QX Global જૂથ દ્વારા ગુજરાતના IT સેકટરમાં નવી 2000 નોકરીઓનું સર્જન1

શેફાલી સક્સેના Wednesday 02nd March 2022 08:03 EST
 
 

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ કંપની QX ગ્લોબલ ગ્રૂપ લિમિટેડ અને ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના MoU પર હસ્તાક્ષર કરાયા છે. જેના પરિણામે, ગુજરાતના IT સેકટરમાં નવી 2000 નોકરીઓનું સર્જન કરાશે. QX ગ્લોબલ ગ્રૂપ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ એનેડ એડવાઈઝરી ફર્મ ચાઝી પાર્ટનર્સમાં 80 ટકા હિસ્સો પણ હસ્તગત કરશે જેનાથી તેની પહોંચ અને સેવાની ઓફરમાં વધારો થશે. ગુજરાત સરકારની નવી IT/ITES નીતિ 2022-27 હેઠળ આંતરરાષ્ટ્રીય કંપની સાથે પ્રથમ MoU પર હસ્તાક્ષર કરાયા છે.
ગુજરાતના મુખ્યપ્રધાન, સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સેક્રેટરી વિજય નેહરાની રાહબરીમાં ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર તેમજ QX Global Group Ltdના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર સ્નેહલ પટેલે બંને પક્ષ વતી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ MoU પર સહીસિક્કા કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાનના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ જોશી અને આઈટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં આઈટી સેક્ટરના વિકાસને ગતિ આપવા મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના ઉદ્દેશ સાથેની નવી આઈટી નીતિ હેઠળ સર્વપ્રથમ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ MoUને આવકાર આપ્યો હતો. મુખ્ય પ્રધાને આ પહેલ માટે QX Globalને અભિનંદન પાઠવી તેમની ગુજરાતની કામગીરીમાં રાજ્ય સરકાર તમામ આવશ્યક સહાય પૂરી પાડશે તેમ જણાવ્યું હતું.
QX Global Groupના ગ્રૂપ સીઈઓ ફ્રાન્ક રોબિન્સને વર્ચ્યુઅલ હાજરી નોંધાવતા જણાવ્યું હતું કે કંપનીએ 2006-2007થી અમદાવાદમાં રાજ્ય સાથે સહકાર સાધ્યો છે અને 2300થી વધુ તાલીમબદ્ધ વર્કફોર્સથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ હાંસલ કરી છે. આમાંથી 1700થી વધુ પ્રોફેશનલ્સ ગુજરાતમાં છે. નવા MoU થકી આઈટી સેક્ટરમાં આગામી વર્ષોમાં વધારાની 2,000 નોકરીઓનું સર્જન થશે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે ખાસ મુલાકાતમાં રોબિન્સને જણાવ્યું હતું કે ‘ભારતમાં QX ની 18 વર્ષની યાત્રામાં ધીમા ભારતથી ગતિશીલ ભારત સુધીની પ્રગતિ નિહાળી છે. અમદાવાદમાં અમારી ઓફિસીસ ન્યૂ યોર્ક સિટી, લંડન અથવા વિશ્વમાં કોઈ પણ સ્થળને ટક્કર મારી શકે તે રીતે બદલાઈ ગઈ છે. ભારત આગામી પેઢી માટે સજ્જ છે. બે વર્ષમાં અમારો બિઝનેસ બમણો થયો છે અને આગામી વર્ષે પણ બમણો થશે. યુવા, તેજસ્વી ભારતીય પ્રતિભાઓ માટે અમારી સંસ્થામાં જોડાવા 2000 તક ઉભી થશે. આગામી પાંચ વર્ષમાં 2000થી વધુ કર્મચારીની ભરતી કરવા અમે મુખ્ય પ્રધાન સમક્ષ ખાતરી ઉચ્ચારી છે. અમે સમગ્ર ભારતમાં વિસ્તરણ કર્યું હોવાં છતાં, અમારા 80 ટકા કર્મચારી ગુજરાતમાં કામ કરે છે.’
ચાઝી પાર્ટનર્સના સીઈઓ ફિલ સીઅર્લેએ ભરતી અને લૈંગિક સમતુલા અંગે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘જનરેશન ઝેડની ખાસિયત એ છે કે તેઓ માત્ર નાણા કમાવામાં રસ ધરાવતા નથી. જે કંપની કાંઈક આપે તેના માટે કામ કરવામાં રસ ધરાવે છે. અત્યારે અમારા બિઝનેસમાં 67 ટકા પુરુષ અને 33 ટકા સ્ત્રી કર્મચારી છે. જોકે, સીનિયર મેનેજમેન્ટ સ્તરે સ્ત્રીઓનું નગણ્ય પ્રતિનિધિત્વ છે. અમે Qxમાં મહિલાઓની વધુ ભરતી કરવા બાબતે ઉત્સાહી છીએ.’
QX Global Group Ltd દ્વારા સોમવાર 21 ફેબ્રુઆરીએ ઓસ્ટિન, ટેક્સાસસ્થિત બિઝનેસ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની નિષ્ણાત વિશ્વસ્તરીય મેનેજમેન્ટ કન્સલ્ટિંગ અને એડવાઈઝરી કંપની ચાઝી પાર્ટનર્સમાં મલ્ટિ-મિલિયન ડોલરનો 80 ટકા હિસ્સો હસ્તગત કરાયાની જાહેરાત કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter