અમને ઘરે લઈ જાવઃ ભારતમાં અટવાઇ પડેલા બ્રિટિશ નાગરિકોનો પોકાર

પ્રિયંકા મહેતા - રુપાંજના દત્તા Wednesday 01st April 2020 04:37 EDT
 
ભારત સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ ફરમાવ્યા બાદ દિલ્હી એરપોર્ટ પર અટવાયેલા પ્રવાસીઓ (ફાઈલ ફોટો)
 

લંડનઃ કોરોના વાઇરસ મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં રઝળી પડેલા હજારો બ્રિટિશ નાગરિકોને બચાવી સ્વદેશ પરત લાવવા યુકે સરકારે ૭૫ મિલિયન પાઉન્ડના એરલિફ્ટ ઓપરેશનની જાહેરાત કરી છે. ભારતે ૨૩ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી તેની આંતરરાષ્ટ્રીય સરહદોની તાળાબંધી જાહેર કરી દેવાના પરિણામે, ઘણા બ્રિટિશરોમાં ભૂખ-તરસથી મરી જવાનો ભય ફેલાવા સાથે અરાજકતા વ્યાપી ગઈ છે. કેટલાકે તેમને હોટેલમાંથી હાંકી કઢાયાથી રસ્તા પર રહેવાની ફરજ પડી હોવાની ફરિયાદ
કરી છે.
દરમિયાન, ફોરેન ઓફિસને કોરોના વાઇરસનું નિદાન કરાયેલા અને રઝળી પડેલા બ્રિટિશરોને પેરુમાંથી પરત લાવવામાં સફળતા મળી છે પરંતુ, ભારતમાં રઝળી પડેલા બ્રિટિશરો સાથે આવો વ્યવહાર કરાતો નથી. આથી, ઘણાએ તો તેમને ઈરાદાપૂર્વક તરછોડી દેવાયા હોવાનો સરકાર પર આક્ષેપ પણ કર્યો છે.
બીજી તરફ, જર્મન સરકાર ૪૦ બ્રિટિશ નાગરિકો સહિત પોતાના ૧૦૦૦ જેટલા ફસાયેલા પર્યટકોને વતન લાવી શકી છે.
ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે સોમવાર ૩૦ માર્ચે વિદેશમાં અટવાઇ પડેલા બ્રિટિશ નાગરિકોને સ્વદેશ લાવવા સરકાર અને બ્રિટિશ એરવેઝ, વર્જિન એટલાન્ટિક અને ટાઈટન એરવેઝ સહિત કોમર્શિયલ એરલાઈન્સ વચ્ચે નવી પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. જોકે, ભારતમાં રઝળી પડેલા લોકોને ક્યારે સ્વદેશ પરત લવાશે તે વિશે કોઈ સ્પષ્ટ નિર્દેશ અપાયો નથી.

ભારતમાં રઝળી પડેલા બ્રિટિશ નાગરિકો

સત્તાવાર સરકારી સૂત્રો અનુસાર આશરે ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ બ્રિટિશ નાગરિકો ભારતમાં ફસાઈ ગયા છે. આમાંથી, ૩૦૦ જેટલા તો ગુજરાતના કચ્છ જિલ્લામાં છે તો પંજાબ અને જયપુરમાં ફસાયેલા લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે.

કોરોના રોગચાળો ફાટી નીકળવાથી અને ભારતની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરી દેવાયાથી યુકેમાં રહેલા બાળકો અને પેરન્ટ્સથી વિખૂટા પડેલા બ્રિટિશરો સહેલાઈથી સ્વદેશ પહોંચવાના મામલે ચિંતિત છે. તેમને સલામતીપૂર્વક સ્વદેશ પહોંચાડાય તે માટે ૨૫,૦૦૦થી વધુ લોકોની સહી સાથે પિટિશન પણ આરંભી છે.
બ્રેન્ટ અને હેરો માટેના લંડન એસેમ્બલી મેમ્બર નવીન શાહ પણ આવી જ હાલતનો સામનો કરી રહ્યા છે. તેમણે અગાઉ, કોરોના વાઇરસ મહામારીની મધ્યે ભારતમાં ફસાઈ ગયેલા હજારો બ્રિટિશ નાગરિકોને સ્વદેશ પરત લાવવા ફોરેન સેક્રેટરીને અપીલ પણ કરી હતી. નવીન શાહે ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબને પત્રમાં લખ્યું હતું કે, ‘મારી પત્ની રાજેશ્રી (કાઉન્સિલર રેખા શાહ નામે જાણીતા) અને હું મારા મોટા ભાઈની અંતિમવિધિમાં હાજરી આપવા આઠમી માર્ચે મુંબઈ આવ્યાં હતાં અને પાછા ફરવાના હતા. જોકે, અમે વર્તમાન પરિસ્થિતિમાં ઘર અને પરિવારથી દૂર ફસાઈ ગયા છીએ. અન્ય ઘણાની માફક અમે પણ એર ઈન્ડિયાની પહેલી એપ્રિલ (૩૧ માર્ચ સુધી યુરોપની ફ્લાઈટ્સ બંધ કરવાના નિર્ણય પછી)ની ફ્લાઈટમાં લંડન પરત થવા બુકીંગ કરાવ્યું હતું. પરંતુ, હવે ભારત સરકારે ૧૪ એપ્રિલ સુધી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર સર્વિસીસ બંધ કરી છે. અમે હવે શું કરીએ? આ રીતે રઝળી પડેલાનું ભાવિ શું છે?’
બીબીસીના સાઉથ એશિયા કોરસ્પોન્ડન્ટ રાજનીની વૈદ્યનાથને ટ્વીટ કર્યું હતું કે, ‘આવા સમયે લોકો ઘરમાં જ રહેવા માગતા હોય છે. આવા સમયે સરકારો સહિત તમામ દબાણ કે તણાવ હેઠળ હોય છે. પરંતુ, જો જર્મની આ કરી શક્યું હોય તો, યુકે શા માટે નહિ?’

કાઉન્સિલર્સ, એસેમ્બલી મેમ્બર્સ અને સાંસદોએ રાબને પત્ર લખ્યો

શાહ અને તેમના પત્ની અન્ય તબીબી તકલીફ (કોવિડ-૧૯ નહિ) ધરાવે છે અને તેમની NHS દ્વારા પ્રિસ્ક્રાઈબ કરાયેલી દવાનો જથ્થો ઝડપથી ખલાસ થઈ રહ્યો છે અને તેમને સ્થાનિક વિકલ્પો પર આધાર રાખવાની ફરજ પડી છે. અગાઉ NHSના ફ્રન્ટલાઈન વર્કર અને ઈસ્ટ મિડલેન્ડ્સના સુમન લેગાહે પણ ભારતમાં લોકડાઉનના કારણે ખાદ્યપુરવઠો ખૂટી પડ્યાની ફરિયાદ કરી છે.
ફેસબૂક પર ‘Brits Stranded in India’ નામના ગ્રૂપ દ્વારા આવી ઘણી વાતો સોશિયલ મીડિયામાં મૂકાઈ છે. આ જૂથના કેટલાક સભ્યોએ સરકાર પાસે મદદ માગવા ટ્વીટરનો પણ સહારો લીધો છે. દરમિયાન, ઓનલાઈન પિટિશન ‘Repatriate UK citizens stuck in India’ પર ૪૩,૦૦૦ લોકોએ હસ્તાક્ષર કર્યા છે.
સ્થાનિક લંડન એસેમ્બલી મેમ્બર ઉન્મેષ દેસાઈ AMએ પણ કોવિડ-૧૯ મહામારી મધ્યે રઝળી પડેલા બ્રિટિશ નાગરિકોને દેશ પરત લાવવા મજબૂત રણનીતિની હાકલ કરતો પત્ર મિ. રાબને લખ્યો છે.
દેસાઈએ આ ‘અકલ્પનીય જટિલ પરિસ્થિતિ’ હોવાનું જણાવવા સાથે સ્પષ્ટ લખ્યું છે કે પોતાની કોઈ ભૂલ ન હોવાં છતાં ફસાઈ ગયેલા સાથી નાગરિકો સુધી પહોંચવા સરકાર ઘણા પગલાં લઈ શકે છે.
રદ થયેલી ફ્લાઈટ્સ અને બંધ કરાયેલી સરહદોના કારણે અનેક દેશોમાં રઝળી પડેલા બ્રિટિશ નાગરિકોની યાતના પણ તેમણે પત્રમાં લખી છે. તેમણે સ્થાયી નિવાસ, પૂરતી હેલ્થકેર અને વિશ્વસનીય કોન્સ્યુલર સહાયના અભાવ વિશે ચિંતા પણ દર્શાવી છે.
સોશિયલ મીડિયા પર અભિયાનના પગલે તનમનજિત ઢેસી અને પ્રીત ગિલ જેવા લેબર સાંસદોએ પણ ફોરેન સેક્રેટરીને પત્ર પાઠવી ભારતમાં રઝળી પડેલા તેમના મતદારોને સલામતપણે પરત લાવવા તાકીદે કાર્યવાહીની માગણી કરી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સાથી કેરોલિન નોક્સે પણ વિદેશમાં ફસાયેલા બ્રિટિશરોને ઠાલાં વચનો આપવા બદલ રાબની ભારે ટીકા કરી હતી.
જોકે, બ્રિટિશરોને ભારતથી પરત લાવવામાં ઘણા પાસાં વિચારવાના રહે છે. જેમાં યુકેએ ભારત મોકલવી પડે તેવી ચાર્ટર્ડ ફ્લાઈટ્સની સંખ્યા, આ ફ્લાઈટ્સ ઓપરેટ કરી શકાય તેવા મુખ્ય કેન્દ્રો કે રાજ્યોની ઓળખ વગેરેનો સમાવેશ થાય છે.
સૂત્રોના માનવા અનુસાર એરસ્પેસની પરવાનગી મળે તે પછી દરેક રાજ્યમાંથી કેટલો ટ્રાફિક મળી શકે તેના આધારે મોટા ભાગની ફ્લાઈટ્સ દિલ્હી, મુંબઈ અને કદાચ જયપુર કે અમદાવાદથી ઓપરેટ કરી શકે.

ઈન્ટર-સિટી પ્રવાસ પણ મુશ્કેલ છે

સમગ્ર ભારતમાં લોકડાઉન લાગુ હોવાથી દેશની અંદરના વિસ્તારોમાં પ્રવાસ કરવો પણ મુશ્કેલ બન્યો છે. ભારતીય રેલવે અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પણ હાલ બંધ છે. આથી, ગ્રામીણ વિસ્તારોમાં ફસાઈ ગયેલા નાગરિકોને સ્પેશિયલ બસોમાં મહત્ત્વના એરપોર્ટ્સ સાથેના મુખ્ય કેન્દ્રો સુધી લાવવાની આવશ્યક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ હાઈ કમિશને જ કરવી જ પડશે. આ સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને કોમ્યુનિટી ટ્રાન્સમિશન થાય નહિ તેની ચોકસાઈ પણ સરકારોએ રાખવી પડશે.

બ્રિટિશ ગુજરાતી જેઠાલાલ સવાણી ગુજરાતના કચ્છ જિલ્લાના કેરા ગામે ફસાયા છે. તેમણે જણાવ્યું હતું કે, ‘કચ્છ અંતરિયાળ જિલ્લો છે. આથી, અમે બ્રિટિશ હાઈ કમિશન અને સંબંધિત સરકારી ઓથોરિટીઝને સ્થળાંતર કરાવવા અમદાવાદથી લંડન ફ્લાઈટની વ્યવસ્થા કરવા વિનંતી કરીએ છીએ.’
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વાત કરતા સુચિરા રાયે જણાવ્યું હતું કે, તેમનો ભાઈ શોવોન ભારતના કોલકતામાં રઝળી પડ્યો છે. તેમના માતા-પિતા બ્રિટિશ નાગરિકો છે પરંતુ, ભારતમાં રહે છે અને યુકેની મુલાકાત દરમિયાન તેઓ પણ ફસાઈ ગયા હોવાથી હાલ તેમની સાથે લંડનમાં રહે છે. શોવોન સાઉથ ઈસ્ટ એશિયાની આયર્નમેન ચેલેન્જ માટે ભારતમાં ટ્રેનિંગ લઇ રહ્યો છે અને યુકે પરત આવવાનો તેની પાસે કોઈ માર્ગ નથી. સુચિરા કહે છે કે ‘મિ. રાબે બ્રિટિશ નાગરિકોને યુકે પરત ફરવા જણાવ્યું છે પરંતુ, ભારતની સરહદો બંધ છે ત્યારે મારો ભાઈ કેવી રીતે પાછો આવશે? કોઈ જ મદદ મળતી નથી!’

જો ભારતમાં કોઈ બ્રિટિશ નાગરિકને તત્કાળ કોન્સ્યુલર મદદ જોઈતી હોય તો તેમણે FCOનો નવી દિલ્હીમાં +91 (11) 2419 2100, ગોવા Goa: +91 832 6636800 , ચેન્નાઈ + 91 (44) 42192151 અને મુંબઈમાં +91 (22) 6650 2222 નો સંપર્ક કરવો જોઈએ. જે બ્રિટિશ નાગરિકો તાત્લાલિક યુકે પાછા ફરવા માગતા હોય તેમણે [email protected]ને ઈમેઈલ કરવો જોઈએ અને તેમાં નીચેની વિગતો સામેલ કરવી જોઈએઃ
• તમારું સંપૂર્ણ નામ • તમારી સાથે પરિવારના કોઈ સભ્ય હોય તો તેમના નામ • તમારી જન્મ તારીખ • તમામ ઉલ્લેખિત પરિવારજનોની જન્મ તારીખો • તમારા પાસપોર્ટ નંબર્સ • વિઝા સ્ટેટસ અને સંપર્કની વિગતો • તમે ભારતમાં ક્યાં છો તે ચોક્કસ સ્થળ • તમારી ભારતમાં આવ્યાની તારીખ, અને • તમે યુકે પરત જવા રિટર્ન ફ્લાઈટ બૂક કરાવી હોય તો તેની વિગતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter