અમદાવાદઃ કોરોના કાળ પહેલાંના સમયગાળામાં અમદાવાદથી યુકે જવાનું વન-વે એરફેર રૂ. ૨૫ હજારથી રૂ. ૩૦ હજાર હતું જે જાન્યુઆરીમાં વધીને રૂ. ૧ લાખ ૧૨ હજાર જેટલું થઇ ગયું છે. એર ઇન્ડિયા, બ્રિટિશ એરવેઝ અને યુનાઇટેડ એરલાઇન્સ દિલ્હીથી યુકે જવાની કનેક્ટિવિટી આપે છે. જોકે, યુકેમાં પેસેન્જર એન્ટ્રી લિમિટેડ કરી દેવાતાં ત્રણેય એરલાઇન્સની અઠવાડિયામાં એક ફ્લાઇટ ઓપરેટ થતી હોવાથી એરફેરમાં એકાએક વધારો કરી દેવાયો છે. ખાસ કરીને યુકેમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને વધારે રૂપિયા ચૂકવવા પડી રહયા છે. અમદાવાદથી યુએસ જતા પ્રવાસીઓ કોરોના પહેલાં અમદાવાદથી જતા હતા ત્યારે પેસેન્જરો રૂ. ૪૦ હજારથી રૂ. ૫૦ હજારનું ઇકોનોમી ક્લાસનું એરફેર ચૂકવતા હતા જે હવે વધીને રૂ. ૯૦ હજારથી રૂ. ૧ લાખ સુધી પહોચી ગયું છે. આમ ૫૦ હજાર સુધીનો દેખીતો વધારો કહી શકાય.
૧૫ ફેબ્રુઆરી પહેલાં એર ઇન્ડિયામાં યુએસનું વન-વે ભાડું રૂ. ૯૦ હજાર જેટલું થયું છે. અમદાવાદથી ડોમેસ્ટિક ફ્લાઇટમાં રૂ. ૧૦ હજાર અને દિલ્હીથી યુનાઇટેડ એરલાઇન્સની કનેક્ટિવિટીનું ભાડું રૂ. ૮૦ હજાર જેટલું ગણીને પેસેન્જરને કુલ રૂ. ૯૦ હજાર ચૂકવવા પડે છે. વિસ્તારા એરલાઇન્સ યુકેનો સૌથી વધુ ચાર્જ વસૂલી રહી છે. અમદાવાદથી વિસ્તારમાં દિલ્હી અને દિલ્હીથી વિસ્તારાની યુકેની નવી શરૂ થયેલી ફ્લાઇટનો ચાર્જ એટલે ભાડું
રૂ. ૧ લાખ ૧૫ હજાર વસૂલવામાં આવે છે.
વિસ્તારા એર દ્વારા અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી કનેક્ટિંગ ફ્લાઇટ બ્રિટિશ એર લાઇન્સમાં યુકે જવા રૂ. ૯૦ હજારનંુ ભાડું આપવું પડે અને અમદાવાદથી દિલ્હીનું ડોમેસ્ટિક ભાડું રૂ. ૧૦ હજાર એટલે પેસેન્જરે રૂ. ૧ લાખ ચૂકવવા પડે છે.


