કચ્છના નારણપરમાં સ્વામિનારાયણ મંદિરનો શાનદાર શુભારંભ : વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય જ્ઞાનયજ્ઞ મહોત્સવ યોજાયો

Wednesday 03rd February 2016 08:42 EST
 

મહેનતુ માનવીઅોની ગજબની ધરા કચ્છના ભુજ તાલુકાના નારણપર (નીચલોવાસ) ગામમાં ગત ડિસેમ્બર માસ દરમિયાન ભાઇઅોના શ્રી સ્વામિનારાયણ મંદિર અને સમાજ વાડી લેવા પટેલ હોલના શાનદાર શુભારંભ કાર્યક્રમ બાદ નોર્થ વેસ્ટ લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી નિષ્કુળાનંદ મુની કૃત નિષ્કુળાનંદ કાવ્ય મધ્યે ધીરાજાખ્યાન તથા સ્નેહ ગીતા સપ્તાહ પારાયણ ભવ્ય જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગર્વ સાથે આનંદની વાત એ હતી કે આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, મોટા મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભુજ મંદિરના વરિષ્ઠ સંત પૂ. શ્રી ધર્મનંદન દાસજી અને સંતો સહિત મોટી સંખ્યામાં દેશ વિદેશના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.

અદ્ભૂત ખેતી સાથે અૌધોગીક ગામ તરીકે જેની ગણના થાય છે તેવા નારણપર નીચલોવાસ (પસાયતી) અને ઉપલોવાસના યુકેમાં વસતા નારણપર યુકે કોમ્યુનિટીના અગ્રણીઅોની ઇચ્છા હતી કે નારણપરમાં ભાઇઅોનું વિશાળ સ્વામીનારાયણ મંદિર, લગ્ન માટે સમાજ વાડી, અોપન પાર્ટી પ્લોટ અને જોગીંગ ટ્રેક સહિત બાળકો માટે પાર્કનું નિર્માણ કરવું. બસ એક વખત નિર્ણય લેવાયા બાદ દાનની ગંગા વહેવા લાગી હતી અને લગભગ ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર, સમાજવાડી સહિત સઘળી સુવિધાઅો ઉભી કરાઇ છે. આ પ્રસંગે નારણપર ભાઇઅોના સ્વામિનારાયણ મમદિર ખાતે તા. ૨૦-૧૨-૨૦૧૫ના રોજ મેડિકલ કેમ્પ, તા. ૨૧-૧૨-૨૦૧૫થી તા. ૨૩-૧૨-૧૫ના રોજ વિષ્ણુ યજ્ઞ ૧૦૫ કુંડી હવન, તા. ૨૩થી ૨૯ દરમિયાન સત્સંગી જીવન કથા પારાયણનું અયોજન કરવામાં આવ્યું હતું. મોટા મહારાજ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ, ભૂજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજીની ઉપસ્થિતીમાં કથા પારાયણનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે પૂ. આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે દિવ્ય દર્શનનો લાભ આપી સૌ હરિભક્તોને આશિર્વાદ આપ્યા હતા.

નારણપર ખાતે ભાઇઅોના સ્વામિનારાયણ મંદિરના શુભારંભ બાદ નારણપરના ઉપલાવાસ અને નિચલાવાસના સર્વે હરિભક્તો દ્વારા શ્રી સ્વામિનારાયણ મદિર, વિલ્સડન ખાતે જાન્યુઆરીમાં યોજાયેલી ભવ્ય કથા પારાયણમાં ભુજ મંદિરના શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલ દાસજી, શા. સ્વામી શ્યામકૃષ્ણ દાસજી, પુરાણી સ્વામી ઇશ્વરસ્વરૂપ દાસજી તથા શાસ્ત્રી ઘનશ્યામ સ્વરૂપ દાસજી તેમજ અમદાવાદ મંદિરના શાસ્ત્રી સ્વામી રામસ્વરૂપ દાસજીએ પોતાની મધુર શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધીપતી પ. પૂ. આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી ચાર દિવસ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્ય દર્શન અને આશિર્વાદનો લાભ આપ્યો હતો. ભુજ મંદિરથી સ્વામી કૃષ્ણવલ્લભ દાસજી, સ્વામી હરિબળ દાસજી, સ્વામી બાલકૃષ્ણ દાસજી, સ્વામી કૃષ્ણપ્રસાદ દાસજી, સ્વામી મહાપુરૂષ દાસજી, સ્વામી ગોવિંદપ્રસાદ દાસજી સહિત ૧૮ સંતોએ સત્સંગનો લાભ આપ્યો હતો. આ પ્રસંગે અનેકવિધ સત્સંગ તેમજ સામાજીક પ્રવૃત્તિ મંદિર દ્વારા ભુજ, માંડવી, અંજાર તથા અમદાવાદ શ્રી નરનારાયણ દેવના થાળ, ભુજ દ્વારા ચાલતા ગુરુકુળોમાં વિદ્યાર્થીઅોને રસોઇ આપવામાં આવી હતી. આ પ્રસંગે રાત્રીના સમયે સંસ્કૃતિ કિર્તન-ભજન તથા રાસ-ઉત્સવ પણ રાખવામાં આવ્યો હતો. કથાના સાતમા દિવસે પૂ. આચાર્યશ્રીએ સૌને આશિર્વાદ આપ્યા હતા અને સંતો તથા આચાર્યશ્રીના હસ્તે યજમાનશ્રીઅોને આશિર્વાદરૂપી પહેરામણી આપવામાં આવી હતી.

વિલ્સડન મંદિરમાં તા. ૧૧થી ૧૭ જાન્યુઆરી દરમિયાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા. ૧૪થી ૧૭ દરમિયાન આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કથા પારાયણનો લાભ લીધો હતો. આ પ્રસંગે શુક્રવારે શાકોત્સવ, શનિવારે ભજન સત્સંગ, રવિવારે સમાપન સમારોહનું આયોજન કરાયું હતું. ત્રણેય દિવસ દરમિયાન પ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. સમાપન સમારોહમાં વિવિધ મંદિર અને સંસ્થાઅોના અગ્રણીઅો સહિત આશરે ૨,૦૦૦થી વધારે ભક્તોએ ભાગ લીધો હતો.

નારણપર મંદિર અને સમાજવાડીના નિર્માણ માટે સંપૂર્ણ સખાવત નારણપર યુકે કોમ્યુનિટીના અગ્રણીઅોએ કરી હતી.

જેમાં કાંતિભાઇ દેવજી વાગજીયાણી, વિશ્રામ કુંવરજી વરસાની અેન્ડ સન્સ, કુંવરજી અરજણ કેરાઇ, કુરજી દેવજી વેકરીયા, લક્ષ્મણ લાલજી કેરાઇ, નારણ દેવજી વરસાણી, વિનોદ લાલજી વરસાણી અને નારણપર યુકે કોમ્યુનિટીના હરિભક્તોની સખાવતથી આ શુભ કાર્ય શક્ય બન્યું હતું.

નારણપર ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં વિલ્સડન મંદિરના પ્રેસિડેન્ટ મનજીભાઇ શીવજીભાઇ હાલાઇ, શશીભાઇ વેકરીયા (વાસ્ક્રોફ્ટ લિ.), જયંતિભાઇ પટેલ (સીજે ટ્રાવેલ્સ) સહિત યુકેથી ૪૦૦, ઇસ્ટ આફ્રિકાથી ૮૦૦, અોસ્ટ્રેલીયાથી ૧૫૦ સહિત દેશવિદેશથી મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

નારણપર યુકે કોમ્યુનિટીના ચેરમેન અને વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી તેમજ યુકેમાં બિલ્ડીંગ કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલા કુંવરજીભાઇ કેરાઇએ નારણપર ગામના નુતન મંદિર અને અહિંના કથા સત્સંગની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની સેવાઅો આપી હતી. ઉત્સાહી કુંવરજીભાઇ આ અગાઉ ભૂજ નૂતન મંદિર શુભારંભ, અમદાવાદ સ્વામિનારાયણ મ્યુઝીયમ શુભારંભ, સીડની (અોસ્ટ્રેલીયા)ના નુતન મંદિરના શુભારંભ સહિત વિવિધ મંદિરના કાર્યક્રમોની વિડીયોગ્રાફીની સેવા સ્પોન્સર કરી ચૂક્યા છે.

કથાનું સંચાલન પુરાણી સ્વામી તેમજ સ્વામી મહાપુરૂષ દાસજી તથા પ. ભ. કુરજીભાઇ કેરાઇએ સંભાળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter