નવી દિલ્હીઃ એરફોર્સ ચીફ એ.પી. સિંહે કહ્યું છે કે, ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની કમર તોડી નાખી છે. ભારતે સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનનાં 12થી 13 ફાઇટર જેટ તોડી પાડ્યાં હતાં. આર્મી સર્વેલન્સથી મળેલા ડેટા દર્શાવે છે કે ભારતે પાકિસ્તાનના જે ફાઇટર જેટ્સને તોડી પાડ્યાં હતાં, તેમાં અત્યાધુનિક અમેરિકી એફ-16 અને ચીની બનાવટના જેએફ-17 પણ સામેલ હતાં. ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત છે જ્યારે વાયુસેનાના વડાએ હવામાં અમેરિકન જેટ તોડી પડાયું હોવાનો દાવો કર્યો છે.
અગાઉ એવો રિપોર્ટ હતો કે ભારતીય હવાઇ હુમલામાં હેંગરમાં ઊભેલા એક અમેરિકન એફ-16નો નાશ થયો હતો. ભારતીય જેટ તોડી પાડવાના પાકિસ્તાનના દાવાને વાયુસેનાના વડા એ.પી. સિંહે ‘મનોહર કહાનિયાં...’ ગણાવતાં પાકિસ્તાનને પુરાવા બતાવવા માટે ખુલ્લેઆમ પડકાર ફેંકતાં કહ્યું હતું કે, આવી પરીકથાથી કામ નહીં ચાલે.
વાયુસેનાના વડાએ કહ્યું હતું કે, ‘રોડમેપ-2047 હેઠળ ઇંડિયન એરફોર્સને દર વર્ષે 35થી 40 નવાં ફાઇટર વિમાનની જરૂર છે. વધારાની એસ-400 ડિફેન્સ સિસ્ટમ ખરીદાશે. જ્યારે એર ડિફેન્સ સિસ્ટમ ‘સુદર્શન ચક્ર’ વિકસાવવાનું કામ શરૂ થઈ ગયું છે.’
ભારતનો હુમલો કેવો આક્રમક હતો?
એરફોર્સ ચીફ એ.પી. સિંહે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનની અંદર 300 કિમી સુધી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક સિગ્નેટ વિમાન તોડી પડાયું હતું. પાકિસ્તાનને થયેલા નુકસાનની વિગતો આપતાં વાયુસેનાના વડાએ જણાવ્યું કે, ભારતના હુમલામાં 4 પાકિસ્તાની રડાર, 3 હેંગર (લડાકુ વિમાનો માટે પાર્કિંગ સ્થાનો), 2 કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર અને 2 રનવેનો નાશ થયો હતો. આ નાશ પામેલા વાયુસેનાના હેંગર પાકિસ્તાનના ત્રણ અલગ અલગ શહેરમાં વાયુસેના સ્ટેશનો પર સ્થિત છે.
ઇંડિયન આર્મીને ગુપ્તચર એજન્સી દ્વારા મળેલી માહિતી અનુસાર હુમલામાં પાક. એરફોર્સનું એક સી-130 વિમાન પણ નાશ પામ્યું હતું. નોંધનીય છે કે, આ હર્ક્યુલિસ કાર્ગો વિમાન પણ અમેરિકામાં બનાવાયેલું હતું.