નાઈરોબીઃ ટાન્ઝાનિયાની વાણિજ્ય રાજધાની દારેસ્લામની કોર્ટ દ્વારા દેશના મુખ્ય વિપક્ષ CHADEMAના અધ્યક્ષ ટુન્ડુ લિસ્સુને દેશદ્રોહના આરોપથી મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ ઉશ્કેરણી કરવાના ગુનેગાર ઠરાવાયા હતા અને તેમને ચાર વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. લિસ્સુ આ ચુકાદા સામે અપીલ કરવાના છે. ગત વર્ષે એપ્રિલમાં લિસ્સુને જેલમાં ધકેલવામાં આવ્યા હતા.
• નાઈરોબીમાં ઈમારત તૂટી પડતાં છના મોતઃ
કેન્યાની રાજધાની નાઈરોબીની બહાર સ્યોકિમાઉ ખાતે 13 નવેમ્બરની સવારે આઠ માળની બાંધકામ હેઠળની અધૂરી ઈમારત તૂટી પડવાથી છ લોકોના મોત નીપજ્યા હતા. બિલ્ડિંગનો સૌથી ઉપરનો કોન્ક્રીટ સ્લેબ તૂટી પડ્યો ત્યારે બાંધકામ વર્કર્સ કામના સ્થળે હતા. પાંચ મજૂરોને કાટમાળમાંથી જીવતા બહાર કાઢી શકાયા હતા. અગાઉ, 23 ઓક્ટોબરની અન્ય ઘટનામાં 18 માળનું મકાન તૂટી પડવાથી આઠ લોકોના મોત થયા હતા.
• કેન્યામાં ઈબોલાનો છેલ્લો પેશન્ટ ડિસ્ચાર્જઃ
કેન્યામાં ઈબોલા રોગચાળાનો છેલ્લો પેશન્ટ ડિસ્ચાર્જ કરાયા સાથે રોગમુક્ત સ્ટેટસ માટે 42 દિવસના કાઉન્ટડાઉનની શરૂઆત કરાઈ હતી. કેન્યામાં ઓક્ટોબર મહિનાની શરૂઆત પછી નવ લોકોને ઈબોલાનો ચેપ લાગ્યો હતો અને કોંગોમાં ચેપ લાગનારા પ્રથમ પેશન્ટ અને તે પછી અન્ય પેશન્ટનું પણ મોત નીપજ્યું હતું. ઓક્ટોબર 19 પછી નવા કેસીસ નોંધાયા ન હતા. કન્ફર્મ કેસીસના સંપર્કમાં આવેલી 11 વ્યક્તિને પણ ક્વોરેન્ટાઈનમાંથી મુક્ત કરી દેવાઈ છે.
•લંડન કોર્ટે નાઈજિરિયાના પૂર્વ ગવર્નરની અપીલ ફગાવીઃ
લંડન,લાગોસઃ નાઈજિરિયાના ઓઈલ ઉત્પાદક ડેલ્ટા સ્ટેટના પૂર્વ ગવર્નર જેમ્સ ઈબોરીની ભ્રષ્ટાચાર કેસમાં લંડનની રોયલ કોર્ટ્સ ઓફ લંડન દ્વારા ત્રીજી નવેમ્બરે ફગાવી દેવાઈ હતી. ભ્રષ્ટાચાર કેસમાં દોષી ઠરાવાયેલા પૂર્વ ગવર્નરે તેમની 136.05 મિલિયન ડોલરની સંપત્તિઓ જપ્ત કરવાના આદેશને ઘટાડવા અપીલ કરી હતી. ઈબોરીને 2012માં દોષી ઠરાવી 13 વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી અને ચાર કરતાં વધુ વર્ષ બ્રિટનની જેલમાં ગાળ્યા પછી 2016ની આખરમાં મુક્ત કરાયો હતો. ડેલ્ટા સ્ટેટના ગવર્નર તરીકે 1999થી 2007ના ગાળામાં જાહેર ભંડોળોની ચોરીના લાખો ડોલર્સનું મનીલોન્ડરિંગ તેણે બ્રિટિશ બેન્કો અને પ્રોપર્ટીઝ મારફત કર્યું હતું. લંડનની ક્રિમિનલ કોર્ટે 2023માં 101.5મિલિયન પાઉન્ડ (136.05 મિલિયન ડોલર)ની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. ઈબોરીએ જપ્તીની 4.3મિલિયન પાઉન્ડ જેટલી રકમ ઘટાડવા અપીલ કરી હતી.

