લંડનઃ બિઝનેસ ટુર પર આવેલા તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંથ રેડ્ડીએ લંડનમાં બિઝનેસ રાઉન્ડ ટેબલ બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે તેલંગાણા બિઝનેસ કરવામાં માને છે. ઈન્ડિયા હાઉસ ખાતે તેમણે સંકેત આપ્યો હતો કે વિશ્વના બે સૌથી મોટા ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક ટેસ્લા અને બીવાયડી (Tesla – BYD) ટુંક સમયમાં હૈદરાબાદ આવી શકે છે. રાજ્ય આ બે ઉત્પાદક કંપનીઓ સાથે સક્રિય વાતચીત કરી રહ્યું છે. તેમણે રાજ્યને ગ્લોબલ મેડિકલ ડેસ્ટિનેશન બનાવવાનો નિર્ધાર પણ જાહેર કર્યો હતો.
લંડનમાં ભારતીય હાઈ કમિશન ખાતે પસંદગીના ઓડિયન્સ સમક્ષ તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંથ રેડ્ડીએ જાહેર કર્યું હતું કે ,‘તેલંગાણાને બિઝનેસ જોઈએ છે. હું રાજ્યને વિશ્વમાં શ્રેષ્ઠ બિઝનેસ ફ્રેન્ડલી બનાવવા પ્રયાસ કરી રહ્યો છું. મારી લંડન મુલાકાતનો હેતુ ફાર્મા-લાઈફ સાયન્સ સેક્ટર્સ, ગ્રીન ટેક, રિન્યુએબલ એનર્જી, ઈમર્જિંગ ટેકનોલોજીસ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિકલ વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. અમે મેગા માસ્ટર પ્લાન 2050 પર કામ કરી રહ્યા છીએ જેનું લક્ષ્ય સમગ્ર તેલંગાણામાં 2050 સુધીમાં ઔદ્યોગિક વૃદ્ધિ હાંસલ કરવાનું છે. હૈદરાબાદ ટુંક સમયમાં AI, ગ્રીન એનર્જી અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સનું કેન્દ્ર બની શકે તેવું અમારું લક્ષ્ય છે.’
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ કહ્યું હતું કે, ‘હૈદરાબાદ ભારતની સૌથી મોટી સફળતાની કથા છે. તે જ્ઞાન અને સ્પોર્ટ્સનું કેન્દ્ર છે. મલ્ટિનેશનલ્સ માટે ભારતમાં પાયો સ્થાપવા માટેના સ્થળોમાં હૈદરાબાદની માગ મોટી છે.’
મુખ્યપ્રધાન રેડ્ડીએ પોર્ટ ઓફ લંડન ઓથોરિટીના પ્રતિનિધિઓ અને નિષ્ણાતો સાથે લાંબી બેઠક યોજી હતી. તેમણે હાઉસ ઓફ કોમન્સના મીટિંગ રૂમમાં પણ લોકશાહીને મજબૂત બનાવવા વિશે સંબોધન કર્યું હતું. આ બેઠકના યજમાન ઈલિંગ, સાઉથોલના લેબર સાંસદ વિરેન્દ્ર શર્મા હતા. આ બેઠકમાં અન્ય 7 બ્રિટિશ સાંસદો પણ હાજર રહ્યા હતા. 19 જાન્યુઆરીએ લંડનમાં મુખ્યપ્રધાન રેડ્ડી અને રાજ્યમાં વિપક્ષ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ- ઈત્તકેહાદુલ મુસલમીનના નેતા અકબરૂદ્દીન ઓવૈસીની પણ બેઠક યોજાઈ હતી જેનાથી લોકસભા ચૂંટણી પૂર્વે રાજકીય અટકળો સર્જાઈ હતી.


