આફ્રિકન કેર વર્કર્સનું શોષણઃ બ્રિટિશ કંપની દ્વારા હજારો પાઉન્ડની વસૂલાત

Tuesday 13th February 2024 11:45 EST
 

હરારે, લંડનઃ NHS ના દર્દીઓને સેવા આપતી યુકેની કેર કંપની ગ્લોરિઆવીડી (Gloriavd) હેલ્થ કેર લિમિટેડ વિઝાનો ખર્ચ થોડાંક સો પાઉન્ડ હોવાં છતાં, આફ્રિકાના માઈગ્રન્ટ્સ વર્કર્સ પાસેથી યુકેમાં કામ કરવા હજારો પાઉન્ડની વસૂલાત કરતી હોવાનો આક્ષેપ ઝિમ્બાબ્વેના વર્કર્સે લગાવ્યો છે. આટલો ખર્ચ કરવા છતાં તેમને ઓછું કામ મળે છે અને ગંદી જગ્યાએ રહેવું પડે છે. કંપની દ્વારા સપ્તાહમાં કામના વધુ કલાકો, સારું રહેઠાણ અને કુલ વાર્ષિક 20,480 પાઉન્ડની કમાણીના ઓફર લેટર્સ અપાયા હોવાનો પણ દાવો કરાયો હતો.

લીડ્સ અને બાથ તેમજ આસપાસના વિસ્તારોમાં સોશિયલ કેરની નોકરીની ગોઠવણ કરવાના બદલામાં ગ્લોરિઆ વાન ડુનેમ હેલ્થ કેર લિમિટેડ કંપનીએ ઝિમ્બાબ્વેના કેર વર્કર્સ પાસેથી ભારે રકમો વસૂલી હતી. આમ છતાં તેમને જણાવ્યા મુજબના પેઈડ વર્ક કરતાં ઓછું કામ અપાતું હતું અને ગીચ રૂમ્સમાં રખાતા હતા અને તેમના વર્તનનો રિપોર્ટ હોમ ઓફિસે મોકલી અપાશે તેવી ધમકીઓ પણ અપાતી હતી. આના પરિણામે, ડિપોર્ટેશનના ભયથી આ વર્કર્સ ફરિયાદ કરવામાં ડરતા હતા તેવા આક્ષેપો પણ કરાયા છે. બીજી તરફ, કેર કંપનીએ કેર વર્કર્સ પાસેથી વધુ નાણા પડાવાતાં હોવાનો ઈનકાર કર્યો છે.

ગ્રામ્ય સાઉથ આફ્રિકામાં રહેતી ઝિમ્બાબ્વેની એક 40 વર્ષીય મહિલાએ આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીને 6500 પાઉન્ડની ફી ચૂકવવા પોતાનું ઘર વેચી નાખ્યું હતું. આ મહિલા અને અન્ય વર્કર્સને એટલું ઓછું સવેતન કામ અપાતું હતું કે તેમણે ફૂડ બેન્ક્સ પર આધાર રાખવો પડતો હતો. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે ફીમાં વિઝા અને સ્પોન્સરશિપનો ખર્ચ તેમજ બે મહિનાના એકોમોડેશન અને ફૂલ ટાઈમ નોકરીની ગોઠવણનો સમાવેશ થતો હતો. જોકે, ગયા એપ્રિલમાં યુકે આવ્યા પછી તેને અપૂરતી સુવિધા સાથેના રૂમમાં ચાર વ્યક્તિ સાથે જમીન પર સાદડી પાથરી સૂવાનું મળ્યું હતું અને દૈનિક 20 પાઉન્ડની કમાણી મળતી હતી. તેણે ચર્ચ ફૂડ બેન્કની મદદથી પેટ ભરવું પડતું હતું.

હોમ ઓફિસ કેર વર્કર્સ માટે 551 પાઉન્ડ વિઝા ફી ચાર્જ કરે છે તેમજ વિદેશી કેર વર્કર્સ લાવવા માટે નાની કંપનીની સેપોન્સરશિપ લાયસન્સ ફી 536 પાઉન્ડ હોય છે. હોમ ઓફિસે કેર હોમ્સ અને ડોમિસિલિઅરી કેર ક્ષેત્રમાં 165,000 જગ્યાઓ ભરવા 2022માં કેર વર્કર્સને યુકેના શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટમાં મૂક્યા પછી આ હાલત બહાર આવી છે. કેટલીક સોશિયલ કેર એન્ડ એમ્પ્લોયમેન્ટ એજન્સીઓ દ્વારા ઈમિગ્રેશન રૂટનું શોષણ થતું હોવા વિશે ચિંતા દર્શાવાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter