• કેન્યાના ઈન્ટરનેટ બિલિંગ ખરડાથી ચિંતાઃ

આફ્રિકા – સંક્ષિપ્ત સમાચાર

Tuesday 24th November 2026 14:20 EST
 

નાઈરોબીઃ કેન્યામાં ઈન્ટેરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ માટે ગ્રાહકોના ડેટાના વપરાશ પર દેખરેખ, ઓળખી શકાય તેવા મીટરના નંબર્સની જોગવાઈ કરતા સૂચિત ઈન્ટરનેટ બિલિંગ ખરડાથી ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. ઈન્ટરનેટની એફોર્ડેબિલિટી, પ્રાઈવસી અને અંગત માહિતીના સંચાલન મુદ્દે ઈન્ડસ્ટ્રી અને સિવિલ સોસાયટી ગ્રૂપ્સ દ્વારા વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. કેન્યા ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન્સ (એમેન્ડમેન્ટ) બિલ 2025માં વપરાશ આધારિત ઈન્ટરનેટ બિલિંગ ફરજિયાત બનાવાયું છે. પ્રોવાઈડર્સે દરેક ગ્રાહકને અલગ મીટર નંબર સાથે તેના ઉપયોગ પર દેખરેખ, વાંચી શકાય તેમ વિગતોમાં તબદીલ કરવાનું અને વપરાશના આધારે ઈનવોઈસીસ જારી કરવાના રહેશે. રેગ્યુલેટર કોમ્યુનિકેશન્સ ઓથોરિટી ઓફ કેન્યાએ મીટર્ડ બિલિંગ ફરજિયાત નહિ કરવા અપીલ કરી છે.

• રામફોસા પર રાજીનામાંનું કોઈ દબાણ નહિઃ

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં પ્રેસિડેન્ટ સીરિલ રામફોસાના પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC)નો મતહિસ્સો ઘણો નીચે જવા છતાં પ્રેસિડેન્ટ રામફોસા પર રાજીનામું આપવાનું કોઈ દબાણ નહિ હોવાનું પાર્ટીના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું. રામફોસા પક્ષના નેતાપદેથી રાજીનામું આપવા વિચારી રહ્યા હોવાના અહેવાલોને પ્રવક્તાએ મનગઢંત ગણાવ્યા હતા. જોકે, ઘણા નેતાઓએ ચૂંટણીમાં ખરાબ દેખાવ માટે રામફોસાના નેતૃત્વની ભારે ટીકા કરેલી છે. રામફોસા ANC ના નેતાપદે પાંચ વર્ષની બે મુદત પૂર્ણ થયા પછી પદત્યાગ કરશે ત્યારે ડિસેમ્બર 2027માં નવા નેતાની ચૂંટણી થવાની છે. ANCનો મતહિસ્સો 2021ની ચૂંટણીમાં 46 ટકાનો હતો તે હવે ઘટીને વર્તમાન ચૂંટણીમાં 31 ટકા જેટલો થયો હતો. દેશમાં જોહાનિસબર્ગ જેવા ઘણા મોટા શહેરોમાં કોઈ રાજકીય પક્ષને બહુમતી સાંપડી ન હોવાથી સ્થાનિક રીતે ગઠબંધન કરવાની જરૂર ઉભી થઈ છે.

• કેન્યાના મોબાઈલ ગ્રાહકોમાં ધરખમ વધારોઃ

નાઈરોબીઃ બ્રોડબેન્ડ સેવાની વધતી માગ, મોબાઈલ મની અને અન્ય ડિજિટલ ફાઈનાન્સિયલ સર્વિસીસમાં વધારો થવા સાથે કેન્યામાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 2025માં લગભગ 10 ટકાની વૃદ્ધિ સાથે 78.4 મિલિયનના આંકડે પહોંચી હોવાનું S&P ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સ દ્વારા જણાવાયું છે. આશરે 60 મિલિયનની વસ્તી ધરાવતા કેન્યામાં વધુ અને વધુ લોકો 5G નેટવર્ક અપનાવી રહ્યા છે. કેન્યાવાસીઓએ 2025માં એક મિલિયનથી વધુ 5G નેટવર્ક માટે ખરીદી કરી હતી, જે અગાઉના વર્ષની સરખામણીએ 71.7 ટકાનો વધારો સૂચવે છે.

• રાજકીય કેદીઓને મુક્ત કરાવવા બોબી વાઈનની હાકલઃ

કમ્પાલાઃ નેશનલ યુનિટી પ્લેટફોર્મના નેતા અને પ્રમુખપદના પૂર્વ ઉમેદવાર અને બોબી વાઈનના નામે લોકપ્રિય રોબર્ટ ક્યાગુલાન્યીએ અપહરણ કરાયેલા અને જેલમાં નખાયેલા તમામ રાજકીય કેદીઓને બિનશરતે મુક્તિની માગણી ઉઠાવવા યુગાન્ડાના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય સહિત તમામ સ્તરના નેતાઓને હાકલ કરી છે. સરકારે કસ્ટડીમાં રહેલા પાંચ લોકોના નામ જાહેર કર્યા છે, પરંતુ વિપક્ષના નેતા મેથીઆસ એમ્પુગ્ગાએ 25 લાપતા નાગરિકોની યાદી આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter