તાજેતરમાં અમે ઓક્ટોબર મહિનામાં અમદાવાદની મુલાકાત લીધી હતી ત્યારે ડો. કેયુરભાઇ બૂચ (જેઓ માંચેસ્ટરમાં જાણીતા ઓર્થોપેડિક સર્જન, હવે અમદાવાદ કાયમ સ્થાયી થયા છે અને સિમ્સ હોસ્પિટલમાં એમનું નામ છે.) ભારતીય વિદ્યાભવન, માંચેસ્ટરમાં સક્રિય હતા ત્યારથી ‘ગુજરાત સમાચાર’ને કારણે અમારે સારો ઘરોબો હતો. તેઓ અમને આગ્રહ કરીને અમદાવાદના એમના નિવાસસ્થાને લઇ ગયા હતા. વ્યવસાયે ડોક્ટર પરંતુ ભારતીય સંસ્કૃતિ, માતૃભાષા, ધર્મ, યોગ, સાહિત્ય, કલા વગેરેમાં તેમને ભારે રસ. જો કે નાગરનો દીકરો ખરો ને! આ બધું એમને વારસામાં મળ્યું છે. એમનાં પત્ની કુંજલબહેન પણ એક જમાનામાં માંચેસ્ટરથી ‘ગુજરાત સમાચાર’ના પ્રતિનિધિ તરીકે ત્યાંના સ્થાનિક સમાચાર અમને નિયમિત મોકલતાં હતાં. એમને ત્યાં અમારી મુલાકાત જાણીતા પત્રકાર અને લેખક દંપતી શ્રી કૃષ્ણકાન્તભાઇ ઉનડકટ અને જ્યોતિબહેન સાથે થઇ. જૂના સંસ્મરણો યાદ કરતાં કૃષ્ણકાન્તભાઇએ કહ્યું કે, હું વીસેક વર્ષ અગાઉ લંડન આવ્યો ત્યારે ‘ગુજરાત સમાચાર’ની ઓફિસે આવ્યો હતો અને તમે મારો ઇન્ટરવ્યુ લીધો હતો અને એમાંય અમારા તંત્રીશ્રી સી. બી. પટેલનું નામ આવે તો એમને કોણ ના ઓળખે? એ જ સવાલ!
શ્રી કૃષ્ણકાન્તભાઇના પુસ્તક સહિત અન્ય બે જાણીતા લેખકોના પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ બીજા દિવસે જ હતો એમાં હાજર રહેવા અમને નિમંત્રણ પાઠવ્યું. આ વિમોચન વિધિ બોડકદેવ, સિંધુ ભવન રોડ પર આવેલા એક વિશાળ અદ્યતન ફર્નિચર શો રૂમ ‘મરિના હોમ્સ’માં રાખવામાં આવી હતી. કારણ? એના માલિક બહેન સાહિત્ય પરત્વે વિશેષ રુચિવાળા એટલે પોતાના શો રૂમની પ્રથમ એનિવર્સરીની ઉજવણીમાં એમણે નવા પુસ્તકો પોંખવાનું પુણ્ય મેળવવાની તક ઝડપી લીધી હતી.
અનેક લેખકો અને પત્રકારો તેમજ સાહિત્યરસિકોની હાજરી વચ્ચે ત્રણ પુસ્તકોની વિમોચન વિધિનું સંચાલન જ્યોતિબહેન ઉનડકટે એમની આગવી શૈલીમાં સરસ રીતે કરીને સૌની ચાહના મેળવી.
આ ત્રણ પુસ્તકોમાં શ્રી કૃષ્ણકાન્તભાઇની ‘ચિંતનની પળે’ લેખમાળાના સાતમા પુસ્તક ‘ચિંતન સપ્તરંગી’, જાણીતા મનોચિકિત્સક હંસલ ભચેચના પતિ-પત્ની વચ્ચેના સંબંધોને મજબૂત બનાવતી શ્રેણીના પુસ્તક ‘પણ હું તો તને પ્રેમ કરું છું - ભાગ ૩’ અને અમદાવાદના રેડિયો સ્ટેશન પરથી રોજ સવારે ‘મોર્નિંગ મંત્ર’ દ્વારા શ્રોતાજનો સાથે સેતુ રચી હકારાત્મક ઊર્જાનો અનુભવ કરાવતા આરજે ધ્વનિતના પુસ્તક ‘મોર્નિંગ મંત્ર’નો સમાવેશ થતો હતો. અમદાવાદમાં આ રીતે પુસ્તક લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેવાનો અવસર મારા માટે યાદગાર બની ગયો. આ ત્રણેય પુસ્તકો વાંચવા જેવા છે.


