• કોંગોથી આવતા યુગાન્ડાના નાગરિકોને 21 દિવસનું ક્વોરેન્ટાઈનઃ

આફ્રિકા – સંક્ષિપ્ત સમાચાર

Tuesday 03rd November 2026 12:56 EST
 

કમ્પાલાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પ્રવાસેથી પરત આવનારા યુગાન્ડાના નાગરિકોએ 21 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. યુગાન્ડા ઈબોલા રોગચાળાથી મુક્ત થયું છે, પરંતુ કેટલાક પ્રવાસીઓ યુગાન્ડા થઈને કેન્યા અને નાઈજિરિયા પહોંચ્યા પછી ઈબોલા ટેસ્ટ પોઝિટિવ જાહેર થયા હોવાથી આ સાવચેતીનું પગલું જાહેર કરાયું છે. સ્વિસ ડિપ્લોમેટની પત્ની એડિસ અબાબાથી યુગાન્ડા થઈ નાઈજિરિયા પહોંચી હતી અને ટેસ્ટ પોઝિટિવ થઈ હતી, જેની તપાસ યુગાન્ડામાં ચાલી રહી છે.

• વિપક્ષી નેતા ટુન્ડુ લિસ્સુની ભૂખહડતાળનો અંતઃ

ડોડોમાઃ ટાન્ઝાનિયાના જેલવાસી વિપક્ષી નેતા ટુન્ડુ લિસ્સુએ ટુંકા અનશનનો અંત લાવી દીધો હતો. દેશદ્રોહનો આરોપ ધરાવતા અને સંભવિત મૃત્યુદંડની સજાની શક્યતા સાથેના વિપક્ષ પાર્ટી ફોર ડેમોક્રેસી એન્ડ પ્રોગ્રેસ (CHADEMA)ના નેતાએ વકીલોને મળવાની સુવિધા ન અપાતા ભૂખહડતાળ કરી ભોજન લેવાનો ઈનકાર કર્યો હતો. જેલના સત્તાવાળાઓએ તેમને વકીલો સાથે ખાનગીમાં મળવાની પરવાનગી આપ્યા પછી તેમણે ભૂખહડતાળનો અંત આણ્યો હતો. એપ્રિલ 2025થી જેલમાં નખાયેલા લિસ્સુ સામેના કેસનો ચુકાદો 6 નવેમ્બરે આવવાની શક્યતા છે.

• સાઉથ આફ્રિકન કોર્ટે દેખાવો યોજવા આપેલી છૂટઃ

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાની ક્વાઝુલુ-નાતાલ હાઈકોર્ટે ગેરકાયદે ઈમિગ્રેશન વિરોધી જૂથો દ્વારા તટવર્તી શહેર ડર્બનમાં વિરોધ પ્રદર્શનો અને સરઘસ યોજવા કડક શરતો હેઠળ પરવાનગી આપી છે. ડર્બનમાં હિંસાની ધમકીઓ તેમજ રેફ્યુજી રિસેપ્શન ઓફિસ સળગાવી દેવાની યોજનાના પગલે સાઉથ આફ્રિકન પોલીસે દેખાવો અટકાવવા કોર્ટની મદદ માગી હતી. બુધવારે દેખાવકારો વિરુદ્ધ વચગાળાનો આદેશ પસાર કર્યો હતો. કોર્ટે વિદેશી લોકોને રાજ્યાશ્રયની સુવિધાના માર્ગ સરળ બનાવ્યા પછી ઓક્ટોબરની શરૂઆતમાં ગેરકાયદે ઈમિગ્રેશન વિરોધી જૂથો દ્વારા 24 કાર સળગાવી દેવાઈ હતી અને દુકાનોમાં લૂંટફાટ કરવામાં આવી હતી.

• આફ્રિકન ટાપુમાં યુકે ફેમિલીનું જુગાર નેટવર્ક

જોહાનિસબર્ગઃ હિન્દ મહાસાગરમાં મોઝામ્બિક અને માડાગાસ્કર વચ્ચે આવેલો નાનકડો ટાપુ આંજોઉઆન અંડરગ્રાઉન્ડ ઓનલાઈન ગેમ્બલિંગ માટે કુખ્યાત બની રહ્યો છે, જ્યાં મોટા ભાગે ગેરકાયદે ચલાવાતા કેસિનોઝને લાયસન્સીસ વેચવામાં આવે છે. લંડનસ્થિત પ્રોપર્ટી ઈન્વેસ્ટરોએ સ્થાનિક ભાષામાં એન્ઝવાની તરીકે ઓળખાતા આંજોઉઆન ટાપુ પર રહેલા કેસિનોને લાયસન્સીસ વેચ્યા હોવાનો ઈનકાર કર્યો છે. આંજોઉઆન ગેમ્બલિંગ ઓથોરિટીના પબ્લિક રજિસ્ટર પર આશરે 1500 ગેમ્બલિંગ લાયસન્સ ધારકો છે, જેમાંથી ઘણા ક્રિપ્ટો ગેમ્બલિંગમાં સ્પેશિયાલિસ્ટ મનાય છે. ટાપુથી 5000 માઈલ દૂર લંડનના પરા ફિન્ચલેમાંથી મોટા ભાગે બ્રિટિશ ફેમિલી બિઝનેસ શેર્મ ગ્રૂપ દ્વારા બેન્કિંગ, ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ અને જુગાર માટે બિનસત્તાવાર લાયસન્સ પૂરા પાડવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter