યુગાન્ડાના ટૂરો કિંગ્ડમના ઓમુકામા કિંગ ઓયો ન્યિમ્બા કાબામ્બા ઈગુરુ રુકિડી ચોથાનું 27 ઓગસ્ટ ગુરુવારની રાત્રે માત્ર 34 વર્ષની વયે નિધન થયું છે. કિંગ ઓયોનો જન્મ 16 એપ્રિલ 1992ના રોજ થયો હતો અને તેમણે માત્ર ત્રણ વર્ષની વયે રાજગાદી સંભાળી હતી. ટુરો કિંગ્ડમના પ્રાઈમ મિનિસ્ટર કેલ્વિન આર્મસ્ટ્રોંગ રવોમિરે અકિકીએ આ દુઃખદ જાહેરાત કરી જણાવ્યું હતું કે કિંગના નિધનથી રાજવી પરિવાર, ટૂરોની પ્રજા અને યુગાન્ડાને અત્યંત ખોટ સર્જાઈ છે. રવોમિરે જણાવ્યું હતું કે કિંગ તેમની પાછળ પ્રિન્સને છોડતા ગયા છે જેઓ રાજવારસો સંભાળશે. ટૂરો કિંગ્ડમની પરંપરા અને પ્રણાલીઓ અનુસાર વારસદારની ઓળખ યોગ્ય સમયમાં જાહેર કરાશે. અગાઉ, કિંગ ઓયોની હાલત ગંભીર હોવાથી તેમના માટે પ્રાર્થના કરવાનો લોકોને અનુરોધ કરાયો હતો.
• કેન્યા પોલીસ ટ્રેનિંગમાં યુએસની સહાયઃ
યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા કેન્યા પોલીસ ટ્રેનિંગના આધુનિકીકરણ અને નેશનલ પોલીસ સર્વિસના પ્રોફેશનાલિઝમ અને અસરકારકતાને મજબૂત બનાવવાના કેન્યાના પ્રયાસોમાં સહાયરૂપ થવા શિલિંગ્સ 930 મિલિયન (7મિલિયન ડોલર)ના ઈનિશિયેટિવને લોન્ચ કરાયું છે. કેન્યાની કિગાન્જો પોલીસ ટ્રેનિંગ કોલેજમાં આની જાહેરાત કરતા યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા તેમજ કેન્યન અને અમેરિકન બિઝનેસીસ માટે સલામત વાતાવરણ સર્જવા સારા તાલીમબદ્ધ ઓફિસરો જરૂરી છે. યુએસ દ્વારા ટ્રેનિંગ, ઉપકરણો, અને કાયદા અમલપાલન, ત્રાસવાદવિરોધ અને વ્યાવસાયિક વિકાસ સહિતના ક્ષેત્રોમાં સંસ્થાગત ક્ષમતાનિર્માણ પ્રોગ્રામ્સ થકી કેન્યાના સિક્યુરિટી સેક્ટરને સપોર્ટ અપાતો રહ્યો છે.
• સાઉથ આફ્રિકન કોર્ટે બ્રિટિશરનું પ્રત્યર્પણ અટકાવ્યુંઃ
સાઉથ આફ્રિકન કોર્ટે બ્રિટનમાં પત્ની અને બે પુત્રીની હત્યાના આરોપી બ્રિટિશ નાગરિક 45 વર્ષીય એન્ડોડાના એમ્ખાન્યિસી ત્શુમાની પ્રત્યર્પણ સુનાવણી સપ્ટેમ્બર મહિનાની 8 તારીખ સુધી અટકાવી હતી જેથી વકીલને તેના ક્લાયન્ટ સાથે વાતચીતનો પૂરતો સમય મળી રહે. ગેરકાયદે શસ્ત્રો રાખવાના આરોપની સુનાવણી 10 સપ્ટેમ્બરે હાથ ધરાશે. આંતરરાષ્ટ્રીય થોધખોળનાં પરિણામે મૂળ ઝિમ્બાબ્વેના બ્રિટિશ નાગરિક એન્ડોડાના એમ્ખાન્યિસી ત્શુમાની પત્ની ઝેન્ડાઈલ અને બે પુત્રીઓ 15 વર્ષીય નાટાલી અને 5 વર્ષીય નાલાનાં મૃતદેહો મળ્યાના દિવસો પછી જુલાઈ મહિનામાં જોહાનિસબર્ગ ખાતે ધરપકડ કરાઈ હતી. તે સાઉથ આફ્રિકા જતા પહેલા યુકેથી નાસીને ઝિમ્બાબ્વે પહોંચ્યો હતો. તેની સામે હત્યા સંદર્ભે પ્રત્યર્પણ ઉપરાંત, ગેરકાયદે શસ્ત્રો રાખવાનો પણ આરોપ લાગ્યો છે, જેના કારણે પ્રત્યર્પણમાં વિલંબ થઈ શકે છે.
• યુગાન્ડામાં ઈબોલા રોગચાળાનો અંતઃ WHO
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ યુગાન્ડામાં ઈબોલા રોગચાળાના અંતની સત્તાવાર જાહેરાત કરી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઈબોલાના કેસીસ વધી રહ્યા છે ત્યારે યુગાન્ડામાં છેલ્લા 42 દિવસથી કોઈ કેસ નોંધાયો નથી. WHOએ જણાવ્યું હતું કે ઈસ્ટ આફ્રિકન દેશ યુગાન્ડાએ કોઈ નવા કેસ વિના 42 દિવસનો ફરજિયાત મોનિટરિંગ પીરિયડ પસાર કર્યો છે. જોકે, યુગાન્ડાની હેલ્થ મિનિસ્ટ્રીએ તો આશરે મહિના પહેલા જ દેશમાં સ્થાનિક રોગચાળાનો અંત આવ્યો હોવાની જાહેરાત કરી જ દીધી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ રોગમુક્તિની જાહેરાત કરતા અગાઉ યોગ્ય પ્રક્રિયા અનુસરવાની રહે છે. હવે યુગાન્ડાવાસીઓ અન્ય કોઈ દેશમાં પ્રવાસ કરવા મુક્ત છે અને સરકાર દેશમાં નિયંત્રણો હટાવી શકે છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં 25 ઓગસ્ટ સુધી ઈબોલાના કેસીસ વધીને 5,656ના આંકડે પહોંચ્યા હતા અને કુલ મૃત્યુઆંક 2,715 થયો હતો.
• કેન્યામાં ઈમ્પોર્ટ ડ્યૂટી વધારા સામે વિરોધ
કેન્યામાં ઈમ્પોર્ટ ડ્યૂટી વધારા સામે વેપારીઓએ ભારે વિરોધ કર્યો છે. નાઈરોબીમાં પાર્લામેન્ટ તરફ કૂચ કરી રહેલા વિરોધીઓ પર કેન્યાની પોલીસે ટીઅરગેસનો ઉપયોગ કર્યો હતો અને સંખ્યાબંધ બિઝનેસીસ બંધ રખાયા હતા. વેપારીઓનું કહેવું છે કે ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 5,000 ડોલરથી વધુનો વધારો થતા સેંકડો બિઝનેસીસ બંધ કરવાનો વારો આવશે. શુક્રવારે નાઈરોબીના અનેક વિસ્તારોમાં દેખાવો યોજાતા પરિસ્થિતિ બેકાબુ થઈ હતી.


