પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં અલ-કાયદા અને ISIS જેવાં આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલાં જૂથોએ ભયનો માહોલ ઊભો કરી દીધો છે. માલીનાં સુરક્ષાદળો અનુસાર, કોબરી નજીક હથિયારધારી આતંકવાદીઓએ ગુરુવાર, 6 નવેમ્બરે એક ઈલેક્ટ્રિફિકેશનની કંપનીમાં કામ કરતા ઓછામાં ઓછાં પાંચ ભારતીયોનું અપહરણ કરી લીધું. આતંકવાદીઓના ડરથી બાકીના કર્મચારીઓને માલીની રાજધાની બામાકોમાં શિફ્ટ કરી દેવાયા હતા. કોઈ સંગઠને આ અપહરણની જવાબદારી લીધી નથી. હાલના સમયે આર્થિક સંકટ સામે ઝઝૂમતા માલીમાં ૨૦૧૨માં તખતાપલટ થયા પછી અશાંતિનું વાતાવરણ છે.કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનો અને આતંકવાદીઓએ અહીં ફ્યૂઅલ બ્લોકેડ લગાડી દીધા છે.
લાપતા બે કેન્યનોની યુગાન્ડામાંથી મુક્તિ
કમ્પાલાઃ યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેમના દેશમાં પાંચ સપ્તાહથી લાપતા થયેલા બે કેન્યાવાસીની ખરેખર ધરપકડ કરી લેવાઈ હતી. ગત મહિને બોબ એનજાગી ને નિકોલસ ઓયુ યુગાન્ડાના વિપક્ષી નેતા બોબી વાઈનને સમર્થન કરતા રાજકીય ઈવેન્ટમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે બુકાનીબંધ અને ગણવેશધારી માણસોએ તેમને એક કારમાં બળજબરીથી બેસાડી દીધા હોવાનું કેટલાક લોકોએ જણાવ્યું હતું. તેમને મુક્ત કરાયા હ૮વાનું શનિવાર 8 નવેમ્બરે જાહેર કરાયું હતું. આ સંદર્ભે મુસેવેનીએ જણાવ્યું હતું કે આ બે માણસ ‘રમખાણોમાં નિષ્ણાત’ હતા અને તેમને ‘થોડા દિવસ ફ્રીઝમાં રાખી દેવાયા’ હતા. તેમણે ઉમેર્યું હતું કે કેટલાક કેન્યન નેતાઓએ બે કેન્યન કર્મશીલોને પરત મોકલવાની વિનંતી કર્યાના પગલે તેમને મુક્ત કરાયા હતા.
• કેન્યામાં વિમાન તૂટી પડતાં 11ના મોત
કેન્યાના ક્વાલે તટવર્તી વિસ્તારમાં માસાઈ મારા નેશનલ પાર્ક નજીક નાનું પ્રવાસી વિમાન તૂટી પડવાથી કેન્યન પાયલોટ સહિત 11 પ્રવાસીના મોત નીપજ્યા હતા. મોમ્બાસા એર સફારીના જણાવ્યા અનુસાર 28 ઓક્ટોબરે નેશનલ પાર્ક જઈ રહેલાં વિમાનમાં આઠ હંગેરિયન અને બે જર્મન પર્યટક હતા. પર્વતાળ અને જંગલ એરિયામાં ધડાકા સાથે તૂટી પડેલા વિમાનમાં લાગેલી આગથી તમામ પ્રવાસી ઓળખી ન શકાય તે હદે બળી ગયા હતા. વર્ષના આ ગાળામાં ટાન્ઝાનિયાના સેરેનગેટીથી જંગલી ભેંસ(વાઈલ્ડબીસ્ટ)ના ધણોનું સ્થળાંતર થતું હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં તેને નિહાળવા આવે છે.
• ટ્રમ્પ દ્વારા શ્વેત આફ્રિકનોની તરફેણથી સાઉથ આફ્રિકા નારાજ
શ્વેત આફ્રિકન રેફ્યુજીસની અરજીઓને પ્રાથમિકતા આપવાના અમેરિકાના નિર્ણય સામે સાઉથ આફ્રિકાની સરકારે નારાજગી દર્શાવી છે. સાઉથ આફ્રિકન સરકારે રેફ્યુજી પ્લાનની ટીકા કરતા જણાવ્યું છે કે શ્વેત નરસંહારના દાવાઓ તદ્દન ખોટા છે અને તેના કોઈ પુરાવાઓ નથી. તેમની સાથે અત્યાચાર ગુજારાતો નથી તેમ જણાવી આફ્રિકન કોમ્યુનિટીના અગ્રણી સભ્યો દ્વારા પ્રસિદ્ધ ખુલ્લા પત્રમાં યુએસની રિલોકેશન સ્કીમને રંગભેદી ગણાવાઈ હતી. સાઉથ આફ્રિકાના ઘણા ઓછાં શ્વેત આફ્રિકનોએ યુએસ સ્થળાંતર કરી જવા તૈયારી દર્શાવી છે. સાઉથ આફ્રિકામાં વળતર ચૂકવ્યા વિના શ્વેત આફ્રિકનોની જમીન જપ્ત કરવાના કાયદાને બહાલી મળ્યા પછી ટ્રમ્પ સરકારે મૂળ ડચ અને ફ્રેન્ચ વસાહતીઓમાંથી ઉતરી આવેલા શ્વેત આફ્રિકનો માટે રેફ્યુજી સ્ટેટસ આપવાની જાહેરાત કરી હતી.
• માડાગાસ્કરમાં લશ્કરી બળવોઃ પ્રમુખ નાસી છૂટ્યા
ભારતીય મહાસાગરના ટાપુરાષ્ટ્ર માડાગાસ્કરમાં યુવાવર્ગના ભારે વિરોધના કારણે લશ્કરી બળવા પછી કર્નલ માઈકલ રાન્ડ્રીઆનિરિનાએ દેશનું પ્રમુખપદ સંભાળી લીધું છે અને નવા વડા પ્રધાન તરીકે બિઝનેસમેન હેરિન્ટ્સાલામા રાજાઓનારિવેલોને નિયુક્ત કર્યા છે. યુવાવર્ગ દ્વારા ભારે વિરોધ અને દેખાવો મધ્યે ચૂંટાયેલા પ્રેસિડેન્ટ એન્ડ્રી રાજેલિના દેશ છોડી દુબઈ નાસી છૂટ્યા હોવાનું મનાય છે. બીજી તરફ, લશ્કરી બળવાના પરિણામે આફ્રિકન યુનિયને માડાગાસ્કરને ગ્રૂપના સભ્યપદેથી સસ્પેન્ડ કર્યું છે.

