ટ્રમ્પ વહીવટીતંત્રે 2027માં દેશમાં પ્રવેશ અપાનારા શરણાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાની યોજના ઘડી છે. મોટા ભાગે શ્વેત સાઉથ આફ્રિકન્સ સહિત 17,500 શરણાર્થીને યુએસમાં આવવા દેવાશે તેમ કોંગ્રેસ સમક્ષ જણાવાયું હતું. શ્વેત સાઉથ આફ્રિકન્સને અમેરિકામાં વસાવવા માટે આશરે 500 મિલિય ડોલરનો ખર્ચ કરવાનો ઈરાદો પણ વ્યક્ત કરાયો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર અનુસાર સાઉથ આફ્રિકામાં શ્વેત આફ્રિકનોને જમીનો ઝૂંટવી લેવાયા ઉપરાંત, અન્ય પ્રકારના દમનનો સામનો કરવો પડે છે. જોકે, સાઉથ આફ્રિકાની સરકાર લઘુમતી કોમ્યુનિટી શ્વેત આફ્રિકનો પર જુલમ કરાતો હોવાના આક્ષેપોનો સતત વિરોધ કરતી રહી છે. આવા આક્ષેપોથી બંને દેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધ્યો છે. અમેરિકી શરણાર્થી વસાહત પ્રોગ્રામ 1980માં શરૂ કરાયા પછી દર વર્ષે સરેરાશ આશરે 92,000 લોકોને આશ્રય અપાયો છે.
• નાઈજિરિયન અધિકારીઓનું યુએસ પ્રોપર્ટીઝમાં રોકાણઃ
આફ્રિકન એન્ટિ-કરપ્શન ગ્રૂપના રિપોર્ટમાં જણાવાયું છે કે સંખ્યાબંધ નાઈજિરિયન અધિકારીઓએ બે દાયકાથી વધુ સમયગાળામાં સેંકડો મિલિયન્સ ડોલરના ભ્રષ્ટાચારના નાણાને કાયદેસર બનાવવા અમેરિકામાં પ્રોપર્ટીઝ ખરીદી છે. પ્લેટફોર્મ ટુ પ્રોટેક્ટ વ્હીસલબ્લોઅર્સ ઈન આફ્રિકા (PPLAAF)ના રિપોર્ટમાં 271 મિલિયન ડોલરના મૂલ્યની 284 પ્રોપર્ટીઝ ઓળખી કઢાઈ છે જેને 61 વર્તમાન અને પૂર્વ વરિષ્ઠ નાઈજિરિયન ઓફિસિયલ્સ સાથે સાંકળવામાં આવી છે. મોટા ભાગની પ્રોપર્ટીઝ મોર્ગેજ ફાઈનાન્સિંગ વિના જ ખરીદાઈ હતી. આફ્રિકાના સૌથી મોટા અર્થતંત્રોમાં એક અને મોટા ઓઈલ ઉત્પાદક નાઈજિરિયામાં ભ્રષ્ટાચારનું દુષણ ભારે ફૂલ્યું ફાલ્યું છે. નાઈજિરિયામાં લશ્કરી શાસનનો 1999માં અંત આવ્યા પછી જે પ્રોપર્ટીઝ ખરીદવામાં આવી છે તેને આ સંસ્થાએ ધ્યાનમાં લીધી છે. તેણે આક્ષેપ કર્યો છે કે જિહાદીઓ વિરુદ્ધના યુદ્ધથી લશ્કરી માંધાતાઓ ભારે સમૃદ્ધ થતા રહ્યા હતા.
• ઈબોલા રોગચાળા અંગેના ફેલાવા મુદ્દે આફ્રિકન હેલ્થ સંસ્થાની ચેતવણી
કિન્હાસાઃ આફ્રિકાની સર્વોચ્ચ આરોગ્ય સંસ્થા આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન દ્વારા ચેતવણી અપાઈ છે કે કોંગોનો ઈબોલા રોગચાળો ઝડપથી તેના મુખ્ય કેન્દ્રથી બહાર તરફ પ્રસરી રહ્યો છે. તાજેતરના સપ્તાહોમાં રોગચાળાના એપિસેન્ટર ઈટુરી પ્રાંતમાં ઈબોલાના નવા કેસીસ અને મોતમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ પડોશના નોર્થ કિવુ અને હૌટ-ઉએલે પ્રાંતોમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. સરકારે તાજા આંકડા જારી કરતા જણાવ્યું છે કે 3,310 મોત સહિત 6,843 કેસીસ નોંધાયા છે. ઈટુરી પ્રાન્તમાં 5400થી વધુ કેસીસ સાથે સૌથી ખરાબ સ્થિતિ છે જ્યારે નોર્થ કિવુ પ્રાન્તમાં 1000થી વધુ કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર રોગચાળો કાબુ બહાર છે અને 2014-2015ના સૌથી જીવલેણ વેસ્ટ આફ્રિકા ઈબોલા રોગચાળાને વટાવી જાય તેવી આશંકા છે. ગીનીઆ, લાઈબેરિયા અને સીએરા લિઓનમાં ઈબોલાથી 11,000થી વધુ લોકોના મોત નીપજ્યા હતા.
• કોંગો પોલીસે દેખાવકારોને વિખેરી નાખ્યાઃ
કિન્હાસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની પોલીસે 15 સપ્ટેમ્બરે અનેક શહેરોમાં વિરોધ પક્ષો દ્વારા આયોજિત દેખાવોને વિખેરી નાખ્યા હતા. દેશના પ્રેસિડેન્ટ ફેલિક્સ ટ્સીસેકેડી ત્રીજી ટર્મ માટે ઉમેદવારી કરી શકે તેવા સૂચિત બંધારણીય સુધારાનો વિરોધપક્ષો વિરોધ કરી રહ્યા છે. પોલીસે કિન્હાસામાં ટીઅર ગેસ ઉપરાંત, ચેતવણી આપતા ગોળીબાર કર્યા હતા. વિપક્ષી ગઠબંધન C64 દ્વારા દેખાવોનું આયોજન કરાયું હતું. કિન્હાસાના વિરોધ પ્રદર્શનમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો અને સરકાર વિરોધી અને સમર્થકો વચ્ચે અથડામણો થતાં પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો. જ્યારે લુબુમ્બાશી અને ઉવિરામાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા પ્રતિબંધ છતાં થોડા લોકો વિરોધ માટે એકત્ર થયા હતા અને વિખેરાઈ ગયા હતા.
• ટિઆગ્રે બળવાખોર દળોએ એરપોર્ટ્સ કબજે લીધાઃ
એડિસ અબાબાઃ ઉત્તર ઈથિયોપિયામાં ટિઆગ્રે પીપલ્સ લિબરેશન ફ્રન્ટ (TPLF)ના બળવાખોરોએ મેર્કેલે, શિરે અને એક્ઝૂમ શહેરોના એરપોર્ટ્સ પર કબજો કર્યો હતો અને પડોશના એફાર વિસ્તારના અબાલા અને એરેબ્ટી શહેરોમાં ફેડરલ દળો સાથે યુદ્ધ કરતા લાંબા સમયથી ચાલતી તંગદીલી ખુલ્લા સંઘર્ષમાં ફેરવાઈ હતી. TPLF દળોએ અબાલા પર કબજો મેળવ્યાના પણ અહેવાલો છે. તાજેતરના મહિનાઓમાં છૂટાછવાયા હુમલા અને ડ્રોન સ્ટ્રાઈક્સથી પુનઃ યુદ્ધની આશંકા જાગી હતી. આફ્રિકન યુનિયનના અંદાજ મુજબ 2020-2022ના ગાળામાં બળવાખોર સંગઠને ફેડરલ સરકાર સામે વિનાશક આંતરયુદ્ધ ખેલ્યું હતું જેમાં 600,000 લોકો માર્યા ગયા હતા.

