• કોંગોની શાળાઓમાં આગથી ભાગદોડમાં 27 બાળકના મોતઃ

આફ્રિકા – સંક્ષિપ્ત સમાચાર

Tuesday 15th September 2026 15:03 EDT
 

કિન્હાસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના સાઉથ કિવુ પ્રાંતના બુકાવુ શહેરના કાડુટુ વિસ્તારમાં લાગેલી આગે નજીકની બે શાળાઓને પણ લપેટમાં લેતાં જીવ બચાવવાં મચેલી ભાગદોડમાં ઓછામાં ઓછાં 27 બાળકોનાં મોત નીપજ્યાં હતાં. આગ વેળાએ બાળકો વર્ગખંડમાં હતાં. નજીકના ઘરોમાં લાગેલી આગ ઉજામા પ્રાઈમરી સ્કૂલના બિલ્ડિંગ્સ સુધી પ્રસરી હતી. અહેવાલો અનુસાર 500થી વધુ ઘર આગમાં ખાક થઈ ગયાં હતાં. વિદ્યાર્થીઓ જીવ બચાવવા એકબીજા પર પડ્યા હતા, ઉપરથી નીચે કૂદયા હતા અને ઘણા વિદ્યાર્થી ગુંગળાઈને બેભાન બની ગયા હતા. મૃતકોમાં મોટા ભાગની 19 વિદ્યાર્થિનીઓ 6થી 14 વર્ષ વચ્ચેની હતી. શિક્ષકોને પણ આગથી દાઝી જવાની ગંભીર ઈજા પહોંચી છે. 29 લોકો સારવાર હેઠળ છે.

નાઈજિરિયા પાર્લામેન્ટ દ્વારા સાઉથ આફ્રિકન ઈવેન્ટ્સનો બહિષ્કાર

અબુજાઃ નાઈજિરિયા પાર્લામેન્ટે નાઈજિરિયન નાગરિકો અને અન્ય આફ્રિકન માઈગ્રન્ટ્સ સામે હિંસક હુમલાઓ સંદર્ભે સાઉથ આફ્રિકાની સત્તાવાર મુલાકાતો સસ્પેન્ડ કરી દીધી છે અને સાઉથ આફ્રિકા દ્વારા આયોજિત લેજિસ્લેટિવ પ્રવૃત્તિઓનો બહિષ્કાર કરવા વિધાયકોને આદેશ આપ્યો છે. જોકે, સરકારી મુલાકાતો અને મીટિંગ્સને આ આદેશ લાગુ પડતો નથી. સાઉથ આફ્રિકામાં નાઈજિરિયન નાગરિકોની સુરક્ષા બાબતે આફ્રિકા ખંડના બે સૌથી મોટાં અર્થતંત્રો વચ્ચે તણાવ વધ્યો છે. નાઈજિરિયન સત્તાવાળાઓ અનુસાર 2022થી ટોળાં અને તિરસ્કાર સંબંધિત હિંસામાં 98 નાઈજિરિયનોના મોત નીપજ્યાં છે. આ વર્ષે માઈગ્રન્ટ્સ વિરોધી હિંસાના પગલે 1965 નાઈજિરિયન નાગરિકોએ સ્વેચ્છાએ સાઉથ આફ્રિકા છોડી દીધું છે.

સાઉથ આફ્રિકા દ્વારા 6 ગેંગસ્ટરનું યુએસને પ્રત્યર્પણ

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકા બ્લેક એક્સ ક્રાઈમ નેટવર્કના 6 શકમંદ નાઈજિરિયન ગેંગસ્ટરનું યુએસને પ્રત્યર્પણ કરશે, જેઓની 2021માં સાઉથ આફ્રિકામાં ધરપકડ કરાઈ હતી. બ્લેક એક્સ ગેંગના સભ્યો પેન્શનર્સ અને બિઝનેસ પીપલ સહિતના લોકો સાથે વાયર ફ્રોડ અને મનીલોન્ડરિંગ સહિતના આરોપો માટે યુએસમાં વોન્ટેડ છે. આ ગુનેગારોએ યુએસમાં 100થી વધુ મહિલાઓ સામે ઓનલાઈન રોમાન્સ કૌભાંડો થકી 100 મિલિયન રેન્ડ્સ (6.2 મિલિયન ડોલર)થી વધુની છોતરપીંડી આચરી હોવાનું કહેવાય છે. બ્લેક એક્સનો ઉદ્ભવ 1970ના દાયકામાં નીઓ બ્લેક મૂવમેન્ટ ઓફ આફ્રિકાના વિદ્યાર્થી સમૂહોમાંથી થયો હતો જે પાછળથી માળખાગત, હિંસક ક્રિમિનલ સંગઠનમાં ફેરવાયું હતું અને મોટા ભાગે ફાઈનાન્સિયલ સાઈબર ક્રાઈમ સાથે સંકળાયેલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter