લંડન
ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ફોર બ્રિટિશ ગુજરાતી (APPG)ના કથિત ઉદ્દઘાટન સમારોહ અને પ્રસ્તાવિત પ્રારંભ સામે ગુજરાતી સમુદાયમાં ઉગ્ર વાંધા અને આક્રોશ પ્રવર્તી રહ્યાં છે. અલગ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ફોર બ્રિટિશ ગુજરાતીની રચનાને ભારતીય સમુદાયના વિભાજનના પ્રયાસ તરીકે મૂલવાઇ રહી છે. આ ગ્રુપની રચના અને સમિતિ સભ્યોની પસંદગી અને હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. શું આ ગ્રુપની રચના માટે તેની પાછળ કાર્યરત લોકો દ્વારા સમુદાય સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી? ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ફોર બ્રિટિશ ગુજરાતીના નામે પ્રતિશોધાત્મક વેરઝેર ફેલાવવાનો અધિકાર તેમને કોના દ્વારા અપાયો છે? આપણી પાસે ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ફોર બ્રિટિશ હિન્દુઝ પહેલાંથી કાર્યરત છે જે આપણી તમામ જરૂરીયાતો અને હેતૂઓને પાર પાડે છે. તો આ પ્રકારના નવા સંસદિય ગ્રુપની રચનાની જરૂર શું હતી? 25મી એપ્રિલે તેના પ્રસ્તાવિત પ્રારંભને રદ કરી દેવો જોઇએ.
જાણીતા કટાર લેખક કપિલ દુધકિયાએ તેમની કોલમ કપિલની ખિચડીમાં આ સપ્તાહે જણાવ્યું છે કે, મને તો ભારે અચંબો થયો છે કે કેટલાક સ્વહિત ધરાવતા ગુજ્જુભાઈઓની ખરાબ સલાહોને માની કેટલાક સાંસદોએ ‘ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) ફોર ગુજરાતીઝ’ સ્થાપવા નિર્ણય કર્યો છે. આ મારી જાણ મુજબના સૌથી મૂર્ખતાપૂર્ણ વિચારોમાં એક છે. મને લાગે છે કે 2024માં ભારતમાં યોજાનારી સંસદિય ચૂંટણીને પ્રભાવિત કરવાની પશ્ચિમના ડાબેરીઓની કોઇ ચાલ છે. કેટલાક રાજકારણીઓને લાભ કરાવવા માટે યુકેમાં આપણને વિભાજિત કરતાં પાગલપનને અટકાવવાનો સમય આવી ગયો છે.
1985માં સ્થાપિત નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સે ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ફોર બ્રિટિશ ગુજરાતીને મોકલેલા ઇ-મેલ સંદેશામાં જણાવ્યું હતું કે, અમે આ ગ્રુપના ચેરમેન, વાઇસ ચેરમેન અને સેક્રેટરી સાથે તાત્કાલિક રૂબરૂ મિટિંગ કરવાની માગ કરીએ છીએ. જેથી અમે તેમની પાસે સ્પષ્ટતા માગી શકીએ અને તેમને અમારા મંતવ્યો જણાવી શકીએ. અમારા સવાલોના જવાબ આપવામાં ન આવે ત્યાં સુધી અમે આ ગ્રુપના પ્રારંભને અટકાવી દેવાનું સૂચન કરીએ છીએ.
APPG આ સવાલોના જવાબ આપે
- આ ગ્રુપની રચના માટે કોઇ સંસ્થા, વ્યક્તિઓ, સમાજના અગ્રણીઓ સાથે કોઇ ચર્ચા વિચારણા કરાઇ છે?
- જો આ પ્રકારની કોઇ મિટિંગ કે ચર્ચા વિચારણા થઇ છે તો તેની માહિતી આપવામાં આવે
- આ ચર્ચા વિચારણામાં મોટા ગુજરાતી સંગઠનોને સામેલ કેમ કરાયાં નહોતાં?
- એપીપીજીના લક્ષ્યાંક શું છે અને તે ગુજરાતી સમુદાયની કેવી રીતે સેવા કરવા માગે છે?
- એપીપીજીની રચના, તેની સમિતિના સભ્યો અને હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા જાહેર કરવામાં આવે
એપીપીજી માટે હિન્દુ, ગુજરાતી, ભારતીય સંગઠનોને વિશ્વાસમાં લેવાયાં નથી – હિન્દુ ફોરમ બ્રિટન
હિન્દુ ફોરમ બ્રિટને સાંસદો ગેરેથ થોમસ અને બોબ બ્લેકમેનને પત્ર લખીને જણાવ્યું હતું કે, એપીપીજીની રચના કરવામાં આવી રહીછે પરંતુ તે માટે મોટાભાગના હિન્દુ, ગુજરાતી અને ભારતીય સંગઠનોને વિશ્વાસમાં લેવાયાં નથી. તેથી ગુજરાતી અને ભારતીય સમુદાય તેને નકારી કાઢે છે. અમે માનીએ છીએ કે એપીપીજી બ્રિટિશ હિન્દુ અને એપીપીજી ઇન્ડિયા કાર્યરત છે અને તે અમારી તમામ જરૂરીયાતો પૂરી કરે છે. ભારતના ફક્ત એક જ સમુદાય માટે કામ કરવાનો વિચાર અમને વિચલિત કરે છે. શું ભવિષ્યમાં ભારતના દરેક રાજ્ય માટે અલગ અલગ એપીપીજી બનાવવામાં આવશે.. શું આ સિદ્ધાંત દરેક દેશ અને તેના દરેક રાજ્યને લાગુ પડે છે... અમારા મતે એપીપીજી ગુજરાતી પાછળ બદઇરાદા છે. તે ભારતીય સમુદાયને વિભાજિત કરવાનું કામ કરશે. અમને તેની પાછળ શંકાસ્પદ રાજકિય એજન્ડાની પણ ગંધ આવી રહી છે.


