કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો અને દેશની 47 કાઉન્ટીના ગવર્નર્સ વચ્ચે 23 જુલાઈ 2026થી ચાલી રહેલી નર્સીસની રાષ્ટ્રવ્યાપી હડતાળનો ઉકેલ લાવવા 7 સપ્ટેમ્બર સોમવારે મંત્રણા શરૂ કરાઈ હતી. નર્સીસની હડતાળથી સમગ્ર દેશની હેલ્થકેર સર્વિસીસ ખોરવાઈ ગઈ છે. કેન્યાના નેશનલ યુનિયન ઓફ નર્સીસ એન્ડ મિડવાઈવ્ઝ (KNUNM) 2017ની સમજૂતીને અમલી બનાવવાની માગણી સાથે તેની નાણાકીય અસરોને ફગાવી દીધી છે.
કાઉન્ટીઝના કહેવા અનુસાર તેમની પાસે સ્રોતોનો અભાવ હોવાથી સમજૂતીના નાણાકીય બોજાને સહન કરી શકાય તેમ નથી. યુનિયનનું કહેવું છે કે સમજૂતી બંધનકર્તા છે. બીજી તરફ કાઉન્ટીઝના ગવર્નર્સે નર્સીસને કામે ચડી જવા અનુરોધ કર્યો છે. કેન્યાના રાષ્ટ્રીય માનવાધિકાર કમિશને હડતાળને જાહેર આરોગ્ય અને માનવાધિકારોની કટોકટી જાહેર કરી છે. કમિીશન અનુસાર હડતાળના કારણે 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બરના ગાળામાં 79 મોત થયાં છે.
• ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટના પતિ હાફિદ અમીરનું નિધનઃ
ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટ ડો. સામીઆ સુલુહુ હાસનના 73 વર્ષીય પતિ હાફિદ અમીર હાસનનું ઝાંઝીબારની હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવાર 7 સપ્ટેમ્બરની સવારે અવસાન થયું હતું. તેઓ મ્લિમાની એમ્ઝેના મેમોરિયલ હોસ્પિટલમાં હૃદયની તકલીફની સારવાર મેળવી રહ્યા હતા. ટાન્ઝાનિયાના વાઈસ પ્રેસિડેન્ટ ડેવોગ્રેટિઅસ એન્ડેજેમ્બીએ આ જાહેરાત કરી હતી. તેમની દફનવિધિની વ્યવસ્થા તેમના વતનના શહેર ઝાંઝીબારના કિઝિમ્કાબી ખાતે કરવામાં આવી હતી. પૂર્વ એગ્રિકલ્ચર ઓફિસર અને ઈન્ટેલેક્ચ્યુઅલ હાફિદ મોટા ભાગે રાજકીય સ્પોટલાઈટથી દૂર રહેતા હતા અને પત્નીની રાજકીય કારકિર્દીને સંપૂર્ણ સમર્થન આપવા સાથે ખાનગી જીવન વ્યતીત કરતા હતા. કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો સહિત આફ્રિકન નેતાઓએ દિલસોજી અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી.
• ઝિમ્બાબ્વેના હરારેમાં સરકાર અને ફેરિયાઓનું ઘર્ષણઃ
ઝિમ્બાબ્વે સરકારે રાજધાની હરારેમાં ગેરકાયદે ફેરિયાઓને ગેરકાયદે વેપાર જગ્યાઓ છોડી જવા 9 સપ્ટેમ્બર સુધીની આખરી મહેતલ આપી છે. આ પછી ગેરકાયદે ફેરિયાઓ સામે ઝીરો-ટોલરન્સ ઓપરેશન લોન્ચ થશે, જેમાં ગેરકાયદે માળખા, સ્ટોલ્સ અને વેપારની જગ્યાઓ તોડી પડાશે. આગળ જતા સમગ્ર દેશમાં આ કાર્યવાહી લાગુ કરાશે. બીજી તરફ,શેરી ફેરિયાઓએ એવિક્શન ઓર્ડરને નહિ માનવા પ્રતિજ્ઞા લીધી છે. ફેરિયાઓ અને સિવિલ સોસાયટી ગ્રૂપોએ ચેતવણી આપી છે કે યોગ્ય વૈકલ્પિક જગ્યાઓ આપ્યા વિના વેપારીઓને દૂર કરવાથી ગરીબી વધશે અને હજારો લોકો આવકવિહોણા બની જશે. સરકારનું કહેવું છે કે ગેરકાયદે ફેરિયાઓના કારણે જાહેર સ્વચ્છતાને ખરાબ અસર, જાહેર માર્ગો અનેબિઝનેસીસને અવરોધ તેમજ રાજધાનીમાં ભારે ગીચતાની સમસ્યાઓ સર્જાઈ છે.
• યુગાન્ડા-યુએસ વચ્ચે હેલ્થ ફાઈનાન્સિંગ સમજૂતીઃ
યુગાન્ડા અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચે પાંચ વર્ષના ગાળા માટે આરોગ્ય સહકાર સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે. યુગાન્ડાના હેલ્થ સેક્ટરને 2026 અને 2030ના સમયગાળામાં સપોર્ટ આપવા યુએસ દ્વારા 1.7 બિલિયન ડોલર (શિલિંગ્સ 6.42 ટ્રિલિયન)નું ભંડોળ ફાળવવામાં આવશે. ભંડોળનું મેનેજમેન્ટ અને ફાળવણી મુખ્યત્વે યુગાન્ડા હસ્તક રહેશે. યુગાન્ડાના ફાઈનાન્સ મિનિસ્ટર હેન્રી મુસાસિઝી અને યુએસ એમ્બેસીના ચાર્જ દ‘એફેર્સ મિકાએલ ક્લેવર્લીએ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી અન્વયે યુગાન્ડાની હેલ્થ સિસ્ટમ્સ અને સંસ્થાઓને મજબૂત બનાવવાનો ઈરાદો જાહેર કરાયો હતો.


