને શહીદ જવાનો અંગે શોક વ્યક્ત કર્યો હતો.

‘યુએસ ભારતની પડખે’

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આ ખરેખર તો એક કાયરતાપૂર્ણ હુમલો છે. મુશ્કેલીના સમયમાં અમે ભારતની સાથે ઊભા છીએ. આ હુમલો આતંકીઓની કાયરતાની નિશાની છે. ભારતને જ્યારે પણ કોઈ મદદની જરૂર પડશે ત્યારે અમેરિકા હંમેશા તેની સાથે રહેશે. કોઈ દેશ આતંકવાદને શરણ ન આપે.

આકરી સજા આપોઃ પુતિન

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને હુમલામાં સામેલ લોકોને અને તેમને સાથ આપનારાઓને આકરી સજા મળવી જોઈએ. આતંકી હુમલા પ્રત્યે અમે સાંત્વના વ્યક્ત કરીએ છીએ. ક્રૂર અપરાધની આકરી ટીકા કરીએ છીએ. હુમલાને અંજામ આપનારા ગુનેગારો અને પ્રાયોજકોને સજા કરો. દુઃખના સમયમાં અમે ભારત જેવા મિત્રની પડખે ઊભા છીએ.

અમે ભારતની સાથેઃ નેતાન્યાહૂ

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ટ્વીટ કર્યું હતું કે મારા પ્રિય મિત્ર, ભારતના વડા પ્રધાન મોદી, આ ધૃણાસ્પદ આતંકી હુમલા બાદ અમે તમારી સાથે, સુરક્ષા દળો સાથે અને ભારતના લોકો સાથે ઊભા છીએ. મૃતકોના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના.

ચીને ટીકા કરી પણ...

ચીને જૈશ-એ-મોહમ્મદના હુમલાની આકરી ટીકા કરી છે પણ ભારત તરફથી પાકિસ્તાનના આતંકી સંગઠનના વડા મસૂદ અઝહરને યુએનની પ્રતિબંધિત યાદીમાં ઉમેદવારને ટેકો આપવાથી ઇનકાર કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે ચીન આત્મઘાતી હુમલાથી વાકેફ છે. અમે આતંકવાદની આકરી ટીકા કરીએ છીએ. આશા છે કે સંબંધિત દેશ આતંકવાદનો સામનો કરવા એકબીજાને સહયોગ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter