અમદાવાદઃ એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI ૧૧૭૧)માં બ્રિટન (લંડન)થી ૨૭૫ મુસાફરો ૨૨મી ડિસેમ્બરે આવ્યા હતા. અમદાવાદ પાલિકાની ટીમે ૨૭૫ સહિત એક મહિનામાં બ્રિટનથી આવેલા ૩૫૦ મુસાફરોને શોધીને તેમના RTPCR ટેસ્ટ કર્યાં હતાં. ૨૭૫માંથી આણંદનાં દંપતી (પુરુષ - ઉં. ૩૮, મહિલા - ઉં ૩૭), ભરૂચના બ્રિટિશ સિટિઝન (ઉં. ૪૮) અને દીવના યુવાન (ઉં. ૩૦)ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ચારેય મુસાફરોના સેમ્પલ ચકાસણી માટે પૂણેની વાઇરોલોજી ઇન્સ્ટિટયૂટમાં તપાસ માટે મોકલ્યા હતા. એ પછી બીજી જાન્યુઆરીએ આવેલા રિપોર્ટમાં ચારેય મુસાફરોના કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન જણાયો છે. ચારેય કોરોના પોઝિટિવ દર્દીઓ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઉપરાંત રાજકોટના અમીન માર્ગ પર રહેતો ૩૧ વર્ષીય યુવાન ૧૫મી ડિસેમ્બરે બ્રિટનથી અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદથી પોતાની કારમાં રાજકોટ આવ્યો હતો ત્યારે આરોગ્ય વિભાગે તેનો કોરોના ટેસ્ટ કરવા સાથે તેને ૧૪ દિવસ હોમ આઈસોલેશનમાં રહેવા જણાવ્યું હતું.
દરમિયાન ૨૬મી ડિસેમ્બરે યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. યુવકનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતાં કોરોનાના નવા સ્ટ્રેનની ભીતિ સાથે તેના સેમ્પલને પૂણેની જિનેટિકલ લેબોરેટરીમાં મોકલાયું છે. યુવાનના સંપર્કમાં આવેલા પરિવારના ૪ સભ્યો અને ગોંડલના ૧ યુવાનના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા છે.
સુરતના હજીરા અને કામરેજમાં પણ ઇંગ્લેન્ડથી આવેલા ૪ પ્રવાસી અને તેમના સંપર્કમાં આવેલા બે જણાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કામરેજ મોરથાણના NRIપરિવારના વધુ એક સભ્યને કોરોના ડિટેક્ટ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી જરૂરી સેમ્પલ લઈ પૂણેની જિનેટિકલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી અપાયા છે.
એસવીપીમાં સારવાર
એસવીપી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સંદીપ મલ્હાને જણાવ્યું કે, એસવીપી હોસ્પિટલમાં બ્રિટનથી આવેલા કુલ ૧૨ કોરોના પોઝિટિવ પ્રવાસીઓ સારવાર લઇ રહ્યાં છે. આ સાથે બ્રિટનથી આવેલા અમદાવાદના ૮ કોરોના પોઝિટિવ મુસાફરોના સેમ્પલનાં જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે.
કડક હોમ આઇસોલેશન માટે વોચ
અમદાવાદ પાલિકાએ આUKથી આવેલા કુલ ૩૫૦ જેટલા મુસાફરોને હોમ આઈસોલેશનમાં રહેવા તાકીદ કર્યા સાથે તેમની પર કડક વોચ ગોઠવી છે. જે મુસાફરોનો ૧૪ દિવસનો હોમ ક્વોરેન્ટાઇનનો ગાળો ચાલે છે તે તમામ માટે ખાસ ટીમો તૈનાત કરાઇ છે. એક દિવસમાં બેથી ત્રણ વાર તેમની મુલાકાત લેવાતી હોવાનું પાલિકાએ બીજીએ જણાવ્યું હતું.
બ્રિટનથી આવેલા લોકોનો બળાપો
અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સૌથી ઉપરના માળે ખાસ યુકે વોર્ડ ઊભો કરાયો છે. આ વોર્ડમાં ૧૪ દર્દીઓ હોવાના અહેવાલ ચોથીએ હતા. અહીં દાખલ કરાયેલા યુકેથી આવેલા પ્રવાસીઓમાં કોરોનાના ગંભીર લક્ષણ નથી અને તેમનો ૧૪ દિવસનો ક્વોરેન્ટાઈનનો ગાળો પૂરો થયો હોવા છતાં તેમને રજા અપાતી નથી તેવી કેટલાક પ્રવાસીઓની ફરિયાદ છે.
એક પ્રવાસીએ કહ્યું કે, હદ તો ત્યાં થઈ કે આ વોર્ડમાં સાયકાયટ્રિસ્ટને મોકલાયા. પ્રવાસીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું અમે ગાંડા છીએ કે સાયકાયટ્રિસ્ટને અમારી પાસે મોકલાય?
એક અન્ય પ્રવાસીએ કહ્યું કે, તેઓ ૧૪ દિવસ પોતાના ઘરે ક્વોરેન્ટાઈન હતા છતાં તેમને ઘરેથી આ વોર્ડમાં ભરતી કરાયા છે.
એક પ્રવાસીએ ફરિયાદ કરી કે, રાજ્યમાં અધિકારી અને પદાધિકારીઓને રિપોર્ટ અંગે માહિતી છે, પણ યુકેથી આવનાર ખુદને જ તેના રિપોર્ટ દેખાડાયો નથી કે કોરોનાનો નવો સ્ટ્રેન તેમને છે કે નહીં? વોર્ડમાં સારવાર માટે પણ જુનિયર તબીબોને મોકલાય છે ને એ તબીબોને પૂછીએ તો જવાબ મળે છે કે, અમને કંઈ ખબર નથી, મેનેજમેન્ટને પૂછો.
એક પ્રવાસીએ કહ્યું કે, અમે જણાવ્યું કે ૮મીએ રિટર્ન ફ્લાઈટ છે તો જવાબ મળ્યો કે એ તમારો પ્રશ્ન છે. ફ્લાઈટ જતી હોય તો જાય, તમને અહીંથી જવા નહીં મળે.
સવારે છ વાગ્યે સૂતા હોઈએ ત્યારે ચા મળે છે. આટલું વહેલું કોણ ચા પીવે? સાત વાગ્યે નાસ્તો અપાય છે? આટલો વહેલો નાસ્તો કોણ કરે? ઉપરાંત બાથરૂમની સ્ટોપર પણ બંધ થતી નથી અને પાણી પણ લીક થાય છે અને આ વોર્ડની બહાર સિક્યોરિટી બેસાડી રખાય છે જેવી પણ ફરિયાદો છે.














